Fire On BNP Leader's House In Bangladesh : બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ હિંસા ભડકી છે. તાજેતરમાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટી (BNP)ના નેતાના ઘર પર આગ ચાંપી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આગની ઘટનામાં નેતાની સાત વર્ષની બાળકી જીવતી ભડથું થઈ છે. આ દુ:ખદ ઘટના દેશમાં કથળતી કાયદો-વ્યવસ્થા અને વધતી જતી રાજકીય હિંસાનું ભયાનક ચિત્ર રજૂ કરે છે.
BNP નેતાના ઘર પર હુમલો, આગ ચાંપી
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના લક્ષ્મીપુર જિલ્લામાં બની હતી, જ્યાં શનિવારે (20 ડિસેમ્બર) વહેલી સવારે બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા બિલાલ હુસૈનના ઘરને બહારથી બંધ કરીને આગ લગાવી દેવામાં આવી હતી. બિલાલ હુસૈન ભવાનીગંજ યુનિયન BNPના સહાયક સંગઠન સચિવ છે. ઘટના સમયે તેઓ તેમની ત્રણ પુત્રીઓ સાથે તેમના ઘરે હાજર હતા.
આગમાં બિલાલ હુસેનની સૌથી નાની પુત્રી આયેશા અખ્તર (ઉં.વ.7)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની બે અન્ય પુત્રીઓ, સલમા અખ્તર (ઉં.વ.16) અને સામિયા અખ્તર (ઉં.વ.14) ગંભીર રીતે દાઝી ગઈ હતી. બિલાલ હુસેન પણ આગમાં ગંભીર રીતે ઈજાગ્રત થયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલાલ હુસૈનની લક્ષ્મીપુર સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે તેમની બે ઈજાગ્રસ્ત પુત્રીઓને વધુ સારવાર માટે ઢાકા મોકલવામાં આવી છે.
મીડિયા હાઉસ અને શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાન પર પણ હુમલો
આ ઘટના શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી સતત ત્રીજા દિવસે હિંસા દરમિયાન બની હતી. ગુરુવારે રાત્રે સિંગાપોરમાં હાદીના મૃત્યુની પુષ્ટિ થઈ હતી, જેના કારણે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં તોડફોડ અને આગચાંપવાની ઘટનાઓ સામે આવી રહી છે. પ્રદર્શનકારીઓએ મીડિયા આઉટલેટ્સ ધ ડેઇલી સ્ટાર અને પ્રથમ આલોની ઇમારતોને પણ નિશાન બનાવી હતી. બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક નિવાસસ્થાન ધાનમોન્ડી 32 પર પણ ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો.
હાદીના મૃત્યુ પછી બાંગ્લાદેશમાં ત્રીજા દિવસે હિંસા
બાંગ્લાદેશમાં હિંસાની અસર ભારત વિરોધી પ્રદર્શનો સુધી ફેલાઈ ગઈ છે. રાજશાહી અને ચિત્તાગોંગ ભારતીય મિશનની બહાર દેખાવો થયાના અહેવાલ છે. એક સાંપ્રદાયિક ઘટનામાં ટોળા દ્વારા એક હિન્દુ વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે.
આ દરમિયાન બાંગ્લાદેશ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે શરીફ ઉસ્માન હાદીના મોત પર એક દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી અને દેશભરમાં વિશેષ પ્રાર્થનાઓ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાદીના અંતિમ સંસ્કાર શનિવારે ઢાકા યુનિવર્સિટી પરિસરમાં ભારે સુરક્ષા વચ્ચે કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રનું કહેવું છે કે, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, પરંતુ સ્થિતિ વધુ તણાવપૂર્ણ થઈ રહી છે.


