અમેરિકાના લોસ એન્જલસમાં ઉકળતો ચરુ, લોકો અને સુરક્ષાદળો સામ-સામે, હિંસાનું શું છે કારણ?
- ઈમિગ્રેશન વિભાગની કાર્યવાહીના વિરોધમાં ઠેરઠેર ઉગ્ર દેખાવો : 2000થી વધુ નેશનલ ગાર્ડ તૈનાત
- દેખાવકારોને માસ્ક પહેરવા પર પ્રતિબંધ, ઈમિગ્રેશન વિભાગ વિરુદ્ધના દેખાવો લોખંડી હાથે કચડી નંખાશે : ટ્રમ્પ
- હિંસા અને ઉશ્કેરણી વિના દેખાવો કરવા, ટ્રમ્પને કોઈપણ તક નહીં આપવા ગવર્નર ગેવીન ન્યૂસમની દેખાવકારોને હાકલ
- કેલિફોર્નિયાના ડેમોક્રેટ ગવર્નર અને મેયર હિંસક દેખાવો ડામવામાં અસમર્થ હોવાથી નેશનલ ગાર્ડ ઉતાર્યા : ટ્રમ્પ
લોસ એન્જલસમાં ઈમિગ્રેશન નીતિ વિરુદ્ધ લોકોના દેખાવોને જોતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડ્સની તૈનાતી કરી હતી. લોસ એન્જલસમાં ઈમિગ્રેશન વિભાગની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ગેરકાયદે વસાહતીઓ સામે ઈમિગ્રેશન વિભાગની કાર્યવાહીના વિરોધમાં અનેક જગ્યાએ હિંસા ભડકી છે. બીજીબાજુ ટ્રમ્પે નેશનલ ગાર્ડ્સની પ્રશંસા કરી છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું કે, લોસ એન્જલસમાં બે દિવસથી હિંસા, અથડામણો અને અશાંતિ પછી નેશનલ ગાર્ડે શાનદાર કામ કર્યું છે. આપણી પાસે એક અક્ષમ ગવર્નર અને મેયર છે, જે હંમેશાની જેમ કામ સંભાળવામાં અસમર્થ હતા. લોકોને ઉશ્કેરનારા અને નાણાં લઈને ભાંગફોડ કરનારા તત્વો દ્વારા કરાયેલા આ ડાબેરી વિરોધ પ્રદર્શનોને જરા પણ સાંખી નહીં લેવાય. પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી કે હવેથી વિરોધ પ્રદર્શનોમાં માસ્ક પહેરવાની મંજૂરી નહીં અપાય. આ લોકો પાસે છુપાવવા માટે શું છે અને શા માટે છે?
કેલિફોર્નિયાના પેરામાઉન્ટમાં ગૃહ વિભાગ નજીક શનિવારે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની ઓફિસમાં ફેડરલ એજન્ટ્સ હતા તેવા સમયે જ લોસ એન્જલસની દક્ષિણે પેરામાઉન્ટના લેટિનો સિટીમાં ઉગ્ર દેખાવો થયા હતા. દેખાવકારોને વિખેરવા માટે નેશનલ ગાર્ડ્સે ટીયર ગેસના શેલ, ફ્લેશ બેન્ગ વિસ્ફોટકો અને આંખમાં બળતરા થાય તેવો મરી-મરચાંનો ભૂકો નાંખ્યો હતો. દેખાવકારોએ બોર્ડર પેટ્રોલના વાહનો પર પથ્થરો અને સિમેન્ટનો મારો કર્યો હતો. ઉપરાંત દેખાવકારોએ રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા અને આગ લગાવી ધૂમાડા કર્યા હતા.
હકીકતમાં ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ પોલીસ સાથે મળીને સમગ્ર દેશમાં ગેરકાયદે વસાહતીઓને પકડવાનું અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે લોસ એન્જલસમાંથી આ સપ્તાહે કથિત રીતે 118 ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરાઈ છે. સ્થાનિક લોકો દ્વારા આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પ્રમુખ ટ્રમ્પે ઈમિગ્રેશન વિભાગના દરોડા પછી વધતા વિરોધ પ્રદર્શનોનો જવાબ આપવા માટે લોસ એન્જલસમાં 2000 નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું ફેડરલ અધિકારીઓ અને દેખાવકારો વચ્ચે વધતા તણાવના કારણે લેવાયું છે. લોસ એન્જલસમાં ઈમિગ્રેશન વિભાગના દરોડા સમયે 44થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી. ત્યાર પછી શુક્રવારથી શરૂ થયેલા હિંસક દેખાવો શનિવારે પણ ચાલુ રહ્યા હતા. દેખાવકારોની હિંસાને ડામવા માટે સંરક્ષણ વિભાગે ફેડરલ લો એન્ફોર્સમેન્ટની મદદ માટે નેશનલ ગાર્ડને તેનાત કરવાનું શરૂ કરી દીધું હતું.
એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલની દેખાવકારોને ચેતવણી
લોસ એન્જલસમાં હિંસક દેખાવોના પગલે એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે દેખાવકારોને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવા માટે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જે કોઈપણ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરશે તેમણે જેલમાં જવું પડશે. હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું કે, 1000 દેખાવકારોએ એક ફેડરલ લો એન્ફોર્સમેન્ટ સેન્ટરને ઘેરી લીધું અને આઈસીઈ એજન્ટો પર હુમલો કર્યો અને ઈમારતને નુકસાન પહોંચાડયું છે. અમેરિકન ગૃહ સુરક્ષા સચિવ ક્રિસ્ટી નોએમે કહ્યું કે, તમે કોઈપણ કાયદાનો અમલ કરનારા અધિકારી પર હુમલો કરશો તો તમારા પર કેસ થશે. એજન્સી સરકારી વાહનો પર પથ્થર ફેંકનારાઓની ઓળખ કરી રહી છે.
નેશનલ ગાર્ડની તૈનાતીનો કેલિફોર્નિયાના ગવર્નરે વિરોધ કર્યો
રમખાણોને કચડી નાંખવા માટે પ્રમુખ ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ્સ તૈનાત કર્યા છે ત્યારે કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્યૂસમે ટ્રમ્પના આ પગલાંનો વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી લખ્યું કે, રિપબ્લિકન પ્રમુખનું આ પગલું ઈરાદાપૂર્વક ઉશ્કેરણીજનક છે અને તેનાથી માત્ર તણાવ વધશે. આ ખોટું મિશન છે અને તેનાથી જનતાનો સરકાર પર વિશ્વાસ ખતમ થશે. તેમણે કહ્યું કે, લોસ એન્જલસમાં કાયદાના શાસનમાં ખામી છે એટલા માટે નહીં પરંતુ ટ્રમ્પ તમાશો જોવા માગતા હોવાથી તેઓ અહીં નેશનલ ગાર્ડને તૈનાત કરી રહ્યા છે. ન્યૂસમે દેખાવકારોને કહ્યું કે, ટ્રમ્પને એક પણ તક આપશો નહીં અને હિંસા અને ઉશ્કેરણી વિના શાંતિપૂર્વક પોતાની વાત કહો.
લોસ એન્જલસમાં રમખાણો શાંત થવાનું નામ નથી લેતાં ત્યારે આ રમખાણો માટે સોશિયલ મીડિયા પર મેયર કારેન બાસને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે અને તેમની ધરપકડ કરવાની માગણી થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ રમખાણો મેયરે જ શરૂ કરાવ્યા છે. આ વર્ષના જાન્યુઆરીમાં લોસએન્જલસ પાસેના જંગલમાં આગ ફાટી નીકળી હતી તે માટે પણ સોશિયલ મીડિયા પર કારેનની ધરપકડ કરવા જોરદાર માગણી કરાઈ હતી, પરંતુ કેલિફોર્નિયા રાજ્યના લીગલ ડિપાર્ટમેન્ટે આવી માગણીને તદ્દન અસ્વીકાર્ય ગણાવી હતી.