ભારત બાદ અફઘાનિસ્તાને પણ કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, મિસાઇલ હુમલાના દાવાની પોલ ખોલી
Afghanistan denies Pakistani claim of Indian missile strike: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ખોટા દાવા અને નકલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે. પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે ભારતે અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ દાવા પહેલા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, 'પાકિસ્તાન અફઘાનિસ્તાન પર ભારતના હુમલાની વાત કરીને અફવાઓ ફેલાવી રહ્યું છે, બધા જાણે છે કે અફઘાનિસ્તાન પર કોણ હુમલો કરે છે.' આ બધા દાવા વચ્ચે, અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાનું એક નિવેદન પણ સામે આવ્યું છે.
અફઘાનિસ્તાને મિસાઇલ હુમલા અંગે કરી સ્પષ્ટતા
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારજમીએ રેડિયો વાતચીત દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે, 'પાકિસ્તાને કરેલા દાવા ખોટા છે. કોઈપણ ભારતીય મિસાઇલે અફઘાનિસ્તાનની ધરતીને હીટ કરી નથી. અફઘાન પ્રદેશ પર ભારતના મિસાઇલ હુમલા અંગે પાકિસ્તાનના દાવાને અમે ખારીજ કરીએ છીએ. આવા દાવાઓમાં કોઈ સત્ય નથી.'
પાકિસ્તાન શું દાવો કરી રહ્યું છે?
અફઘાનિસ્તાન પર હુમલા અંગે પાકિસ્તાને દાવો કર્યો હતો કે, 'ભારતે સમગ્ર ક્ષેત્રને અસ્થિર કરવાના ઉદ્દેશ્યથી અફઘાનિસ્તાનમાં પણ મિસાઇલ હુમલા શરુ કર્યા છે.' તેમજ પાકિસ્તાની વાયુસેનાએ પણ અફઘાનિસ્તાનમાં ભારતીય મિસાઇલ પડ્યાના પુરાવા હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાનના ટોચના રાજકારણીઓ, એજન્સીઓ અને મંત્રીઓ પણ આવી અફવા ફેલાવી રહ્યા છે.
અફઘાન લોકો સારી રીતે જાણે છે કે તેમના વાસ્તવિક દુશ્મન કોણ છે: ભારત
પાકિસ્તાનના આ દાવા બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'અફઘાન લોકો સારી રીતે જાણે છે કે તેમના વાસ્તવિક દુશ્મન કોણ છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાનના દાવાને સંપૂર્ણપણે ખોટો અને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. આ મામલે ભારતનું કહેવું છે કે, 'પાકિસ્તાન ભારત વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહ્યું છે.'
ભારત સાથે તાલિબાનના સારા સંબંધોથી ગભરાયું પાકિસ્તાન
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના અફઘાનિસ્તાન સાથેના સંબંધો સારા નથી રહ્યા. તેમજ, ભારત સાથે તાલિબાનના સંબંધોમાં સુધારો થયો છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનને ડર છે કે અફઘાનિસ્તાન બોર્ડર પર તેની વિરુદ્ધ બીજો મોરચો ખુલી શકે છે. જેનાથી બચવા પાકિસ્તાન અફવાઓ ફેલાવીને અફઘાનિસ્તાનમાં ભારત વિરોધી વાતાવરણ બનાવવા માંગે છે, પરંતુ તાલિબાન સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન ખોટું બોલી રહ્યું છે.