- વિદ્યાર્થીઓ માટેની વિઝાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની ઈંગ્લેન્ડની સરકારની જાહેરાત
લંડન, તા. 1 જુલાઈ 2020, બુધવાર
ઈંગ્લેન્ડે પીએચડી કરી રહેલા વિદેશી ખેલાડીઓના પોસ્ટ સ્ટડી વિઝાની સમયમર્યાદા લંબાવતા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. ઈંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોનો એક મોટો વર્ગ છે. ઈંગ્લેન્ડે આ ઉપરાંત તેની વિઝાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે.
સંશોધન અને વિકાસના વિસ્તૃત ભાવિ આયોજનની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડની સરકારે આંતરરાષ્ટ્રીય સ્નાતકો ઈંગ્લેન્ડમાં કૌશલ્યસભર નોકરી સલામત કરી શકે અને તેના થકી ઈંગ્લેન્ડના આર્થિક વિકાસમાં મદદરૂપ બની શકે તે માટે વિઝાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની સરકારના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમારા નવા નિયમ અનુસાર વર્ષ ૨૦૨૧માં પોતાનું પી.એચ.ડી. પુરૂ કરનારા વિદેશી વિદ્યાર્થીઓે તેમનો અભ્યાસ પૂરો થયા બાદ ત્રણ વર્ષ ઈંગ્લેન્ડમાં રહી શકશે અને કામ કરી શકશે.
અગાઉની જાહેરાત અનુસાર અહીં અંડર ગ્રેજ્યુએશન તેમજ માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ પૂરો કરનારા વિદ્યાર્થીઓ પણ બે વર્ષ માટે રહી શકશે.આ બધા ઉપરાંત ઈંગ્લેન્ડની નવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમમાં હવે જ્યારે વિદ્યાર્થીઓ માટેના રૂટ ખોલવામાં આવશે ત્યારે પણ ઘણા બધા સુધારા કરવામાં આવશે જેથી આખી પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકાય.


