માઇક્રોસોફ્ટના પૂર્વ એક્ઝિક્યૂટીવ મુકુંદ મોહનની ધરપકડં
યુએસ પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ હેઠળ ૬ કંપનીઓ માટે આઠ લોન મેળવવા માટે અરજી કરવાનો આરોપ
૫૫ લાખ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ
નવી દિલ્હી, તા. ૨૫
૫૫ લાખ ડોલરની છેતરપિંડી બદલ માઇક્રોસોફટના પૂર્વ એક્ઝિક્યૂટીવ મુકુંદ મોહનની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. મુકુંદ મોહન પર યુએસ પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ(પીપીપી) હેઠળ પોતાની ૬ કંપનીઓ માટે આઠ લોન મેળવવા માટે અરજી કરવાનો આરોપ છે.
સરકાર આ પ્રોગ્રામ હેઠળ ઉદ્યોગપતિઓને કોરોના મહામારીના સમયમાં કર્મચારીઓને જાળવી રાખવામાં મદદ કરે છે. જો સરકારી મદદનો ઉપયોગ તે જ હેતુ માટે કરવામાં આવે છે તો તેને ગ્રાન્ટમાં રૃપાંતરિત કરવામાં આવે છે.
મુકુંદ મોહન પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે એવી કંપનીઓ માટે લોન માગી છે જે કંપનીઓમાં કોઇ કર્મચારી નોકરી કરી રહ્યો નથી અને કેટલીક કંપનીઓ તો કોઇ બિઝનેસ કરી રહી નથી.
યુએસ એટર્નીએ આરોપ મૂક્યો છે કે મોહને નકલી દસ્તાવેજોને આધારે લોન માટે અરજી કરી હતી. મોહન પર બીજો આરોપ છે કે તેમણે લોન પેેટે મળેલ રકમનો ઉપયોગ અંગત હેતુ માટે કર્યો હતો.
મોહને માહેનજો નામની કંપની માટે લોન મેળવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કંપનીમાં કોઇ કર્મચારી કામ કરતો નથી. અરજી કરતી વખતે મોહને જણાવ્યું હતું કે કંપનીનો પેરોલ ખર્ચ ૨૩ લાખ ડોલરથી વધારે છે. જે મુજબ મહિલાઓને સરેરાશ મંથલી પેરોલ ૧,૭૨,૨૫૦ ડોલરમાં પડે છે.