તાલિબાને હવાઈ હુમલા કરી પાકિસ્તાનમાં મચાવી તબાહી, અફઘાનિસ્તાનના મંત્રાલયે શેર કર્યા VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan-Afghanistan Border Tension : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે અફઘાનિસ્તાને એરસ્ટ્રાઇકના ફૂટેજ જાહેર કર્યા છે. આ વીડિયોમાં અફઘાનિસ્તાને દર્શાવ્યું છે કે, તેણે કેવી રીતે પાકિસ્તાની સરહદની અંદર ઘૂસીને હવાઈ હુમલા કર્યા. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ ફૂટેજમાં જોઈ શકાય છે કે રાતના અંધારામાં અચાનક ભીષણ વિસ્ફોટો થાય છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે, આ હુમલા પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે.
સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા
જોકે, આ ફૂટેજના આધારે પાકિસ્તાનનું ચોક્કસ લોકેશન જણાવવું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને સરહદો પર સ્થિતિ ગંભીર બની છે. પાકિસ્તાને પણ અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં હુમલા કર્યા છે. અહેવાલો મુજબ, 2021કમાં તાલિબાનના પુનરાગમન બાદ પાકિસ્તાને પહેલીવાર આટલો મોટો હુમલો કર્યો છે, જેમાં કંદહાર અને કાબુલની આસપાસના વિસ્તારોમાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પે પાકિસ્તાનના કર્યા વખાણ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમના પાકિસ્તાન સાથેના સંબંધો ઘણા સારા છે અને તે દેશ 'ખૂબ સારું' પ્રદર્શન કરી રહ્યો છે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, "પાકિસ્તાન સાથે મારા સંબંધો ખૂબ જ સારા છે. તમારી પાસે એક મહાન વડાપ્રધાન અને એક મહાન જનરલ છે. તમારી પાસે સારા નેતા છે, તેમના પ્રત્યે મને ખરેખર ખૂબ માન છે."
ટ્રમ્પને પાકિસ્તાન યુદ્ધ અંગે પૂછવામાં આવ્યું
ટ્રમ્પને પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન સામે શરુ કરાયેલા 'ખુલ્લા યુદ્ધ' અંગે સવાલ કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ આ લડાઈ રોકવા માટે હસ્તક્ષેપ કરશે. બીજી તરફ, અમેરિકાની રાજકીય બાબતોના ઉપ વિદેશ મંત્રી એલિસન હુકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી આમના બલોચ સાથે વાત કરી છે અને હાલના સંઘર્ષમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે તાલિબાનના હુમલા સામે આત્મરક્ષા કરવાના પાકિસ્તાનના અધિકારને સમર્થન જાહેર કર્યું છે.
બંને પક્ષે ભારે જાનહાનિના દાવા
પાકિસ્તાને શુક્રવારે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન સામે 'ખુલ્લી જંગ' ચાલુ છે અને તેની સેનાના હવાઈ હુમલામાં 270થી વધુ તાલિબાન ઠાર મરાયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, આ હુમલા અફઘાન તાલિબાનના સીમાપાર હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે દાવો કર્યો હતો કે, અફઘાન દળોએ 55 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે અને પાકિસ્તાનની અંદર મહત્ત્વના સૈન્ય લક્ષ્યોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા છે.








