| (IMAGE - IANS) |
Netanyahu urged Trump not to attack Iran: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી હતી કે તેઓ અત્યારે ઈરાન પર હુમલો ન કરે. નેતન્યાહૂનો તર્ક હતો કે જો ઈરાન વળતો પ્રહાર કરશે, તો ઇઝરાયલ અત્યારે તેને સહન કરવા કે તેનો સામનો કરવા માટે પૂરેપૂરું તૈયાર નથી.
ઈરાની મિસાઈલો સામે રક્ષણ આપવા અમેરિકાને અપીલ
નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે ફોન પર લાંબી વાતચીત રિપોર્ટ મુજબ, 14 જાન્યુઆરીએ બંને નેતાઓ વચ્ચે ફોન પર લાંબી ચર્ચા થઈ હતી. નેતન્યાહૂએ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું હતું કે, 'જ્યાં સુધી અમેરિકા આ વિસ્તારમાં ઈરાની મિસાઈલો અને ડ્રોનને રોકવા માટે પૂરતું સૈન્ય બળ તૈનાત ન કરે, ત્યાં સુધી ઇઝરાયલ પોતાની રક્ષા કરવા સક્ષમ નથી. આ ઉપરાંત, સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ ટ્રમ્પ સાથે વાત કરીને પ્રાદેશિક સુરક્ષાના કારણોસર હુમલો ન કરવાની સલાહ આપી હતી.
ટ્રમ્પે કેમ હુમલો ન કર્યો?
ટ્રમ્પના સલાહકારોને લાગતું હતું કે હુમલો નિશ્ચિત છે, પરંતુ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી દ્વારા મોકલવામાં આવેલા એક શાંતિ સંદેશાએ સ્થિતિ સુધારવામાં મદદ કરી હતી. ટ્રમ્પે સાથી દેશોની ચેતવણી અને અમેરિકન સૈન્યની અપૂરતી હાજરીને ધ્યાનમાં રાખીને હુમલો કરવાનો નિર્ણય પડતો મૂક્યો હતો. નોંધનીય છે કે આ પહેલા ટ્રમ્પે ઈરાનમાં 37 વર્ષ જૂના શાસનનો અંત લાવવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: 4000 લોકોની હત્યા, 26000થી વધુની અટકાયત, ઈરાનમાં દેખાવોને કચડી નાખવા ક્રૂર કાર્યવાહી?
ખામનેઈનો સંયમ અને ટ્રમ્પનું બદલાયેલું વલણ
ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં હજારો લોકોના મોત થયા છે. ટ્રમ્પે શરૂઆતમાં પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું હતું, પરંતુ બાદમાં તેમણે નિવેદન બદલતા કહ્યું કે હિંસા ઓછી થઈ છે. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે સામૂહિક ફાંસી રોકવામાં અયાતુલ્લા અલી ખામનેઈનો સંયમ તેમનો અત્યાર સુધીનો 'શ્રેષ્ઠ નિર્ણય' હતો. બીજી તરફ, ઈરાને અમેરિકા પર દેશમાં અસ્થિરતા ફેલાવવાનો સતત આરોપ લગાવ્યો છે.


