ટ્રમ્પ અને મસ્ક વચ્ચે સમાધાન? એપસ્ટીન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ હોવાનો દાવો કરતી પોસ્ટ ટેસ્લાના CEOએ કરી ડિલીટ
Elon Musk Deletes Post Claiming Donald Trump: ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઇલૉન મસ્કે તેમની X પોસ્ટ ડિલીટ કરી દીધી છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જાતીય અપરાધી જેફરી એપસ્ટીન (10 ઓગસ્ટ, 2019 ના રોજ મૃત્યુ પામ્યા) ના કેસ સંબંધિત ફાઇલોમાં હતું. મસ્કનું આ પગલું ટ્રમ્પ સાથે સંભવિત સમાધાન સૂચવે છે, કારણ કે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ ગયા મહિને અબજોપતિ ઉદ્યોગપતિ ઇલૉન મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) માંથી રાજીનામું આપ્યું હતું. 'બિગ બ્યુટીફુલ બિલ' અને ટેક્સ કાપ અંગે ટ્રમ્પ સાથે ટકરાવ ચાલી રહ્યો છે.
'હવે ખૂબ મોટો બોમ્બ ફેંકવાનો સમય આવી ગયો છે'
મસ્કે ગુરુવારે ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે, તેમનું નામ સીલબંધ એપસ્ટીન ફાઇલોમાં હતું અને એ જ કારણે આ ફાઇલો ક્યારેય જાહેર કરવામાં આવી નથી. જો કે, તેમણે ડિલીટ કરેલી X પોસ્ટમાં કહ્યું હતું કે, "હવે ખૂબ મોટો બોમ્બ ફેંકવાનો સમય આવી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપસ્ટીન ફાઇલોમાં છે. આ જ કારણ છે કે તેઓ જાહેર કરવામાં આવ્યા નથી. તમારો દિવસ શુભ રહે, DJT!' એ પછી મસ્કે બીજી પોસ્ટ પોસ્ટ કરી હતી, એ પણ તેમણે ડિલીટ કરી દીધી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'આ પોસ્ટ (એપ્સ્ટેઇન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ ધરાવતી પોસ્ટ) ભવિષ્ય માટે સાચવી રાખો, સત્ય હકીકત સામે આવશે.'
'મસ્ક પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે'
ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, 'મને મસ્ક સાથે વાત કરવામાં કોઈ ખાસ રસ નથી, મસ્ક પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.' ગયા વર્ષે રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના બે વાર પ્રયાસ બાદ મસ્કે તેમના રાષ્ટ્રપતિ અભિયાનને ભંડોળ પૂરું પાડ્યું હતું. ઇલૉન મસ્કે X પરની એક પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે જો તેઓ ત્યાં ન હોત તો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી શક્યા ન હોત અને રિપબ્લિકન પાર્ટીના માત્ર 50 થી 60 સભ્યો સેનેટમાં હોત. તેમણે ટ્રમ્પને કૃતઘ્ન પણ ગણાવ્યા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે EV આદેશમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે, તેથી ટ્રમ્પ તેમની વિરુદ્ધ થઈ ગયા છે, કારણ કે આ નિર્ણયની સીધી અસર તેમની કંપની ટેસ્લા પર પડશે.
આ પણ વાંચો: ટ્રમ્પ સાથે વિવાદ બાદ રશિયાએ ઇલૉન મસ્કને આપી 'બમ્પર ઓફર', કહ્યું- જરૂર પડી તો શરણ આપીશું
એપસ્ટીન ફાઇલ્સ શું છે?
એપસ્ટીન ફાઇલ્સ - જાતીય ટ્રાફિકિંગ રિંગ સાથે સંબંધિત કોર્ટ દસ્તાવેજો, જુબાની અને સીલબંધ રેકોર્ડનો સંગ્રહ છે. આ ફાઈલ્સ લાંબા સમયથી અટકળોનો વિષય રહ્યો છે, જેમાં ઘણા અગ્રણી નામો સામે આવ્યા છે અને જેમના પર આ કેસમાં સંડોવણીનો આરોપ છે. તે ઘણા અન્ય મોટા નામ કોર્ટના આદેશો પાછળ છુપાયેલા છે. એપસ્ટીન સાથે ટ્રમ્પના કથિત સંબંધો વિશે મસ્કની તાજેતરની ટિપ્પણીઓએ કાવતરું સિદ્ધાંતને ફરીથી હવા આપી છે. કેટલાક માને છે કે વહીવટીતંત્ર હજુ પણ આ કેસ સાથે સંકળાયેલી સંવેદનશીલ અને સંભવિત ગુનાહિત ફાઇલો રોકી રહ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એટર્ની જનરલ પામ બોન્ડીએ ન્યાય વિભાગ તરફથી દસ્તાવેજો જાહેર કરવાનો પ્રચાર કરીને આગમાં ઘી હોમ્યું. જો કે, તે સમયે જે જાહેર કરવામાં આવ્યું હતું, તેમાંથી મોટાભાગનું કોર્ટ કેસ, જાહેર રેકોર્ડ, મુકદ્દમા અને માહિતી સ્વતંત્રતા અધિનિયમ (FOIA) વિનંતીઓ દ્વારા વર્ષોથી ઉપલબ્ધ હતું.