'જવાબ આપવાનું મન છે પણ...', અમેરિકામાંથી કાઢી મૂકવાની ટ્રમ્પની ધમકી પર ઈલોન મસ્કનો જવાબ
Elon Musk-Donald Trump Conflict: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા તેમજ સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક વચ્ચે વાકયુદ્ધ એકવાર ફરી ચર્ચામાં છે. જોકે, આ વખતે ઈલોન મસ્કે સંયમ બતાવતા ફક્ત 14 શબ્દોમાં પોતાની વાત મૂકી છે. લોકોને આશા હતી કે, મસ્ક એકવાર ફરી ટ્રમ્પને લઈને અમુક ચોંકાવનારા દાવા કરી શકે છે. કારણ કે, ટ્રમ્પે મસ્કને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને ત્યાં સુધી કહી દીધું કે, તેમને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે.
જાણો શું છે વિવાદ?
આ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોમવારે રાત્રે મસ્કની સામે એક તીખી પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે, મસ્કને ઈલેક્ટ્રિક વાહન (ઈવી) સબસિડી વિના પોતાની કંપની બંધ કરવી પડી શકે છે અને મસ્કે દક્ષિણ આફ્રિકા પાછા જવું પડી શકે છે.
મસ્કને બંધ કરવી પડશે પોતાની દુકાન
ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, 'ઈલોન મસ્કને ખબર છે કે, હું ઈવી મેન્ડેટની વિરોધમાં છું, તેમ છતાં તેમણે મારું સમર્થન કર્યું. સબસિડી વિના, મસ્કને કદાચ પોતાની દુકાન બંધ કરી દક્ષિણ આફ્રિકા પાછા જવું પડી શકે છે. ન રૉકેટ લૉન્ચ થશે, ન સેટેલાઇટ, ન ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન, અમેરિકાને તેનાથી ઘણી બચત થશે.'
મસ્કને ડિપોર્ટ કરશે ટ્રમ્પ?
આ સિવાય ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે, મસ્કને અત્યાર સુધીમાં સૌથી મોટી સબસિડી મળી છે અને આ સિવાય તેની કંપની કદાચ ટકી નહીં શકે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું તે મસ્કના ડિપોર્ટેશન પર વિચાર કરશે? તો તેમણે જવાબ આપ્યો કે, 'અમારે આ વિશે વિચાર કરવો પડશે.'
આ પણ વાંચોઃ 'પહલગામ હુમલાના ગુનેગારોને સજા આપો', આંતકવાદ વિરુદ્ધ QUADની 'એકતા'
આ નિવેદનમાં ટ્રમ્પે DOGEનો પણ ઉલ્લેખ કર્યો - જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તેમણે તેને મજાકમાં કહ્યું હતું કે કોઈ એજન્સી તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું કે, 'શું આપણે DOGEને આના પર નજીકથી નજર નાખવા માટે ન કહેવું જોઈએ? બહુ પૈસા બચાવી શકાશે! ઈલોનને કદાચ પાછો મોકલવો પડી શકે. શું તમે જાણો છો કે, DOGE શું છે ? એ રાક્ષસ જે ઈલોનને પાછો ખાવા આવી શકે છે, કેટલું ભયાનક હશે?
ઈલોન મસ્કનો જવાબ
ઈલોન મસ્ક કાયદાકીય રૂપે અમેરિકાના નાગરિક છે. તેમણે ટ્રમ્પની આ ટિપ્પણી પર પોતાની પ્રતિક્રિયા આપતાં X પર લખ્યું કે, 'બહુ મન થઈ રહ્યું છે વળતો જવાબ આપવાનો, ખૂબ જ વધારે મન થઈ રહ્યું છે. પરંતુ, હાલ ખુદને રોકી રહ્યો છું.'
લોકોએ કર્યા મસ્કના વખાણ
મસ્કની આ પોસ્ટ તુરંત જ વાયરલ થઈ ગઈ છે. હજારો યુઝર્સે આ પોસ્ટને રિપોસ્ટ અને લાઇક કરી છે. આ સિવાય અનેક લોકોએ મસ્કના સંયમના વખાણ કર્યા. વળી, અમુક જૂના વિવાદને યાદ કરે છે, જ્યારે મસ્કે ટ્રમ્પને 'જૂઠ્ઠા' કહ્યું હતું અને તેમના પર જવાબદારી સાથે જોડાયેલા મામલાને લઈને સવાલ કર્યા હતા, જેમાં જેફ્રી એપસ્ટીનનું નામ પણ જોડાયેલું હતું. બાદમાં મસ્કને પોતાના આ નિવેદન માટે માફી માંગવી પડી હતી.
આ પણ વાંચોઃ 'ગાઝામાં 60 જ દિવસમાં કરાવીશું સીઝફાયર', ઈરાન-ઈઝરાયલ બાદ ટ્રમ્પનો ફરી મોટો દાવો
સોશિયલ મીડિયા પર વિવાદ
હવે સોશિયલ મીડિયા પર એકવાર ફરી વિવાદ શરુ થઈ ગયો છે. શું મસ્કે ટ્રમ્પ સામે ખૂલીને ઊભા રહેવું જોઈએ? શું ટ્રમ્પ એક ખાનગી ઉદ્યોગપતિ પર નિશાનો સાધવામાં મર્યાદા વટાવી રહ્યા છે? શું આ બઘું 2024ના પ્રમુખની ચૂંટણીની વ્યૂહનીતિનો ભાગ છે? હાલ, ઈલોન મસ્કે જવાબ આપવાથી ખુદને રોકી રાખ્યા છે, પરંતુ તેમના શબ્દોથી સ્પષ્ટ છે કે, આ મામલો ખતમ નથી થયો. આવનારા દિવસોમાં આ વિવાદ રસપ્રદ વળાંક લઈ શકે છે.
શું છે વિવાદનું કારણ?
મસ્ક અને ટ્રમ્પ વચ્ચેનો સંઘર્ષ અમેરિકન પ્રમુખના મહત્ત્વપૂર્ણ બિલને લઈને છે. મસ્કે ત્રણ દિવસ પહેલા બિલની ટીકા વધુ તીવ્ર બનાવી હતી અને દલીલ કરી હતી કે રિપબ્લિકન સેનેટર જે કાયદો પસાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તે નોકરીઓ ખતમ કરશે અને ઉભરતા ઉદ્યોગ ઠપ્પ પડી જશે. સ્પેસએક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) મસ્કે શનિવારે 'એક્સ' પર પોસ્ટ કરી હતી કે આ બિલ "રિપબ્લિકન પાર્ટી માટે રાજકીય આત્મહત્યા" સમાન હશે.
થોડા કલાકો બાદ મસ્કે એક પોસ્ટ કરીને દાવો કર્યો કે, જો બિલ પાસ થાય છે તો તે નવી રાજકીય પાર્ટી બનાવશે. તેમણે લખ્યું કે, 'જો આ ગાંડપણ ભરેલું બિલ પાસ થઈ જાય છે, તો બીજા દિવસે 'અમેરિકા પાર્ટી' બનાવવામાં આવશે. આપણા દેશને ડેમોક્રેટ-રિપબ્લિકન પાર્ટીના વિકલ્પની જરૂર છે. જેથી લોકો પાસે હકીકતમાં અવાજ હોય.'