ભારત બાદ યુરોપિયન પોસ્ટલ સેવાઓએ પણ અમેરિકામાં શિપિંગ પર લગાવી રોક, ટેરિફના કારણે નિર્ણય
European postal services banned US : ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી છે. જ્યારે હવે ભારત બાદ યુરોપની અનેક પોસ્ટલ સેવાઓએ આજે શનિવારે (23 ઓગસ્ટ) અમેરિકાને પાર્સલ મોકલવાનું અસ્થાયી રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા તરફથી લાગુ કરવામાં આવી રહેલા ટેરિફને લઈને યુરોપના પોસ્ટ વિભાગે આ પ્રકારનો નિર્ણય લીધો છે.
જર્મની, ડેનમાર્ક, સ્વીડન અને ઈટલીની પોસ્ટલ સેવાએ જણાવ્યું કે, 'તેઓ તાત્કાલિક અમેરિકાને મોટાભાગે વ્યાપારિક સામાન મોકલવાનું બંધ કરી રહ્યા છે. જેમાં ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા સોમવારથી અને બ્રિટેન મંગળવારથી આ પગલું ભરશે.'
15 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય
ગત મહિને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જે હેઠળ હવે વિદેશી માલ પર ટેરિફ લાદવામાં આવશે જે અગાઉ 800 ડોલરથી ઓછી કિંમત પર ડ્યુટી ફ્રી હતા. જોકે, આ નિયમ પત્રો, પુસ્તકો, ભેટો અને 100 ડોલરથી ઓછી કિંમતના નાના પાર્સલ પર લાગુ થશે નહીં. ગયા મહિને યુએસ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના વેપાર કરારમાં યુરોપિયન યુનિયનમાંથી આવતા મોટાભાગના ઉત્પાદનો પર 15 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અનેક યુરોપિયન ટપાલ સેવાઓનું કહેવું છે કે, 'અમારા દ્વારા મોકલવામાં આવતો સામાન આગામી 29 ઓગસ્ટ પહેલા અમેરિકા પહોંચશે કે નહીં. એટલા માટે ડિલિવરી રોકી રહ્યા છીએ. જ્યારે એ પણ સ્પષ્ટ નથી કે, કઈ વસ્તુ પર ટેરિફ લાગુ થશે અને નવી પ્રક્રિયાને સમજવામાં અને લાગુ કરવા સમય પણ નહી મળે.'
આ પણ વાંચો: અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય
ડોઇશ પોસ્ટ અને ડીએચએલ પાર્સલ જર્મનીએ જણાવ્યું હતું કે, તેઓ હવે અમેરિકા માટે વ્યવસાયિક ગ્રાહકોના સામાન વાળા પાર્સલનો સ્વીકાર નહીં કરે અને તેને મોકલશે નહીં. નોર્ડિક લોજિસ્ટિક્સ કંપની પોસ્ટનોર્ડ અને ઈટલીની પોસ્ટલ સેવાએ પણ આજે શનિવારથી આ પ્રકારની પ્રતિબંધોની જાહેરાત કરી હતી.