Get The App

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
G7 Countries on Pahalgam Terror Attack


G7 Countries on Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ નાજુક છે. એવામાં G-7માં સ્થાન ધરાવતા દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસએના વિદેશ મંત્રીઓ અને યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિએ પહલગામ હુમલાની નિંદા કરી છે. આ સાથે તેમણે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા પણ કહ્યું છે.

ભારત-પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ

G7 દેશોએ પોતાના નિવેદનમાં કહ્યું, 'અમે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ.' આગળની કોઈપણ લશ્કરી કાર્યવાહી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો ઊભો કરશે. અમે બંને દેશોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને શાંતિ માટે સીધી વાતચીતમાં જોડાવા વિનંતી કરીએ છીએ.

સિંગાપોરે પણ ભારત-પાકિસ્તાન તણાવ પર ચિંતા વ્યક્ત કરી

સિંગાપોરના વિદેશ મંત્રાલય(MFA)એ શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અંગે ખૂબ ચિંતિત છીએ.' અમે બંને પક્ષોને તણાવ ઓછો કરવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરીએ છીએ. ઉપરાંત, બંને દેશોમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ' લોન્ચ કર્યો, અમેરિકામાં ગેરકાયદે વસતાં લોકોને 'લાસ્ટ ચાન્સ'

સિંગાપોરે પોતાના નાગરિકોને સાવચેત રહેવા આપી સૂચના 

આ ઉપરાંત સિંગાપોરે તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 'સિંગાપોરના નાગરિકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી વિસ્તારોમાં ખાસ કરીને સતર્ક રહેવું અને તમામ જરૂરી સુરક્ષા સાવચેતીઓ રાખવી.' સિંગાપોરે તેના નાગરિકોને ભીડવાળી જગ્યાઓ ટાળવા, સ્થાનિક સમાચાર પર નજર રાખવા અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું 2 - image

Tags :