નેપાળમાં 18 નહીં 16 વર્ષની વયે જ કરી શકાશે મતદાન, Gen-Zને રાજી કરવા વચગાળાની સરકારની જાહેરાત
Nepal News : નેપાળના વચગાળાના વડાંપ્રધાન સુશીલા કાર્કીએ આજે પહેલીવાર દેશને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે નિર્ધારિત સમયમાં ચૂંટણી કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે જાહેરાત કરી કે, નેપાળમાં મતદાન કરવાનો અધિકાર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવ્યો છે. Gen-Z આંદોલન બાદ વધુને વધુ યુવાનોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
વિદેશમાં રહેતા નાગરિકોને પણ મતદાનનો અધિકાર મળશે
વડાંપ્રધાન કાર્કી (PM Sushila Karki)એ કહ્યું કે, ‘વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને પણ મતદાનનો અધિકાર આપવા માટે કાયદામાં સુધારો કરવાનું કામ શરૂ કરાયું છે. Gen-Z પ્રદર્શન દરમિયાન નેતાઓના ઘરેથી જે નાણાં મળી આવ્યા છે, તેની તપાસ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ મની લોન્ડરિંગ ઈન્વેસ્ટિગેશનને સૂચના અપાઈ છે.’ વડાંપ્રધાનનું સંબોધન પૂર્ણ થયા બાદ નેપાળના ચૂંટણી પંચે 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુવાનોને મતદાર યાદીમાં નોંધણી કરાવવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ પણ વાંચો : ‘અમે ભારતને સજા આપવા નથી માંગતા, પણ આ એક શરત માનવી પડશે’, અમેરિકાનું મોટું નિવેદન
ચૂંટણીની તૈયારીઓ શરૂ
તેમણે વધુમાં કહ્યું કે, ‘દેશની જટિલ રાજકીય પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે સરકારે સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી પ્રજાશક્તિ, બજેટ, ચૂંટણી પ્રક્રિયા, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સહિતની યોજના બનાવી છે.’ તેમણે નેપાળી ભાઈ-બહેનોને આગામી ચૂંટણીઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે.