Get The App

એપસ્ટીન ફાઈલ્સના 8500 દસ્તાવેજોમાં ઈલોન મસ્ક, પીટરનું નામ ખુલ્યું, USના રાજકારણમાં હડકંપ

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
Jeffrey Epstein Files


Elon Musk Named In New Epstein Files: અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અમેરિકન હાઉસ ઓવરસાઇટ કમિટીને સોંપવામાં આવેલા 8544 દસ્તાવેજોમાં ટેસ્લા અને સ્પેસએક્સના વડા ઈલોન મસ્ક, અબજોપતિ ટેક ઇન્વેસ્ટર પીટર થિલ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યૂહરચનાકાર રહેલા સ્ટીવ બેનન જેવા દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે 2007ના વિવાદાસ્પદ 'પ્લી ડીલ' (ગુનો કબૂલીને સજા ઓછી કરાવવાની સમજૂતી) પછી પણ એપસ્ટીનના સંબંધો વિશ્વના સૌથી પ્રભાવશાળી અને ધનાઢ્ય લોકો સાથે જળવાઈ રહ્યા હતા.

જેફ્રી એપસ્ટીન કોણ હતો?

જેફ્રી એપસ્ટીન અમેરિકાનો એક ધનવાન અને હાઇ-પ્રોફાઇલ સોશલાઇટ હતો, જે કાળા કારનામા માટે કુખ્યાત છે. તેની પાસે ન્યૂયોર્કથી ફ્લોરિડા સુધીની કરોડોની સંપત્તિઓ, પ્રાઇવેટ જેટ અને આલિશ રિસોર્ટ્સ હતા.

1990 અને 2000ના દાયકામાં તેના સંબંધો બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રિન્સ એન્ડ્રુ અને બિલ ગેટ્સ જેવી રાજકીય અને મનોરંજન જગતની મોટી હસ્તીઓ સાથે હતા. 2002માં ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખૂબ સારો માણસ ગણાવ્યો હતો.

જોકે, 2007માં તે સગીર છોકરીઓના યૌન શોષણના મોટા કાંડમાં ફસાયો. વિવાદાસ્પદ 'પ્લી ડીલ'ને કારણે તેને માત્ર 13 મહિના જેલમાં રહેવું પડ્યું અને તેનું નામ યૌન અપરાધી તરીકે નોંધાયું. 2019માં સગીરોની યૌન ટ્રાફિકિંગના આરોપોમાં તેની ફરી ધરપકડ થઈ, પરંતુ કેસ શરૂ થાય તે પહેલાં જ તેણે જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.

દસ્તાવેજોની ત્રીજી બેચમાં શું મળ્યું?

હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટિક સભ્યોએ જે ત્રીજી બેચ જાહેર કરી છે, તેમાં એપસ્ટીનની દૈનિક ડાયરી, ફ્લાઇટ લોગ્સ, ફોન મેસેજ રેકોર્ડ્સ અને નાણાકીય દસ્તાવેજો સામેલ છે. આ વખતે કુલ 8544 દસ્તાવેજો જાહેર થયા છે.

જેફ્રી એપસ્ટીન ફાઈલ્સમાં ઈલોન મસ્કનું નામ ખુલ્યું 

દસ્તાવેજોમાં 6 ડિસેમ્બર 2014ની તારીખનો એક કાર્યક્રમ (ઇટિનરરી) મળ્યો છે. તેમાં ઈલોન મસ્કની એપસ્ટીન આઇલેન્ડની મુલાકાતનો ઉલ્લેખ છે. નોંધમાં હાથથી લખ્યું છે: 'Is this still happening? (શું આ હજુ પણ થઈ રહ્યું છે?).' જોકે મસ્ક ખરેખર ત્યાં ગયા હતા કે નહીં તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ દસ્તાવેજ જણાવે છે કે તેઓ ક્યારેક એપસ્ટીનના સંપર્કમાં જરૂર રહ્યા હતા.

ટ્રમ્પના વ્યૂહરચનાકાર અને પ્રિન્સ એન્ડ્રુનું કનેક્શન

ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય વ્યૂહરચનાકાર સ્ટીવ બેનન સાથે એપસ્ટીનની ધરપકડના થોડા મહિના પહેલાં, 2019ની શરૂઆતમાં, બ્રેકફાસ્ટનો ઉલ્લેખ દસ્તાવેજોમાં છે.

હિસાબ-કિતાબના દસ્તાવેજોમાં 'મસાજ' માટે થયેલા ચૂકવણાંનો ઉલ્લેખ છે, જેને બ્રિટિશ શાહી પરિવારના સભ્ય પ્રિન્સ એન્ડ્રુ સાથે જોડવામાં આવ્યા છે.

દસ્તાવેજો દર્શાવે છે કે વર્ષ 2000થી, એપસ્ટીન, ગિસલેન મેક્સવેલ અને પ્રિન્સ એન્ડ્રુ સહિતની હસ્તીઓ ન્યૂ જર્સી અને ફ્લોરિડા વચ્ચે સતત મુસાફરી કરતી હતી.

પીટર થિલની મુલાકાત

વર્ષ 2017ના અંતિમ દિવસોની એક નોંધમાં અબજોપતિ ટેક ઇન્વેસ્ટર અને ટ્રમ્પ સમર્થક પીટર થિલ સાથે લંચનો ઉલ્લેખ છે. થિલને સિલિકોન વેલીનો મોટો ચહેરો માનવામાં આવે છે.

જેફ્રી એપસ્ટીનના દસ્તાવેજોમાં નામ આવતા ઈલોન મસ્કનો ખુલાસો

કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનના દસ્તાવેજોની ત્રીજી બેચમાં ઈલોન મસ્કનું નામ સામેલ થતા તેમણે આ દાવાઓને 'તદ્દન ખોટા' ગણાવીને ફગાવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, હાઉસ ઓવરસાઇટ કમિટીને સોંપાયેલી ફાઇલોમાં ડિસેમ્બર 2014માં મસ્કને એપસ્ટીનના ટાપુ પર આમંત્રણ અપાયું હોવાનો ઉલ્લેખ છે. આ જ દસ્તાવેજોમાં પ્રિન્સ એન્ડ્રુનું નામ પણ સામે આવ્યું છે.

X (ટ્વિટર) પર એક યુઝર દ્વારા મસ્કને એપસ્ટીન સાથે જોડતા સમાચારોની ટીકા કરતી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, ટેસ્લાના CEO ઈલોન મસ્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: 'આ ખોટું છે' (This is false). 

આ પણ વાંચો: ઇઝરાયેલે AIથી હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

યુએસના રાજકારણમાં ઉથલપાથલ

આ નવા ખુલાસાને કારણે અમેરિકન રાજકારણમાં મોટો હોબાળો મચી ગયો છે. ડેમોક્રેટિક સભ્યોનો દાવો છે કે આ દસ્તાવેજો એપસ્ટીનના વિશ્વના શક્તિશાળી લોકો સાથેના સંબંધોની પુષ્ટિ કરે છે અને પીડિતોને ન્યાય અપાવવામાં મદદ કરશે.

તેના વિરુદ્ધમાં રિપબ્લિકન સભ્યો આને 'રાજકીય સ્ટંટ' ગણાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે ડેમોક્રેટ્સ માત્ર રિપબ્લિકન હસ્તીઓના નામવાળા મનપસંદ દસ્તાવેજો (ચેરી-પિકિંગ) જાહેર કરીને, ડેમોક્રેટ નેતાઓના નામવાળા દસ્તાવેજોને દબાવી રહ્યા છે.

એપસ્ટીન ફાઈલ્સના 8500 દસ્તાવેજોમાં ઈલોન મસ્ક, પીટરનું નામ ખુલ્યું, USના રાજકારણમાં હડકંપ 2 - image

Tags :