'કપરો સમય નજીક, 3 દિવસનું ભોજન-પાણી તૈયાર રાખજો...', ઈયુની એડવાઈઝરીથી નાગરિકો ચિંતિત
European Union: યુરોપિયન યુનિયન (European Union)એ નાગરિકોને સતર્ક રહેવા ચેતવણી આપી છે. આ ઉપરાંત કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે ત્રણ દિવસના ફૂડ અને પાણીની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને યુરોપિયન યુનિયને આ માર્ગદર્શિકા જાહેર કરી છે. EU કહે છે કે કટોકટીની પરિસ્થિતિ ટાળવા માટે, ઓછામાં ઓછા 72 કલાક માટે જીવનની આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા કરો.
યુરોપ લશ્કરી આક્રમણથી બચાવવા માટે તૈયાર
અહેવાલો અનુસાર, યુરોપિયન યુનિયને તેના 27 સભ્ય દેશોના નાગરિકોને 3 દિવસની સર્વાઇવલ કીટ તૈયાર કરવા અપીલ કરી છે. 25મી માર્ચે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે, 'યુરોપે લશ્કરી આક્રમણથી પોતાને બચાવવા માટે તમામ તૈયારીઓ કરવી જોઈએ. સુરક્ષા વ્યવસ્થા કર્યા વિના શાંતિ જાળવવી એ એક ભ્રમ છે. જો રશિયા યુક્રેનની સરહદને માત્ર એક રેખા માને છે, તો પછી તે અન્ય કોઈ દેશની સરહદનું સન્માન કેમ કરશે?' નોંધનીય છે કે, આ સર્વાઇવલ કીટમાં ઓળખ દસ્તાવેજો, પાણી, એનર્જી બાર અને ફ્લેશલાઇટ જેવી વસ્તુઓ શામેલ હોવાનું કહેવાય છે.
રશિયા સાથે યુદ્ધવિરામ માટે યુક્રેન પર દબાણ વચ્ચે યુક્રેન અને તેની સેનાને મજબૂત બનાવવા પર એક શિખર સંમેલન પૂર્ણ કર્યા પછી ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે (27મી માર્ચ) જણાવ્યું હતું કે, 'યુક્રેનમાં શાંતિ કરાર માટે સૈન્ય તહેનાત કરવાના પ્રસ્તાવ પર બધા યુરોપિયન સાથી દેશો સહમત નથી અને ફક્ત થોડા જ લોકો તેમાં ભાગ લેવા માંગે છે. આ માટે આપણને સર્વસંમતિની જરૂર નથી.'
ઉલ્લેખનીય છે કે, 30 દેશોના નેતાઓ અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) અને યુરોપિયન યુનિયનના વડાઓ દ્વારા આયોજિત આ સમિટ ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધના એક નિર્ણાયક તબક્કે આવી રહી છે, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લડાઈ સમાપ્ત કરવાના દબાણ વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવાના રાજદ્વારી પ્રયાસો તીવ્ર બન્યા છે.