China Pakistan Economic Corridor: ભારત ચીન બોર્ડર પર ચીનની અવળચંડાઈ ફરી વધી ગઈ છે, ચીને જમ્મુ કાશ્મીરની શકસગામ વેલી ક્ષેત્રને પોતાનો વિસ્તાર ગણાવ્યો છે, ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) થકી પાકિસ્તાન સુધી રસ્તો બનાવી રહ્યું છે. જે આ ક્ષેત્રમાંથી નીકળે છે. ભારતે આ મામલે કડક વલણ દાખવ્યું છે, ભારત આ ક્ષેત્રમાં કોઈ પણ ગેરકાયદેસર વિદેશી નિર્માણની વિરુદ્ધ રહ્યું છે. ભારતે 9 જાન્યુઆરીએ પણ આ ક્ષેત્ર પર ચીનના કંટ્રોલને ગેરકાયદેસર કબજો ગણાવ્યો હતો.
ચીનની અવળચંડાઇ
ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગએ સોમવારે કહ્યું હતું કે જે ક્ષેત્ર(શકસગામ વેલી)ને લઈને સવાલો ઉઠી રહ્યા છે તે ચીનનો ભાગ છે, પોતાના વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું ચીનનો અધિકાર છે, તેના પર કોઈ સવાલ નહીં ઉઠાવી શકે. મહત્ત્વનું છે કે પાકિસ્તાને 1948માં શકસગામ વેલી પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો અને 1963માં આ ક્ષેત્ર ચીનને સોંપી દીધું હતું.
માઓ નિંગએ વધુમાં કહ્યું હતું કે ચીન અને પાકિસ્તાને 1960ના દશકમાં સરહદ કરાર કર્યો હતો, બંને દેશો વચ્ચે પોતાની સરહદ નક્કી કરવામાં આવી હતી, આ નિર્ણય બંને દેશોએ પોતાના સંપ્રભુત્વના અધિકારો હેઠળ કર્યો હતો.
CPEC અંગે ચીની પ્રવક્તાએ કહ્યું કે આ એક આર્થિક સહયોગ માટેની પરિયોજના છે, જેનો હેતુ લોકલ આર્થિક અને સામાજિક વિકાસને વધારવાનો છે, જેનાથી લોકોની જિંદગી વધારે સારી બનાવી શકાય, ચીન-પાક સરહદ કરાર અને CPECનો કાશ્મીર મુદ્દા સાથે ચીનને કોઈ લેવાદેવા નથી, તે મામલે ચીનની સ્થિતિ હંમેશા પહેલા જેવી જ છે.
'CPECને ભારત માન્યતા આપતું નથી'
9 જાન્યુઆરીના રોજ કાશ્મીર મુદ્દે ચીનના વધતાં પ્રભાવ પર ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલને સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે શકસગામ વેલી ભારતનું ક્ષેત્ર છે, આપણે 1963માં ચીન અને પાકિસ્તાનના કહેવા પૂરતા સરહદ કરારને માન્યતા આપી નથી, અમે આ સરદાર કરારને ગેરકાયદે માનીએ છીએ, ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર CPECને પણ ભારત માન્યતા આપતું નથી, કારણ કે આ ભારતના ક્ષેત્રમાં થઈને જાય છે. જે પાકિસ્તાનના જબરદસ્તી અને ગેરકાયદે કબજામાં છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે, આ વાત ભારત પાકિસ્તાન અને ચીનને અનેક વખત જણાવી ચૂક્યું છે.
શું છે શક્સગામ વેલી?
શક્સગામ વૈલીના પ્રશ્ન પર આવતાં પહેલા તેનો ઇતિહાસ સમજવો અત્યંત જરૂરી છે. આઝાદી પછી કાશ્મીરે ભારત સાથે રહેવાનું પસંદ કર્યું હતું, જોકે પાકિસ્તાને શિયાળાની આડમાં હુમલો કરીને ગેરકાયદેસર રીતે કાશ્મીરના કેટલાક હિસ્સા પર કબજો જમાવી લીધો. ત્યારબાદ પાકિસ્તાને આ ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારનો એક ભાગ ચીનને સોંપી દીધો. હવે ચીન આ વિસ્તારને માત્ર પોતાનો ગણાવે છે એટલું જ નહીં, પરંતુ ત્યાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ ચલાવી રહ્યું છે. ભારતે આ સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે, પરંતુ ચીનનો તર્ક છે કે તેણે પાકિસ્તાન સાથેના 'સરહદ કરાર' અંતર્ગત આ વિસ્તાર પ્રાપ્ત કર્યો હોવાથી તે ત્યાં બાંધકામ કરવાનો હક ધરાવે છે.
વર્ષ 1947માં દેશ આઝાદ થયો તે પહેલા શક્સગામ વેલી જમ્મુ-કાશ્મીર રિયાસતનો ભાગ હતી. 1948માં પાકિસ્તાને આ વિસ્તાર પર ગેરકાયદેસર કબજો કર્યો હતો. ત્યારબાદ 1963માં પાકિસ્તાને ચીન સાથે એક સમજૂતી કરી, જેના અંતર્ગત આશરે 5,180 ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર ચીનને સોંપી દીધો. આ વેલી સિયાચીન ગ્લેશિયરની ઉત્તર-પશ્ચિમમાં આવેલી છે અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં ભારત, પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાનની સીમાઓ સ્પર્શે છે. ભારતે ચીન-પાકિસ્તાન વચ્ચેની આ 1963ની સમજૂતીને ક્યારેય માન્યતા આપી નથી.
CPEC પ્રોજેક્ટ શું છે?
આ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ચીનનાં ગોબી ડેઝર્ટના દક્ષિણ ભાગે આવેલા ત્સિયાનથી શરુ થઈ ઝિંગગ્યાના પ્રાંતના હોનાન, ચારકંદ, કાશ્ગર થઈ પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીરમાં થઈ મુલ્તાન અને સક્કર થઈ ક્વેટા અને હલાત પહોંચી ત્યાંથી છેક બલુચિસ્તાન સિંધી ગ્વાડર (બલુચિસ્તાનના છેક દક્ષિણ પશ્ચિમ) ભાગે પહોંચશે.
ભારતે CPEC પ્રોજેક્ટનો કર્યો છે વિરોધ
CPEC પરિયોજના લગભગ 60 બિલિયન ડૉલરની છે અને ભારતે તેનો આકરો વિરોધ કર્યો છે, કારણ કે આ કોરિડોર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(PoK)ના રસ્તેથી પસાર થાય છે. ભારત તેને પોતાની સંપ્રભુતાનું ઉલ્લંઘન માને છે. તેમ છતાં ચીન અને પાકિસ્તાન અફઘાનિસ્તાનને આ કોરિડોરથી જોડવાના પ્રયાસમાં છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે હાલ 16 હજાર કિલોમીટરનું દરિયાઈ અંતર છે, CPEC પ્રોજેક્ટથી ઘટીને 5 હજાર કિલોમીટરનું થઈ જશે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
CPEC પ્રોજેક્ટ ભારત માટે કેમ ચિંતાનો વિષય?
CPEC માટે ચીને પાકિસ્તાનમાં 60 બિલિયન ડૉલર(અંદાજિત 5 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટને 2013માં શરુ કરવામાં આવ્યો હતો. આ કોરિડોરમાં હાઇવે, રેલવે લાઇન, પાઇપલાઇન અને ઓપ્ટિકલ કેબલનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચીન સતત પોતાની સિક્યોરિટી ફોર્સ મોકલવાની મંજૂરી આપવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યું છે. અત્યાર સુધી તો પાકિસ્તાને તેની મંજૂરી આપી નથી પરંતુ ચીન તેનો પાક્કો મિત્ર છે અને શક્ય છે કે આજે નહીં તો કાલે, તે તેની મંજૂરી આપી દે. જો પાકિસ્તાન તેની મંજૂરી આપે છે તો ચીનની સેના ત્યાં તહેનાત થઈ જશે. આ ભારત માટે ચિંતા વધારનારી વાત હશે. કેમ કે તેનાથી ચીનની સેના PoKમાં પણ આવી જશે, કેમ કે અહીં પણ ઘણા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ભારત PoKમાં કોઈ પણ વિદેશી સેનાની હાજરી સહન કરશે નહીં. PoKમાં ચીની સેનાની હાજરી ભારતની ઉત્તર સરહદની પાસે ચીનની દખલગીરી વધારશે. તેનાથી ભવિષ્યમાં ભારત અને ચીન વચ્ચે ઉત્તર સરહદ પર પણ તણાવ વધવાનું જોખમ થઈ શકે છે.


