'હું ભારતની ખૂબ નજીક, વડાપ્રધાન મોદી સાથે સારા સંબંધો', ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પના સૂર બદલાયા
Donald Trump's shocking statement : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના અંગત સંબંધોને ફરીથી મજબૂત બનાવ્યા છે, તેમણે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોને "ખૂબ સારા" ગણાવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની સાથે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'હું ભારત અને વડાપ્રધાનની ખૂબ નજીક છું. મેં કાલે તેમની સાથે વાત કરી હતી. મેં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમારા સંબંધો ખૂબ સારા છે.'
ટ્રમ્પનું આ નિવેદન ભારત અને અમેરિકાના સંબંધોની મજબૂતીને ફરી વર્ણવે છે. ટેરિફના કારણે તણાવ બાદ આ ચોથી વખત છે, જ્યારે ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન મોદી અંગે વખાણ કર્યા હોય.
વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો અને ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું, તેના એક દિવસ પછી તેમની ટિપ્પણી આવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'તમારી જેમ, હું પણ ભારત-યુએસ વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફ તમારી પહેલને સમર્થન આપીએ છીએ.'
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'મેં મારા મિત્ર નરેન્દ્ર મોદીને તેઓના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી તેઓ ગજબનું કામ કરી રહ્યાં છે.'
તમને જણાવી દઈએ કે, વોશિંગ્ટને ભારતીય માલ પર ભારે ટેરિફ લગાવ્યો હતો. જેમાં આયાત પર 50% અને રશિયન ઓઈલની ભારતીય ખરીદી પર 25% ટેરિફ ઝીંક્યો હતો. જે કોઈપણ દેશ પર લાગુ કરાયેલા સૌથી કડક પગલાં પૈકીના એક છે, જેના કારણે ટેરિફને લઈને બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા.
ટેરિફની જાહેરાત થયા પછી પહેલી વાર, બંને પક્ષોના વાટાઘાટકારો આ અઠવાડિયે આગામી પગલાં લેવા માટે મળ્યા હતા. અમેરિકાએ "સકારાત્મક" ગણાવેલી આ વાટાઘાટોને દ્વિપક્ષીય ચર્ચામાં ગતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. વિવાદ વચ્ચે, ભારત અને અમેરિકા વેપાર, મંત્રી અને રાજદ્વારી સ્તરે લગભગ સાપ્તાહિક રીતે જોડાઈ રહ્યા છે. પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટોના પાંચ રાઉન્ડ પહેલાથી જ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે છઠ્ઠો રાઉન્ડ 25-29 ઓગસ્ટના રોજ નિર્ધારિત ટેરિફ વધારાને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો.