Get The App

H-1B વિઝા પર ટ્રમ્પનું બેવડું વલણ: 'નોકરીઓ અમેરિકનોને જ, પણ કુશળ વિદેશીઓની જરૂર'

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
trump on H-1B visa
(IMAGE - IANS)

H-1B Visa: H-1B વિઝા ફીને લઈને ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૅરોલિન લેવિટે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. લેવિટે જણાવ્યું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવાની સાથે સ્થાનિક નોકરીઓની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ છે. આ નિવેદન, H-1B વિઝાની વધતી જતી ચકાસણી અને વિદેશી શ્રમિકોના કારણે મુખ્ય ઉદ્યોગોમાં અમેરિકન નોકરીઓ છીનવાઈ જવાની શક્યતાઓ અંગેની ચિંતાઓ વચ્ચે આવ્યું છે.

ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ: અમેરિકન લોકોને જ પ્રાથમિકતા

લેવિટે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી કંપનીઓને અમેરિકામાં સીધું રોકાણ કરવા માટે આદેશ આપ્યો છે. ટ્રમ્પે આ વિદેશી કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, 'જો તમે અહીં રોકાણ કરો છો અને વ્યવસાય કરવા માંગો છો, તો નોકરીઓ તમારે અમેરિકન લોકોને જ આપવી પડશે.'

વિદેશીઓને બદલે અમેરિકન શ્રમિકોને પ્રાધાન્ય

મીડિયા સાથેની વાતચીતમાં કૅરોલિન લેવિટે ભારપૂર્વક કહ્યું કે, 'ટ્રમ્પ અમેરિકન કર્મચારીઓની જગ્યાએ વિદેશીઓને રાખવાના પક્ષમાં નથી. તેમની ઇચ્છા છે કે અમેરિકન મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ પહેલાં કરતાં વધુ સારો વિકાસ કરે. તેમણે સમજાવ્યું કે આ નીતિ એ જ વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે, જેના દ્વારા પ્રમુખ અસરકારક રીતે ટેરિફનો ઉપયોગ કરીને અને વૈશ્વિક સ્તરે સારા વેપાર સોદાઓ કરીને કામ કરી રહ્યા છે.'

વિદેશી રોકાણ થકી કારખાના ઝડપથી શરુ કરવાની ઇચ્છા

H-1B વિઝા સંબંધિત ચિંતાઓ પર બોલતા કૅરોલિન લેવિટે કહ્યું કે, 'H-1B વિઝાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનો અભિપ્રાય 'સૂક્ષ્મ અને વ્યવહારુ' છે. તેમણે સમજાવ્યું કે જો વિદેશી કંપનીઓ અમેરિકામાં કરોડોનું રોકાણ કરીને બેટરી જેવા ઉત્પાદનો માટે વિદેશી કામદારોને લાવી રહી છે, તો ટ્રમ્પની ઇચ્છા છે કે તે કારખાનાઓ ઝડપથી ચાલુ થાય. જોકે, તેમણે સ્પષ્ટપણે ભાર મૂક્યો કે ટ્રમ્પ આ નોકરીઓમાં આખરે અમેરિકન લોકોને જ પ્રાથમિકતા આપવા માંગે છે.'

આ પણ વાંચો: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઈક! 9 બાળકો સહિત 10ના મોત

H-1B યોજનાનો ટ્રમ્પ દ્વારા બચાવ

આ સાથે, ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં H-1B વિઝા યોજનાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેમને તેમના રૂઢિચુસ્ત મિત્રો અને મેક અમેરિકા ગ્રેટ અમેરિકા(MAGA) સમર્થકો પ્રત્યે પ્રેમ છે. તેમ છતાં, તેમણે સ્વીકાર્યું હતું કે અમેરિકાને વિદેશી કુશળ કામદારોની જરૂર છે.

અદ્યતન ટૅક્નોલૉજી માટે તાલીમબદ્ધ કર્મચારીઓ અનિવાર્ય

20 નવેમ્બરના રોજ યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ટ્રમ્પે તેમના સમર્થકો તરફથી થઈ રહેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો. તેમણે તર્ક આપ્યો હતો કે જે કંપનીઓ અદ્યતન ટૅક્નોલૉજીમાં મોટું રોકાણ કરી રહી છે, તે ફક્ત એક કમ્પ્યુટર ચિપ ફેક્ટરી ખોલીને તરત જ બેરોજગારોની લાઇનમાંથી લોકોને નોકરીઓ આપી શકતી નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિદેશી નિષ્ણાતોને પરત જતાં પહેલાં અમેરિકન કર્મચારીઓને તાલીમ આપવાની જરૂર છે.

H-1B વિઝા પર ટ્રમ્પનું બેવડું વલણ: 'નોકરીઓ અમેરિકનોને જ, પણ કુશળ વિદેશીઓની જરૂર' 2 - image

Tags :