France Rejects Gaza Peace Board: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષી 'ગાઝા બોર્ડ ઑફ પીસ' યોજનાને શરુઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સ અને કેનેડાએ રૂ. 9,000 કરોડની સભ્ય ફીનો વિરોધ કરીને આ બોર્ડમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો છે.
ફ્રાન્સ અને કેનેડાનો ઇન્કાર અને ટ્રમ્પની ટેરિફની ધમકી
એક રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દાવોસમાં આયોજિત કાર્યક્રમમાં આ બોર્ડ પર હસ્તાક્ષર કરાવવા માંગતા હતા. પરંતુ ફ્રાન્સના ઇન્કારથી તેમની યોજના પર પાણી ફરી વળ્યું છે. આ નિર્ણયથી નારાજ થઈને ટ્રમ્પે ફ્રાન્સની વાઇન અને શેમ્પેન પર 200 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી દીધી છે. મેક્રોન પર કટાક્ષ કરતાં ટ્રમ્પે કહ્યું કે, 'કોઈ પણ તેને નથી ઇચ્છતું, કારણ કે તે ટૂંક સમયમાં ઑફિસમાંથી બહાર થવાના છે. હું તેની વાઇન અને શેમ્પેન પર 200 ટકા ટેરિફ લગાવીશ અને તે સામેલ થઈ જશે.'
આ પણ વાંચો: ઈરાનથી ફફડી ગયું ઇઝરાયલ એટલે જ તો ટ્રમ્પને નેતન્યાહૂએ હુમલો ન કરવા મનાવ્યાં
શા માટે ફ્રાન્સ કરી રહ્યું છે વિરોધ?
સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે આ બોર્ડ UNSCના પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી શકે છે. જો મેક્રોન આમંત્રણ નકારી કાઢે છે, તો તેની અસર યુરોપના અન્ય ઘણાં દેશોના નેતાઓના નિર્ણય પર પણ પડી શકે છે. જોકે કેનેડા અને ફ્રાન્સ એમ બંને દેશોને 9000 કરોડ રૂપિયા સભ્ય ફીને લઈને વાંધો પડ્યો છે.
ભારતનું વલણ શું છે?
ભારતે ગાઝા પર આંતરરાષ્ટ્રીય શાંતિ બોર્ડની રચના અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ આમંત્રણનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને આગામી કેટલાક દિવસોમાં તેમાં જોડાવા કે ન જોડાવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ 'બોર્ડ ઑફ પીસ'નો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું હતું.
કયા દેશોને મળ્યું છે આમંત્રણ?
અમેરિકાએ ભારત, પાકિસ્તાન, વિયેતનામ, જોર્ડન, ગ્રીસ, તુર્કી અને ઇજિપ્ત સહિત લગભગ 60 દેશોને આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રિત કર્યા છે. અત્યાર સુધી, હંગેરી એકમાત્ર એવો યુરોપિયન દેશ છે જેણે ટ્રમ્પનું આમંત્રણ સ્વીકાર્યું છે.


