તુર્કીયેમાં સરકાર વિરુદ્ધ ઠેર ઠેર ઉગ્ર વિરોધ, સમગ્ર દેશમાં ઈન્ટરનેટ બંધ; ભીડને કાબૂમાં લેવા ચિલી સ્પ્રેનો પ્રયોગ
Opposition in Turkey: તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન પર મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. એવા આરોપો છે કે રેસેપ તૈયપ એર્દોગન અને તેમની સરકાર દેશના મુખ્ય વિપક્ષી પક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (CHP)ને નબળા પાડવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરી રહી છે. આ બધાના મૂળમાં કોર્ટનો નિર્ણય છે, જેના કારણે ઈસ્તંબુલમાં મોટા પાયે વિરોધ શરૂ થયા છે. હવે પરિસ્થિતિ કાબુ બહાર થઈ રહી છે અને લગભગ સમગ્ર દેશમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, તુર્કીયેમાં હોબાળો ત્યારે શરૂ થયો જ્યારે ઈસ્તંબુલની એક કોર્ટે ગત અઠવાડિયે શહેરમાં CHPની 2023ની જીતને રદ કરી દીધી. આ નિર્ણયમાં પાર્ટીની આંતરિક ચૂંટણીઓ દરમિયાન થયેલી અનિયમિતતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રતિનિધિઓની પસંદગીને પ્રભાવિત કરવા માટે પૈસા લેવાના આરોપોનો પણ સમાવેશ થાય છે. કોર્ટનો નિર્ણય મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઈસ્તંબુલ તુર્કીયેનું સૌથી મોટું શહેર અને CHPનો ગઢ પણ છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીનો વિજય રેસેપ તૈયપ એર્દોગનની પાર્ટી માટે ઝટકો હતો.
‘વિરોધને ખતમ કરવાનો પ્રયાસ’
CHPના અધ્યક્ષ ઓઝગુર ઓઝસેલે કોર્ટના નિર્ણય પર કડક પ્રતિક્રિયા આપી, આ પગલાને ન્યાયિક માધ્યમથી વિપક્ષને ખતમ કરવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે કહ્યું, 'છેલ્લી ચૂંટણી જીતનાર પક્ષ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ટર્કિશ રિપબ્લિકનો સ્થાપક પક્ષ છે અને દરેક ચૂંટણીમાં આગળ રહ્યો છે. અમે એક સરમુખત્યારશાહી સરકારનો સામનો કરી રહ્યા છીએ અને તેનો વિરોધ કરવાનો એકમાત્ર વિકલ્પ છે.'
તુર્કીયેમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ
ત્યારબાદ CHP એ રાષ્ટ્રવ્યાપી જન આંદોલનનું આહ્વાન કર્યું છે. પાર્ટીએ લોકોને પાર્ટીના ઈસ્તંબુલ મુખ્યાલય પર વિરોધ કરવા માટે ભેગા થવાની અપીલ કરી હતી, ત્યારબાદ રવિવાર (સાતમી સપ્ટેમ્બર) સાંજ સુધીમાં પોલીસે ઈમારતની આસપાસ બેરિકેડ ઊભા કરી દીધા હતા અને મોટી સંખ્યામાં અધિકારીઓને તહેનાત કર્યા હતા. સોમવારે (આઠમી સપ્ટેમ્બર) માટી સંખ્યામાં વિપક્ષી સમર્થકો પાર્ટી મુખ્યાલય નજીક પહોંચ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેના પછી વિરોધ તંગ બન્યો હતો. ઘણી જગ્યાએ અથડામણ થઈ છે અને અધિકારીઓએ ભીડને વિખેરવા માટે ચિલી સ્પ્રેનો ઉપયોગ કર્યો છે. વિરોધ પ્રદર્શનો વધતાં સમગ્ર તુર્કીયેમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ છે.
શું સરકાર સત્તાપલટો કરી રહી છે?
તુર્કીયેના સરકાર કહે છે કે તુર્કીયેનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને રાજકીય હસ્તક્ષેપના આરોપોને પણ નકારી કાઢ્યા છે. જોકે, CHPએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. વિપક્ષી નેતાઓ માને છે કે રેસેપ તૈયપ એર્દોગનનો વાસ્તવિક હેતુ સ્વતંત્ર રાજકીય સંસ્થાઓને નાબૂદ કરીને અને રશિયાના સંચાલિત લોકશાહી જેવી વ્યવસ્થા બનાવીને સત્તાને એકીકૃત કરવાનો છે, જ્યાં વિપક્ષી પક્ષો અસ્તિત્વમાં છે પરંતુ વાસ્તવમાં તેમની પાસે કોઈ સત્તા નથી. લોકો તેને કાયદેસર સત્તાપલટો પણ કહી રહ્યા છે.