Get The App

રશિયાની સામે પડ્યો મુસ્લિમ દેશ, યુદ્ધ પણ લડી લેવાના મૂડમાં, ભારતનો પણ 'દુશ્મન' ગણાય છે

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
રશિયાની સામે પડ્યો મુસ્લિમ દેશ, યુદ્ધ પણ લડી લેવાના મૂડમાં, ભારતનો પણ 'દુશ્મન' ગણાય છે 1 - image


Tensions Rising Between Russia And Azerbaijan: રશિયા અને અઝરબૈજાન વચ્ચે હાલમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ બંને દેશો એક સમયે સોવિયેત સંઘનો હિસ્સો હતા અને લાંબા સમયથી એકબીજાના નજીકના સહયોગી રહ્યા છે, પરંતુ હવે તેઓ ગંભીર રાજદ્વારી વિવાદમાં ફસાઈ ગયા છે. આ તણાવની શરુઆત કેટલીક ખાસ ઘટનાઓથી થઈ છે, જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોને ઊંડો ઘા પહોંચ્યો છે. અઝરબૈજાન વિશે અમે તમને જણાવી દઈએ કે, ભારત સાથે આ દેશના સંબંધો પણ સારા નથી. અઝરબૈજાન ખુલ્લેઆમ ભારતના દુશ્મન દેશ એટલે કે પાકિસ્તાનને સમર્થન કરે છે. ચાલો સમજીએ કે આ તણાવ કેમ અને કેવી રીતે વધ્યો, અને તેની પાછળના કારણો શું છે.

કેવી રીતે થઈ તણાવની શરુઆત? આ રહ્યા મુખ્ય કારણો

1. યેકાતેરિનબર્ગમાં અઝરબૈજાની નાગરિકોના મોત

27 જૂનના રોજ રશિયના યેકાતેરિનબર્ગ શહેરમાં રશિયન પોલીસે અઝરબૈજાની મૂળના લોકો સામે એક મોટો દરોડો પાડ્યો હતો. આ દરોડો 2000ના દાયકાની કેટલીક હત્યાઓની તપાસ માટે હતો, જેમાં અઝરબૈજાની ગુનાહિત ગેંગ સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બે અઝરબૈજાની ભાઈઓ, હુસેન અને ઝિયાદ્દીન સફારોવનું કસ્ટડીમાં મોત થઈ ગયું. અઝરબૈજાનનો દાવો છે કે, રશિયન પોલીસે બંનેને ક્રૂરતાથી માર માર્યો અને ત્રાસ આપ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. બીજી તરફ રશિયાનું કહેવું છે કે એકનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું, અને બીજા મૃત્યુની તપાસ ચાલી રહી છે. અઝરબૈજાને તેને 'ઇરાદાપૂર્વકની હત્યા' અને 'ત્રાસ' ગણાવ્યો, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ ભડકી ઉઠ્યો છે. 

2. અઝરબૈજાનની જવાબી કાર્યવાહી: રશિયન પત્રકારોની ધરપકડ

આ ઘટનાના જવાબમાં અઝરબૈજાને બાકૂમાં રશિયન સરકાર દ્વારા સંચાલિત મીડિયા આઉટલેટ 'સ્પૂતનિક અઝરબૈજાન'ની ઑફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સ્પૂતનિકના બે વરિષ્ઠ પત્રકારો ઈગોર કાર્તાવિખ અને યેવગેની બેલોસોવ સહિત 7 રશિયન નાગરિકોની ધરપકડ કરી લીધી હતી. તેમના પર છેતરપિંડી, ગેરકાયદેસર વ્યાપાર અને મની લોન્ડ્રિંગ જેવા આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત લગભગ 15 અન્ય રશિયન નાગરિકોને ડ્રગ તસ્કરી અને સાયબર અપરાધના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા. રશિયાએ આ ધરપકડને અયોગ્ય અને બદલો ગણાવી, જેના કારણે વિવાદ વધુ ઘેરાયો. 

આ સાથે જ આઠ રશિયન આઇટી નિષ્ણાતોની પણ ડ્રગ અને સાયબર ક્રાઇમના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, જેમના ચહેરા પર ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. આ તસવીરોએ રશિયામાં આક્રોશ ફેલાવ્યો હતો. રશિયાએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને અઝરબૈજાનના રાજદૂતને બોલાવ્યા હતા અને તેને 'સંબંધોને બગાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ' ગણાવ્યો હતો. જવાબમાં અઝરબૈજાને પણ રશિયન રાજદૂતને બોલાવ્યા હતા અને યેકાતેરિનબર્ગ ઘટનાઓની નિષ્પક્ષ તપાસ, દોષિતોને સજા અને પીડિતો માટે વળતરની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.

3. પ્લેન ક્રેશનો જૂનો વિવાદ

તણાવનું બીજું એક મોટું કારણ ડિસેમ્બર 2024માં થયેલ વિમાન દુર્ઘટના છે. અઝરબૈજાન એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન જેમાં 67 લોકો સવાર હતા, તે રશિયન શહેર ગ્રોઝની નજીક ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 38 લોકોના મોત થયાં. અઝરબૈજાને દાવો કર્યો છે કે રશિયન એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી આ વિમાન પર હુમલો કર્યો હતો. અઝરબૈજાની મીડિયાએ તાજેતરમાં જ કેટલાક ઑડિયો રેકોર્ડિંગ જારી કર્યા હતા, જેમાં કથિત રીતે રશિયન લશ્કરી અધિકારીઓને વિમાન પર ગોળીબાર કરવાનો આદેશ આપતા સાંભળવામાં આવ્યા હતા. રશિયાએ આ દુર્ઘટનાની જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો છે અને ઘટનાને દબાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અઝરબૈજાનના પ્રમુખ ઈલ્હામ અલીયેવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પાસેથી ઔપચારિક માફીની માંગ કરી છે, જેને રશિયાએ ઠુકરાવી દીધી છે. 

4. રશિયન સ્કૂલો પર પ્રતિબંધ અને સાંસ્કૃતિક પગલું

અઝરબૈજાને રશિયા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે વધુ પગલાં ભર્યા. અઝરબૈજાને દેશમાં રશિયન ભાષાની સ્કૂલોનેને ધીમે-ધીમે બંધ કરવાની જાહેરાત કરી. અઝરબૈજાનમાં લગભગ 340 રશિયન ભાષા સ્કૂલો છે, જેમાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત અઝરબૈજાને રશિયા સાથે સંબંધિત તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરી દીધા છે અને રશિયન સંસદ સાથે આયોજિત બેઠકો પણ સ્થગિત કરી દીધી છે. અઝરબૈજાનનું આ પગલું રશિયા માટે મોટો ઝટકો છે, કારણ કે તે દક્ષિણ કાકેશસ ક્ષેત્રમાં પોતાની સાંસ્કૃતિક અને રાજકીય પકડ જાળવી રાખવા માંગે છે.

તણાવ પાછળના ઊંડા કારણો

આ તાત્કાલિક ઘટનાઓ ઉપરાંત કેટલાક ઊંડા અને લાંબા ગાળાના કારણો પણ છે, જે આ તણાવને વધુ વધારી રહ્યા છે:

અઝરબૈજાનનો તુર્કીયે સાથે વધતો સબંધ

અઝરબૈજાન અને તુર્કીયે વચ્ચે સૈન્ય અને આર્થિક સંબંધો તાજેતરના વર્ષોમાં ખૂબ જ મજબૂત બન્યા છે. તુર્કીયેએ 2020 અને 2023માં નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં આર્મેનિયા સામે અઝરબૈજાનને સૈન્ય સમર્થન આપ્યું હતું, જેનાથી અઝરબૈજાનની સ્થિતિ મજબૂત થઈ હતી. પહેલા આ ક્ષેત્રમાં રશિયા શાંતિ સૈનિકો દ્વારા પોતાની પકડ જાળવી રાખતું હતું, હવે તેને પોતાની સ્થિતિ નબળી થતી દેખાઈ રહી છે. 2023માં રશિયન શાંતિ સૈનિકોની વાપસી બાદ રશિયાનો પ્રભાવ વધુ ઘટી ગયો. તુર્કીયેનો વધતો પ્રભાવ રશિયાને ખટકી રહ્યો છે, કારણ કે તે દક્ષિણ કાકેશસને તેના પ્રભાવ ક્ષેત્ર તરીકે જુએ છે.

રશિયા-યુક્રેન યુદ્ધની અસર

રશિયાનું ધ્યાન હાલમાં યુક્રેન યુદ્ધ પર કેન્દ્રિત છે, જેના કારણે તે દક્ષિણ કાકેશસમાં પોતાની પકડ જાળવી રાખવામાં નબળું પડી રહ્યું છે. અઝરબૈજાને આ તકનો ફાયદો ઉઠાવીને પોતાની નીતિઓને વધુ મજબૂત બનાવી છે. ઉદાહરણ તરીકે અઝરબૈજાનની સરકારી ટીવી ચેનલ AZTV એ તાજેતરમાં જ યુક્રેન યુદ્ધમાં રશિયાની નિષ્ફળતાઓને પ્રકાશિત કરતો એક કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો, જે રશિયા માટે અપમાનજનક હતો. આ ઉપરાંત અઝરબૈજાનના પ્રમુખ ઈલ્હામ અલીયેવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. ઝેલેન્સકીએ અઝરબૈજાનને રશિયાની ધાકધમકી સામે સમર્થનનું આશ્વાસન આપ્યું હતું. આ વાતચીતને રશિયામાં ઉશ્કેરણીજનક રાજદ્વારી સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

ક્ષેત્રીય કોરિડોરનો વિવાદ

અઝરબૈજાન અને તુર્કીયે ઝંગેઝુર કોરિડોરને ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે અઝરબૈજાનને તેના નખ્ચિવાન ક્ષેત્ર અને તુર્કીયે સાથે જોડશે. આ કોરિડોર આર્મેનિયામાંથી પસાર થશે, જેનો રશિયા અને ઈરાન વિરોધ કરે છે. રશિયા તેના બદલે નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરને પ્રોત્સાહન આપી રહ્યું છે, જે અઝરબૈજાન, ઈરાન અને ભારતમાંથી પસાર થાય છે. આ કોરિડોર પર બંને દેશોના હિતો ટકરાઈ રહ્યા છે, જેના કારણે તણાવ વધી રહ્યો છે.

આ પણ વાંચો: વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત, 56 ગુમ

રશિયાની આતંરિક રાજનીતિ અને પ્રવાસીઓ પર દબાણ

રશિયામાં અઝરબૈજાની પ્રવાસીઓની મોટી વસ્તી છે, અને તાજેતરના વર્ષોમાં રશિયામાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોથી આવેલા પ્રવાસીઓ સામે ભેદભાવની ફરિયાદો વધી છે. યેકાતેરિનબર્ગ દરોડાને અઝરબૈજાન દ્વારા વંશીય ભેદભાવ અને અત્યાચાર તરીકે જોવામાં આવ્યો હતો. બીજી તરફ રશિયાનું કહેવું છે કે, દરોડા ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે હતા. આ પ્રકારની ઘટનાઓ બંને દેશો વચ્ચે અવિશ્વાસને વધુ ગાઢ બનાવી રહી છે.

અગાઉ સબંધો સારા હતા

1993માં અલીયેવના પિતા હૈદર અલીયેવ સત્તામાં આવ્યા ત્યારથી રશિયા અને અઝરબૈજાન વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક અને વેપાર સંબંધો મજબૂત રહ્યા છે. રશિયા અઝરબૈજાની ફળો અને શાકભાજીનું મોટું બજાર છે અને અઝરબૈજાની વેપારીઓ રશિયાના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં પ્રભાવ રાખે છે. લગભગ 20 લાખ અઝરબૈજાની પ્રવાસીઓ રશિયામાં રહે છે.

પંરતુ 2020માં અઝરબૈજાન દ્વારા તુર્કીયેના સમર્થનથી નાગોર્નો-કરાબાખ પર ફરીથી નિયંત્રણ હાંસલ કર્યા બાદથી ક્ષેત્રીય સમીકરણ બદલાઈ ગયા. 2023માં અઝરબૈજાને એક અભિયાન હેઠળ કરાબાખ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું અને રશિયા જે યુક્રેન યુદ્ધમાં ફસાયેલું છે તે હસ્તક્ષેપ ન કરી શક્યું. 

અઝરબૈજાન ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું સમર્થન કરે છે

મુસ્લિમ દેશ અઝરબૈજાને ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. તેનું કારણ આર્મેનિયા સાથે ભારતના સંબંધો પણ છે. ભારત અને આર્મેનિયા વચ્ચે ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધો છે, જે ખાસ કરીને રશિયા-અઝરબૈજાન તણાવના સંદર્ભમાં સંબંધિત છે, કારણ કે, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખ વિવાદના કારણે તણાવપૂર્ણ સંબંધો છે. ભારતે આર્મેનિયા સાથે પોતાના સંબંધો તાજેતરના વર્ષોમાં મજબૂત કર્યા છે, ખાસ કરીને સંરક્ષણ અને વેપારના ક્ષેત્રમાં. ભારતે આર્મેનિયાને સ્વદેશી હથિયાર પ્રણાલીઓ પૂરી પાડી છે, જેમ કે આકાશ મિસાઈલ સિસ્ટમ અને પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર, જેનાથી આર્મેનિયાની સૈન્ય ક્ષમતા વધી છે. 

અઝરબૈજાને ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનું ખુલીને સમર્થન કર્યું હતું, જેમાં ભારતે પહલગામમાં 26 નાગરિકોની હત્યાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. અઝરબૈજાનના આ વલણના કારણે ભારતમાં #BoycottAzerbaijan અને #BoycottTurkey જેવા કેમ્પેઈન ટ્રેન્ડ થવા લાગ્યા, જેના પરિણામે પર્યટનમાં 60% ઘટાડો થયો અને 250% કેન્સિલેશન રેટ જોવા મળ્યો. ઘણા ભારતીયોએ અઝરબૈજાનને બદલે આર્મેનિયા અને ગ્રીસ જેવા દેશોને પર્યટન સ્થળો તરીકે પસંદ કરવાની સલાહ આપી, કારણ કે આર્મેનિયાએ ભારત પ્રત્યે મિત્રતા દેખાડી છે.

આગળ શું થઈ શકે છે?

હાલમાં રશિયા-અઝરબૈજાન વચ્ચે રાજદ્વારી વાતચીત ખૂબ જ તણાવપૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે તુર્કીયે અને યુક્રેન સાથે અઝરબૈજાનની વધતી જતી નિકટતા અને દક્ષિણ કાકેશસમાં રશિયાની ઘટતી પકડ આ તણાવને વધુ વધારી શકે છે. હવે જોવાનું એ રહે છે કે પુતિન અને અલીયેવ વચ્ચે સીધી વાતચીત આ સંકટનો ઉકેલ લાવી શકશે કે પછી સંઘર્ષ વધુ ગાઢ બનશે.

Tags :