Erfan Soltani: ઈરાનમાં મોંઘવારી અને સરમુખત્યારશાહી સામે ફાટી નીકળેલા જનાક્રોશને ડામવા માટે ખામેનેઇ શાસને હવે આક્રમક પોલીસ અને લશ્કરી કાર્યવાહીનો સહારો લીધો છે. તાજા અહેવાલો મુજબ, માત્ર 26 વર્ષના યુવાન ઈરફાન સુલતાનીને આજે બુધવારે ફાંસી અપાઈ શકે છે. ઈરફાન પર 'ઈશ્વર સામે જંગ'(Waging war against God) છેડવાનો આરોપ મૂકાયો છે.
'ઈશ્વર સામે જંગ' બદલ ધરપકડના 6 જ દિવસમાં ફાંસીનો નિર્ણય
ઈરફાન સુલતાનીની ધરપકડ 8 જાન્યુઆરી, 2026ના રોજ તેહરાન પાસે આવેલા કરજ શહેરમાંથી કરાઈ હતી. આશ્ચર્યજનક અને માનવાધિકાર સંગઠનોને ચોંકાવનારી બાબત એ છે કે, ધરપકડના માત્ર ચાર-પાંચ દિવસમાં જ તેને મૃત્યુદંડની સજા સંભળાવી દેવામાં આવી છે. ઈરફાનના પરિવારના જણાવ્યાનુસાર, ઈરફાન સુલતાનીને કોઈ કાયદાકીય મદદ કે વકીલ રાખવાની પણ તક અપાઈ નથી.
ફાંસી પહેલા પરિવાર સાથે માત્ર 10 મિનિટનો સમય
ઈરફાનના પરિવારને 12 જાન્યુઆરીએ જાણ કરી દેવાઈ હતી કે, ઈરફાનના મૃત્યુદંડની સજાનો નિર્ણય અંતિમ છે. તેને 14 જાન્યુઆરીએ ફાંસી આપી દેવાશે. એ પહેલા ઈરફાનના મોત પહેલા તેને પરિવાર સાથે વાત કરવા 10 મિનિટનો સમય અપાશે. એટલું જ નહીં, ઈરફાનની બહેન ઈરાનની સત્તાવાર વકીલ છે. આમ છતાં, ઈરફાનના કેસની ફાઈલ જોવા કે ભાઈનો પક્ષ રજૂ કરવા દેવાની મંજૂરી અપાઈ નથી.
ટ્રમ્પે ફાંસી સામે આક્રમક હોવા છતાં ઈરાન મક્કમ
ઈરાનની આ કાર્યવાહી સામે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ બતાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનના નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું છે કે, 'હિંમત રાખજો, મદદ આવી રહી છે.' તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ઈરાન આ રીતે આંદોલનકારીઓને ફાંસી આપવાનું શરૂ કરશે, તો અમેરિકા તેના વિરુદ્ધ અત્યંત કડક પગલાં લેશે. જો કે, ઈરાને અમેરિકાની આ ચેતવણીને ગંભીરતાથી લીધી નથી. આ સંજોગોમાં બંને દેશોનો તણાવ ચરમસીમાએ પહોંચી શકે છે.
આ પણ વાંચો: હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026: ભારત 80માં ક્રમે પહોંચ્યું, સિંગાપોર સતત ત્રીજા વર્ષે ટોચે
ઈરાનમાં 2500થી વધુ લોકોના મોતની આશંકા
માનવાધિકાર સંગઠનોના અહેવાલ મુજબ, વર્ષ 2026માં થઈ રહેલા ઈરાનના વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી અંદાજે 2,571 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 18,000 લોકોની અટકાયત કરાઈ છે. સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે, જેથી દુનિયાને ઈરાનની અંદર થઈ રહેલી આ હિંસાની સાચી માહિતી ન મળી શકે.
નોંધનીય છે કે, ઈરફાન સુલતાનીનો કેસ ઈરાન સરકાર સામેના વિરોધ પ્રદર્શનોમાં ફાંસીની સજાનો પહેલો કેસ બની શકે છે. ત્યાર પછી પણ ઈરાન ધરપકડ કરાયેલા અન્ય નાગરિકો સામે પણ આવી જ કાર્યવાહી કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.


