Get The App

ઇઝરાયેલે AIથી હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
ઇઝરાયેલે AIથી હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી 1 - image


- ગાઝામાં 80ના અને હુથી હુમલાખોરો પર આઇડીએફના હવાઈ હુમલામાં નવના મોત 

- ઇઝરાયેલ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એઆઇનો ઉપયોગ ગાઝામાં પેલેસ્ટાઇનીઓના દરેક પ્રકારના સર્વેલન્સ માટે કરતું હતું

- ઇઝરાયેલના સાઇબર વોરફેરના કમાન્ડર 2021માં ચેરમેન સત્ય નડેલાને મળ્યા પછી ભાગીદારીનો પ્રારંભ થયો હતો

વોશિંગ્ટન : ઇઝરાયેલે ગાઝામાં તેના હુમલા માટે એઆઇનો ઉપયોગ કરતાં માઇક્રોસોફ્ટે તેને આપવામાં આવતી કલાઉડ સર્વિસ બંધ કરી છે. માઇક્રોસોફ્ટે આ જાણકારી બહાર આવ્યા પછી મચેલા ઉહાપોહના પગલે ઇઝરાયેલના લશ્કરના એક યુનિટને તેની કેટલીક સેવા બંધ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે ઇઝરાયેલ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એઆઈનો ઉપયોગ ગાઝામાં પેલેસ્ટાઇનીઓના સર્વેલન્સ માટે કરતું હતું. 

માઇક્રોસોફ્ટનું કહેવું છે કે ઇઝરાયેલ ગાઝામાં કેટલાય હુમલામાં તેની ટેકનોલોજીનો ઉપયોગ કરી ચૂક્યું છે, તેથી આ સર્વિસિઝ રોકવી જરૂરી છે. આ વર્ષે અગાઉ એસોસિયેટ પ્રેસ અને ગાર્ડિયનના રિપોર્ટમાં જણાવાયું હતું કે ઇઝરાયેલનું લશ્કર કેવી રીતે ગાઝામાં યુદ્ધ કરવા અને વેસ્ટ બેન્કમાં કબ્જો કરવા માટે માઇક્રોસોફ્ટના એઝ્યોર પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

માઇક્રોસોફ્ટના પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે સર્વિસિઝના નિયમોનું પાલન કરવા માટે જ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. એપીના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે માઇક્રોસોફ્ટ ડેટા મુજબ ઇઝરાયેલ ગીગાબાઇટ્સમાં ડેટાસ્ટોરેજનો ઉપયોગ કરતું હતું. આ ઉપરાંત લેંગ્વેજ ટ્રાન્સલેશન માટે પણ તે એઆઇનો ઉપયોગ કરતું હતું. આ ઉપરાંત તે એઝ્યોર દ્વારા બધી જાણકારીઓ એકત્રિત કરે છે. તેનું ભાષાંતર કરવામાં આવે છે. ફોન કોલ અને ટેકસ્ટ મેસેજને પણ સર્વેન્સમાં રાખવામાં આવે છે.

ઇઝરાયેલના યુનિટ ૮,૨૦૦ના કમાન્ડર સીધા માઇક્રોસોફ્ટના ચેરમેન અને સીઇઓ સત્ય નડેલાને ૨૦૨૧માં મળ્યા હતા. બસ ત્યારથી ઇઝરાયેલ યુનિટને માઇક્રોસોફ્ટની સેવા શરૂ થઈ હતી. તેણે એઆઇ પાવર્ડ માસ સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવા માંડયો. તેના દ્વારા તે પેલેસ્ટાઇની નાગરિકોના લાખો ટેલિફોન કોલ્સનું ભાષાંતર કરતું હતું, તેની સમીક્ષા કરતું હતું. તેનો ડેટા યુરોપમાં સ્ટોર થતો હતો. 

આ દરમિયાન ઇઝરાયેલના સુરક્ષા દળ (આઇડીએફ) અને ઇઝરાયેલની આતંકવાદ વિરોધી સિક્યોરિટી સર્વિસ શિન બેટને મોટી સફળતા હાથ લાગી છે. ગાઝામાં હવાઈ હુમલો કરીને આતંકવાદી સંગઠન હમાસના બટાલિયન કમાન્ડર વેલ મત્રિયાને ઠાર કર્યો છે. તે હમાસના નખબા સેક્શનમાં આતંકી પ્રવૃત્તિઓ કરતો હતો. ઇઝરાયેલે આ કાર્યવાહી ગાઝા શહેરમાં કરી, જેને હમાસનો ગઢ માનવામાં આવે છે. અહીં કમાન્ડર મત્રિયા આતંકવાદી હુમલાના આયોજનની તૈયારી કરી રહ્યો હતો. ઇઝરાયેલમાં ૭મી ઓક્ટોબરના રોજ નાહલ ઓજ સૈન્ય ચોકી પર થયેલા હુમલામાં વેલ મત્રિયા સામેલ હતો. યુદ્ધ દરમિયાન તેણે ગાઝામાં ઇઝરાયેલીઓ સામેની આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું. ઇઝરાયેલની આ કાર્યવાહીને હમાસના આતંકવાદ સામેની અત્યંત નિર્ણાયક કાર્યવાહી માનવામાં આવે છે.આ દરમિયાન  ગાઝામાં બુધવારે કરવામાં આવેલા હુમલામાં ૮૦ના મોત થયા હતા અને અનેક ઇજા પામ્યા હતા. મૃતકોમાં ૨૦ મહિલાઓ અને બાળકો હતા. 

ઇઝરાયેલેઆ ઉપરાંત હુથી બળવાખોરો પર પણ હુમલા કર્યા હતા અને તેમા નવના મોત થયા હતા. ગુરુવારે હુથીઓએ છોડેલું ડ્રોન ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમને છકાવીને દક્ષિણે આવેલા શહેર આઇલટ પર ત્રાટક્યુ હતુ. આ હુમલામાં ઇઝરાયેલમાં ૨૨ જણા ઇજા પામ્યા હતા. તેના પગલે ઇઝરાયેલે ફાઇટર જેટ અને મિસાઇલ વડે હુથીઓ પર વળતો પ્રહાર કર્યો હતો. 

Tags :