કોરોનાના કારણે ચીનમાં નાની-મોટી પાંચ લાખ કંપનીઓ બંધ
- 2020નાં પ્રથમ ત્રિમાસિક ડેટાના આધારે તારણ
- દુકાનદારોના ધંધા પડી ભાંગતા અસંખ્ય દુકાનો કાયમી માટે બંધ, મોટી કંપનીઓને પણ કરોડો ડોલરનું નુકસાન થયું : સંખ્યાબંધ લોકોએ કાયમી રોજગારી ગુમાવી
બેઈજિંગ, તા. 07 એપ્રિલ 2020, મંગળવાર
ચીનના અર્થતંત્રની કોરોનાએ કમર તોડી નાખી છે. ચીનમાં નાની-મોટી કંપનીઓ અને દુકાનો મળીને લગભગ પાંચ લાખ કંપનીઓ કાયમી ધોરણે બંધ થઈ હોવાનો દાવો થયો છે. ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં જ ચીનને મોટો ફટકો પડયો છે.
ચીનમાં નાના-મોટા ધંધાર્થીઓની પાંચ લાખ કંપનીઓ છેલ્લાં ત્રણ માસ દરમિયાન બંધ થઈ ગઈ છે. ચીનના પ્રથમ ત્રિમાસિક ડેટાનો અભ્યાસ કર્યા પછી આ દાવો કરવામાં આવ્યો છે. એક કમશયલ ડેટાબેઝ તિયાન્યાન્ચાના અહેવાલના આધારે મીડિયા રીપોર્ટમાં કહેવાયું હતું એ પ્રમાણે જાન્યુઆરીથી લઈને ૩૧મી માર્ચ સુધીના સમયગાળામાં ચીનમાં અંદાજે ૪.૪૬ લાખ કંપનીઓ અથવા તો નાની-મોટી દુકાનો-શોપિંગ સેન્ટર્સ કાયમી માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
આથક કટોકટીના કારણે આ કંપનીઓ કે દુકાનો બંધ થઈ છે. કોરોનાનો માર સહન ન કરી શકતા ત્રણ માસ સુધી કંપનીઓ ઝઝૂમી શકી નહીં અને આથક સંકળામણના કારણે આખરે હંમેશા માટે બંધ થઈ ગઈ હતી.
અહેવાલમાં નોંધ કરવામાં આવી હતી કે મોટી કંપનીઓને પણ કરોડો-અબજો રૂપિયાનું નુકસાન થયું છે. એના કારણે ઘણી કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું શરૂ કર્યું છે. તેના કારણે પણ સંખ્યાબંધ લોકો રોજગારી ગુમાવી ચૂક્યા છે. અથવા તો આગામી દિવસોમાં તેમની નોકરી ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે.
ચીનની સરકારે ૨.૮ ટ્રિલિયન યુઆનના સ્પેશિયલ બોન્ડ્સ જાહેર કર્યા છે અને તે સિવાયની રાહતો આપીને અર્થતંત્રને વેગ મળે તેવા પગલાં ભર્યા છે છતાં ચીનમાં માત્ર ત્રણ જ મહિનામાં પાંચેક લાખ કંપનીઓ બંધ થઈ ગઈ હતી.