Get The App

વિશ્વની શક્તિશાળી સેના છતાં હજુ સુધી ટ્રમ્પ કેમ ઈરાન સામે યુદ્ધ જીતી ના શક્યા, વાંચો 10 પોઈન્ટ્સ

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વની શક્તિશાળી સેના છતાં હજુ સુધી ટ્રમ્પ કેમ ઈરાન સામે યુદ્ધ જીતી ના શક્યા, વાંચો 10 પોઈન્ટ્સ 1 - image

Image Source: Twitter

Explainer Iran US Israel War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતથી જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. વેનેઝુએલાના પ્રમુખ માદુરોને ઉઠાવ્યા બાદ ટ્રમ્પે લીડરશિપ ખતમ કરનારી ટેક્નોલોજીનો ઉપયોગ ઈરાનમાં પણ કરવાનો પ્રયાસ કર્યો. પરમાણુ વાટાઘાટો વચ્ચે 28 ફેબ્રુઆરીએ તેહરાન પર થયેલા હુમલામાં ઈરાન અને શિયા સુપ્રીમ લીડર ખામેનેઈને ઠાર કરી દીધો. એકથી બે અઠવાડિયામાં ઈરાનમાં સત્તા પરિવર્તન કરીને જીત હાંસલ દાવો કરનાર ટ્રમ્પ હવે એક થકાવી દેતા યુદ્ધમાં ફસાયેલા નજર આવી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ અને ઈરાનની નાકાબંધી વચ્ચે પરમિટ સિસ્ટમે અમેરિકા અને તેના સાથીઓ માટે વધુ સમસ્યાઓ ઊભી કરી દીધી છે. હવે સવાલ એ છે કે જે યુદ્ધને ટ્રમ્પ થોડા જ દિવસોમાં સમાપ્ત કરવાનો દાવો કરી રહ્યા હતા, તે હવે લાંબુ કેમ ખેંચાઈ રહ્યું છે.

અમેરિકન એક્સપર્ટ્સના મતે ટ્રમ્પના "એહસાસ"ના આધારે શરૂ થયેલા આ યુદ્ધના તાજેતરના પરિણામો એ દર્શાવે છે ટ્રમ્પ વહીવટીતંત્રએ ઉતાવળમાં આ નિર્ણય લીધો છે. અમેરિકન અધિકારીઓ દાયકાઓથી આ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો હુમલો કરવામાં આવે તો ઈરાન કેવી પ્રતિક્રિયા આપશે , પરંતુ ટ્રમ્પે આ બધાને અવગણ્યા અને હુમલો કરવાનું યોગ્ય માન્યું. ઈરાન તરફથી કરવામાં હુમલાઓ માત્ર અમેરિકાના યુદ્ધ ખર્ચમાં જ વધારો નથી કરી રહ્યા, પરંતુ તેમના સાથીઓ પર હુમલો કરીને અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને યુદ્ધને વધુ ખર્ચાળ બનાવી રહ્યા છે. ટ્રમ્પે કહી ચૂક્યા છે કે, અમે ઈરાનને રો કીને જ રહીશું, ભલે તેના માટે પૈસા ખર્ચવા પડે કે કેટલાક અમેરિકનોના જીવ પણ કેમ ન જાય. પરંતુ સવાલ એ છે કે, ટ્રમ્પ આવી નીતિ ક્યાં સુધી ચાલુ રાખી શકે છે, અને તે અત્યાર સુધી પ્રમાણમાં નાના ઈરાનને ટ્રમ્પ કેમ હરાવી શક્યા નથી? તો ચાલો આની પાછળની આખી સ્ટોરી સમજીએ.

હોર્મુઝ સ્ટ્રેટનું સંકટ

અમેરિકા તરફથી જ્યારે હુમલા કરવામાં આવ્યા હતા તો તે પહેલા તેઓ ભારત પર રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવા દબાણ કરી રહ્યા હતા. યુક્રેનને મદદ કરવા માટે વોશિંગ્ટનને આ યોગ્ય પણ લાગ્યું, તો તેણે ટ્રેડ ડીલના આધારે ભારતને આ કરવા માટે રાજી કરી લીધું. હવે, ઈરાન યુદ્ધ શરૂ થયાના લગભગ એક અઠવાડિયામાં જ વૈશ્વિક ઉર્જા સંકટ શરૂ થઈ જતા અમેરિકાએ ભારતને તો રશિયન તેલ ખરીદવાથી છૂટ આપી જ પરંતુ  આ સાથે જ રશિયન તેલ પરના પ્રતિબંધો પણ હંગામી ધોરણે હટાવી લીધા.

વોશિંગ્ટન દ્વારા એક જ મહિનાની અંદર બદલાયેલો આ નિર્ણયો દર્શાવે છે કે કાં તો ઈરાન પર હુમલો ઉતાવળમાં કરવામાં આવ્યો હતો અથવા તો અમેરિાકાને અંદાજો ન હતો કે, ઈરાન પર હુમલા સ્થિતિની સ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ પણ થઈ શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવું અમેરિકા માટે સરળ પણ નથી. કારણ કે ઈરાન અને તેના સાથી દેશોના સસ્તા ડ્રોન અને મિસાઇલો સામે તેલ જહાજોને એસ્કોર્ટ કરવા એ એક મોંઘો સોદો સાબિત થઈ શકે છે. જો નૌકાદળ ટ્રમ્પના કહેવા પર આવું કરવાનો પ્રયાસ પણ કરશે તો પણ તેને ભારે નુકસાન થશે.

ઈઝરાયલની લીડરશિપના ખાત્માની તૈયારી

વેનેઝુએલામાં ઓપરેશનની સ્થિતિમાં અમેરિકાએ માદુરોની હત્યા કરી ન કરી. પરંતુ તેને ઉઠાવીને પોતાના દેશ લઈ આવ્યા. 2002માં જ્યારે સદ્દામ હુસૈન સામે પણ અમેરિકાએ ઓપરેશન ચલાવ્યું, ત્યારે તેની પણ હત્યા ન કરીને તેની ધરપકડ કરીને કેસ ચલાવ્યો હતો. પરંતુ ઈરાનના સુપ્રીમ લીડરને લઈને અમેરિકન અને ઈઝરાયલી મિસાઈલોએ પરિાવાર સહિત તેમનો ખાતમો કરી દીધો. આ નીતિ અમેરિકાની ઓછી અને ઈઝરાયલની વધુ લાગે છે. હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલી નીતિ હંમેશાથી જ સંગઠનના  નેતાને ખતમ કરીને સંગઠનને નબળું પાડવાની રહી છે. ભલે તે હમાસ હોય કે હિઝબુલ્લાહ ઈઝરાયલે હંમેશા તેમની લીડરશિપને ટાર્ગેટ કરીને ખતમ કરી દીધું છે. હાનિયેહથી લઈને નસરાલ્લાહ સુધી જે પણ હમાસ કે હિઝબુલ્લાહની ગાદી પર બેઠા તેમને ખતમ કરી દીધા. પરંતુ ઈરાન અલગ છે. ઈરાન કોઈ સંગઠન નથી, પણ એક દેશ છે. ખામેનેઈની હત્યા બાદ ઈરાન ભાંગી ન પડ્યું, પરંતુ નવી રીતે ઉભરીને સામે આવ્યું.

ઈરાનની લાંબા યુદ્ધની તૈયારી

1979માં ઈરાનની ઈસ્લામિક ક્રાંતિ બાદથી જ અમેરિકા અને તેહરાન વચ્ચે તણાવ શરૂ થઈ ગયો હતો. ઈરાન ત્યારથી જ પોતાના હથિયારો અને પ્રોક્સી જૂથોને તૈયાર કરતું આવી રહ્યું છે. સમય સાથે વધતી ટેકનોલોજીએ તેને વધુ મજબૂત બનાવ્યું છે. ખામેનેઈ સતત પોતાની સેનાને મજબૂત બનાવી રહ્યા હતા. ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાની વૈજ્ઞાનિકો અને લશ્કરી કમાન્ડરોને નિશાન બનાવીને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઈરાન સતત આગળ વધતું રહ્યું. આ મામલે અસલી ખેલ ગત  વર્ષે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના 12 દિવસના યુદ્ધથી શરૂ થયો હતો. આ યુદ્ધમાં ઈરાનને સમજાઈ ગયું કે, અમેરિકાની હવાઈ શક્તિનો સામનો કરી શકાશે નહીં. તેથી પહેલાથી જ તૈયાર તેના અંડરગ્રાઉન્ડ મિસાઈલ શહેરોમાં શાહેદ ડ્રોનના પ્રોડક્શનને વધારી દેવામાં આવ્યું  અને આજે સ્થિતિ એ છે કે, આ સસ્તા ડ્રોને અમેરિકાના નાકમાં દમ લાવી દીધો છે. ઈરાન પાસે હજારોની સંખ્યામાં આ ડ્રોન છે.

ઈરાનના સુપ્રીમ લીડરની સમસ્યા

1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદ ઈરાનમાં ખોમેનેઈની સત્તા આવી. ઈરાનના સુપ્રીમ લીડરનું પદ વિશ્વભરમાં શિયા સમુદાય માટે સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત થયું. ભારતમાં લાખો શિયા મુસ્લિમો પણ ખામેનેઈને પોતાના નેતા માને છે. તેથી, જ્યારે અમેરિકાએ ખામેનેઈની હત્યા કરી ત્યારે તે માત્ર ઈરાનના સુપ્રીમ લીડરની જ હત્યા નહીં, પરંતુ વિશ્વભરના શિયા સમુદાયના લીડરની હત્યા હતી. આનો વિશ્વભરમાં વિરોધ થયો.

આ હુમલામાં ખામેનેઈના મૃત્યુ બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને સુપ્રીમ લીડર તરીકે ચૂંટવામાં આવ્યા. નિષ્ણાતોનું માનીએ તો  એક લગભગ 90 વર્ષના નેતાની તુલનામાં મોજતબા વધુ કટ્ટર નેતા સાબિત થશે. હવે ઈરાનની ગાદી પર એક એવા નેતા બેઠા છે જેમના પિતા, પત્ની, પુત્ર અથવા પુત્રી, બહેન અને બનેવી મિસાઈલ હુમલામાં માર્યા ગયા છે. શિયા સમુદાયમાં બદલો અને શહાદતની ભાવના પ્રબળ હોય છે. આવી સ્થિતિમાં ઈરાન તરફથી હવે કોઈ પણ શાંતિનો પ્રસ્તાવ સામે રાખવો સરળ નથી અને જો રાખવામાં પણ આવે તો અમેરિકા તેનો સ્વીકાર કરવાની સ્થિતિમાં નહીં હશે.

ઈઝરાયલ યુદ્ધ રોકશે કે નહીં તેના પર આશંકા

એક અહેવાલ પ્રમાણે જો ટ્રમ્પ કોઈપણ કારણોસર યુદ્ધવિરામની જાહેરાત પણ કરે છે, તો પણ તે સ્પષ્ટ નથી કે ઈઝરાયલ પણ તેમની સાથે યુદ્ધ રોકી દેશે. કારણ કે આ સ્થિતિમાં ઈરાન લાંબા યુદ્ધો લડવા માટે ટેવાયેલું છે. જ્યારે ઈઝરાયલી લડાકુ વિમાનોએ અમેરિકાને જાણ કર્યા વિના તેહરાનના તેલ માળખા પર હુમલો કર્યો, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે બંને દેશોના ઉદ્દેશ્યો થોડા અલગ છે.

આ પણ વાંચો: LIVE : ઈઝરાયલ બાદ જોર્ડન, યુએઈ, ઇરાક, કુવૈત અને બહેરીનમાં ઈરાનના હુમલાઓના સાયરન વાગ્યા, એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટો રદ કરી

રવિવારે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે મારા અને નેતન્યાહૂ વચ્ચેનો સંયુક્ત નિર્ણય હશે. નેતન્યાહૂની ઈરાન સાથેની દુશ્મની જૂની અને કડવી છે, તેથી શક્ય છે કે નેતન્યાહૂ ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાનો પ્રયાસજ ન કરે.

અમેરિકા તરફથી યુદ્ધના સ્પષ્ટ હેતુનો અભાવ

પ્રમુખ ટ્રમ્પે શરૂઆતમાં કહ્યું હતું કે, આ યુદ્ધનો ઉદ્દેશ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન અને તેના પરમાણુ હથિયારોને રોકવાનો છે. જોકે, નજીકના ભવિષ્યમાં આ અશક્ય લાગે છે. હવે ટ્રમ્પના તાજેતરના નિવેદનોને જઈએ તો તેઓ સત્તા પરિવર્તનની વાત કરતા નજર નથી આવી રહ્યા. આ મુદ્દા પર ટ્રમ્પ અને તેમની ટીમના નિવેદનો કંઈક અંશે વિરોધાભાસી નજર આવી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અમેરિકા અને તેના સાથી દેશો માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.

પરમાણુનો સવાલ

ગત વર્ષે જ્યારે ટ્રમ્પે ઈરાનના પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવા માટે પોતાના બોમ્બર વિમાનનો ઉપયોગ કર્યો હતો, ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે, હવે જ્યારે ફરીથી હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે તે સ્પષ્ટ થયું છે કે મિશન પૂર્ણ નથી થયું. પરંતુ ઈરાને તેના પરથી પાઠ શીખ્યો. તેણે ચોક્કસપણે તેના પરમાણુ કાર્યક્રમને વધુ વેગ આપ્યો છે.

શું ટ્રમ્પ સેના ઉતારવા માટે તૈયાર છે?

IAEA પ્રમાણે ઈરાન પાસે હજુ પણ લગભગ 200 કિલોગ્રામ અત્યંત સમૃદ્ધ યુરેનિયમ છે. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો આ યુરેનિયમ ભૂગર્ભમાં ઊંડા સંગ્રહિત છે. અમેરિકાનું સૌથી મોટું બોમ્બર વિમાન પણ તેનો નષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આવી સ્થિતિમાં તેને ફક્ત જમીન આધારિત યોજનાના માધ્યમછી અથવા સૈનિકોને ઉતારીને જ નષ્ટ કરી શકાય છે. કારણ કે આ ભંડારોને ખતમ કર્યા વિના વોશિંગ્ટન ક્યારેય સંપૂર્ણપણે આશ્વસ્ત ન થઈ શકે કે ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવશે. બીજી તરફ વિદેશી ભૂમિ પર અમેરિકન સૈનિકો મોકલવાની વિરુદ્ધ રહેનારા ટ્રમ્પ શું ઈરાનના પરમાણુ હથિયારોને નષ્ટ કરવા માટે સૈનિકો મોકલશે કે કેમ તે એક મોટો સવાલ છે.

ઈરાનની જનતાએ ટ્રમ્પને દગો આપ્યો?

આ હુમલાની શરૂઆત પહેલા ઈરાનમાં ખામેનેઈ વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. ટ્રમ્પ અને ઈઝરાયલને આશા હતી કે હુમલા બાદ ઈરાનની જનતા તેમની સાથે આવીને સત્તાને ઉખાડીને ફેંકી દેશે. ટ્રમ્પ અને નેતન્યાહૂ વારંવાર લોકોને ઉભા થવા અને સ્વતંત્રતા મેળવવા માટે પ્રોત્સાહિત કરતા દેખાયા. પરંતુ ઈરાનમાં કોઈ મોટું આંદોલન ઊભુ ન થયું. ઘણા વિશ્લેષકોનું માનવું છે કે, વધુ સંભવિત સ્થિતિ એ છે કે, જ્યારે બોમ્બમારો બંધ થશે ત્યારે સરકાર વધુ ગંભીર દમન કરશે.

અમેરિકાની ઘરેલુ રાજનીતિ

બીજી વાર પ્રમુખ પદ પર બેઠેલા ટ્રમ્પે પોતાના પ્રચાર દરમિયાન અમેરિકનોને અન્ય દેશોના યુદ્ધોમાં ઝોંકવાનો સખત વિરોધ કર્યો હતો. હવે જ્યારે તેઓ આવું જ કરી રહ્યા છે, ત્યારે તેમને પોતાના સમર્થકોને સંભાળી રાખવામાં મુશ્કેલી પડી શકે છે. તેમના અધિકારીઓ અમેરિકનોને ખાતરી આપી રહ્યા છે કે યુદ્ધના કારણે વધતા તેલના ભાવ કામચલાઉ છે અને લાંબા ગાળાના લાભ માટે ટૂંકા ગાળાની પીડા જરૂરી છે. પરંતુ ઈરાનના સંભવિત પરમાણુ હથિયારનો ખતરો, જે યુદ્ધ શરૂ થયું ત્યારે અસ્તિત્વમાં પણ નહોતું. તે અમેરિકન મતદારો માટે એટલો મોટો મુદ્દો નથી જેટલો ઇઝરાયલ માટે છે, જ્યાં તેને અસ્તિત્વના ખતરા તરીકે જોવામાં આવે છે. જેમ જેમ અમેરિકન સૈનિકોના મૃત્યુ અને પેટ્રોલના ભાવ અને અન્ય રોજિંદા ખર્ચમાં વધારો થવાથી શોક વધતો જાય છે, તેમ તેમ અમેરિકન જનતા ટ્રમ્પના વિજયના દાવાઓથી સહમત નહીં થશે.