પુતિન-ટ્રમ્પની મુલાકાત પહેલા જ વિવાદ! યુરોપ પણ ખુલીને યુક્રેનના સમર્થનમાં આવ્યું
Donald Trump And Putin Summit: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે આ શુક્રવારે અલાસ્કામાં યોજાનારી સમિટ પર સમગ્ર દુનિયાની નજર છે. યુરોપના નેતાઓએ યુક્રેનના પક્ષમાં મોરચો શરુ કર્યો છે. જેથી ટ્રમ્પની રશિયા-યુક્રેન યુદ્ધવિરામની રણનીતિમાં અવરોધો નડી શકે છે. આ સમિટમાં યુક્રેનની ગેરહાજરીનો વાંધો ઉઠાવતાં યુરોપના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, યુક્રેનના લોકોને પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે આઝાદી જોઈએ.
યુરોપના નેતાઓએ કહ્યું કે, સાર્થક વાતચીત માત્ર યુદ્ધ વિરામ કે શત્રુતામાં ઘટાડો કરવા સંબંધિત હોઈ શકે છે. અમારો વિશ્વાસ છે કે, યુક્રેન અને યુરોપના મહત્ત્વપૂર્ણ સુરક્ષા હિતોનું રક્ષણ એ એકમાત્ર રાજકીય સમાધાન છે. હંગેરી સિવાય તમામ યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ યુક્રેનના સમર્થનમાં સંયુક્ત નિવેદન આપ્યું હતું.
જમીનની અદલા-બદલી પર કરાર થવાની ભીતિ
ગઈકાલે સોમવારે ટ્રમ્પે જણાવ્યું હતું કે, તે રશિયા સાથે બેઠકમાં જમીનની અદલા-બદલી પર ચર્ચા કરશે. ટ્રમ્પના આ નિવેદનથી યુક્રેન અને યુરોપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેમને ભય છે કે, આ વાતચીતમાં પુતિન યુરોપ-યુક્રેનની ગેરહાજરીમાં પોતાના માટે રાહતો મેળવતા શાંતિ કરારની રૂપરેખા નક્કી કરી શકે છે. રશિયા યુક્રેનનો મોટાભાગનો જમીની વિસ્તાર મેળવવા માગે છે. ઉલ્લેખનીય છે, રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ કરાર મુદ્દે યોજાનારી આ બેઠકમાં માત્ર ટ્રમ્પ અને પુતિન જ હાજર રહેવાના છે. યુક્રેનના પ્રમુખની હાજરી અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી.
આ પણ વાંચોઃ 'બે જ મિનિટમાં હું સમજી જઈશ કે ડીલ થશે કે નહીં?', પુતિન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પની બડાઈ
યુરોપનું એકતા પ્રદર્શન
ટ્રમ્પ-પુતિન સમિટ પહેલાં યુક્રેનના સમર્થનમાં યુરોપિયન દેશોએ એકતાનું પ્રદર્શન કર્યું હતું. એકમાત્ર હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓરબાને ઈયુના નિવેદનનું સમર્થન કર્યું નથી. ઓરબાન યુરોપમાં પુતિનના સૌથી અંગત મિત્ર ગણાય છે. જ્યારે ઈયુના 27 દેશોએ યુક્રેનને સમર્થન આપતાં સંયુક્ત નિવેદન આપ્યું હતું કે, શાંતિનો માર્ગ માત્ર યુક્રેનની ભૂમિકા સાથે જ સંભવિત છે. જે આંતરરાષ્ટ્રીય સરહદોના બળના આધારે શક્ય નથી. યુક્રેનની ગેરહાજરી કોઈપણ કરારને ફગાવી શકે છે. યુક્રેન પોતે પોતાનું ભવિષ્ય નિર્ધારિત કરશે.
યુક્રેનના ચાર ક્ષેત્રો પર રશિયાનો કબજો
રશિયાએ યુદ્ધ દરમિયાન યુક્રેનના ચાર ક્ષેત્રો પર કબજો મેળવી લીધો છે. જેમાં બે ક્ષેત્ર પૂર્વ હિસ્સામાં અને બે દક્ષિણ હિસ્સામાં છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સ્પષ્ટપણે કહી દીધું છે કે, યુદ્ધવિરામ ત્યારે જ થશે, જ્યારે રશિયા યુક્રેનની જમીન છોડશે. ટ્રમ્પે ઝેલેન્સ્કીના આ નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ઝેલેન્સ્કીના સમયમાં યુદ્ધ શરુ થયું અને તેઓ તેને અટકાવવા માટે કંઈ કરી શક્યા નહીં.