ફ્રાંસના પ્રમુખના પત્ની બ્રિજિટ મેક્રોન કોર્ટમાં પોતે સ્ત્રી હોવાની સાબિતી આપવા તૈયાર! જાણો શું છે મામલો
Image : x/EmmanuelMacron
Macron Couple Fights Gender Rumors: ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમનાં પત્ની બ્રિજિટ મેક્રોન અમેરિકન પોડકાસ્ટર કેન્ડેસ ઓવેન્સ વિરુદ્ધ માનહાનિનો મુકદ્દમો ચલાવી રહ્યાં છે, કારણ કે કેન્ડેસે ઘણા સમયથી ‘બ્રિજિટ સ્ત્રી નહીં પુરુષ છે’ એમ કહી કહીને દંપતીની બદનામી કરી રહી હતી. બ્રિજિટે પોતે સ્ત્રી જ હોવાના વૈજ્ઞાનિક અને ફોટોગ્રાફિક પુરાવા કોર્ટમાં રજૂ કરવાની તૈયારી બતાવી છે, ત્યારે આખી દુનિયાનું ધ્યાન આ સનસનીખેજ કોર્ટ કેસ તરફ દોરાયું છે.
સ્ત્રી પર પુરુષ હોવાનો આરોપ લગાડ્યો
કોઈ દેશના રાષ્ટ્રપતિની પત્ની જેવા કક્ષાના મહિલા પર ‘એ સ્ત્રી નહીં પુરુષ છે’ એવો આરોપ લગાવવો માન્યામાં ન આવે એવી બાબત છે, પણ ખરેખર એવું બન્યું છે. અમેરિકાની પોડકાસ્ટર કેન્ડેસ ઓવેન્સ ઘણા સમયથી ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના પત્ની બ્રિજિટ મેક્રોન પર પુરુષ હોવાના આરોપ લગાવતી આવી છે. તેની વિરુદ્ધ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ અને તેમના પત્ની અમેરિકામાં જ કેન્ડેસ ઓવેન્સ વિરુદ્ધ બદનક્ષીનો મુકદ્દમો ચલાવી રહ્યાં છે.
વૈજ્ઞાનિક પુરાવા આપવાની તૈયારી
મેક્રોન દંપતીના વકીલ ટોમ ક્લેરે એ વાતની પુષ્ટિ આપી છે કે, મેક્રોન દંપતી કેન્ડેસના દાવાઓને નકારતા વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા માટે તૈયાર છે.
આરોપીએ શું પ્રતિક્રિયા આપી?
રૂઢિચુસ્ત અમેરિકન આઉટલેટ ડેઇલી વાયર માટે કામ કરતી કેન્ડેસ ઓવેન્સ સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. તેણે માર્ચ 2024માં જાહેરાત કરી હતી કે તે આ મામલે તેની ‘સંપૂર્ણ વ્યાવસાયિક પ્રતિષ્ઠા’ દાવ પર લગાવશે.
કાનૂની પ્રક્રિયાની વર્તમાન સ્થિતિ શું છે?
મેક્રોન દંપતીએ જુલાઈમાં અમેરિકાની ડેલવેર કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેમાં કેન્ડેસ પર ‘વિચિત્ર, બદનક્ષીભર્યા અને અવાસ્તવિક’ અસત્યો ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેન્ડેસના વકીલે કેસને રદ કરવાની માંગ કરી છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે, ડેલવેરમાં મુકદ્દમાનો બચાવ કરવા જવામાં કેન્ડેસને ‘નોંધપાત્ર નાણાકીય ખર્ચ થશે’ અને ‘કાર્યકારી મુશ્કેલીઓ પણ વધશે’.
રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્પષ્ટીકરણ
આ મામલે ટિપ્પણી કરતા રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે, ‘આ મારા સન્માનનો બચાવ કરવાનો મુદ્દો છે, કારણ કે એના દાવા બકવાસ છે. તે એવી વ્યક્તિ છે જે સારી રીતે જાણતી હતી કે તેની પાસે ખોટી માહિતી છે. તેણે જમણેરી વિચારધારા સાથે સંકળાયેલા નેતાઓ સાથે મળીને એમનાથી વિરુદ્ધ વિચારધારા ધરાવનારાઓને નુકસાન પહોંચાડવા આવા દાવા કર્યા છે.’
સત્ય અને સન્માનની લડાઈ
આ કેસ માત્ર એક વ્યક્તિના લિંગની ઓળખ વિશે નથી, પરંતુ સાર્વજનિક વ્યક્તિઓ પ્રત્યે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતીનો સામનો કરવા વિશે છે. મેક્રોન દંપતીનું આ પગલું ઇન્ટરનેટ પર ફેલાતી ભ્રામક માહિતીનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર આપે છે. આ કાનૂની લડાઈ ભવિષ્યમાં જાહેર વ્યક્તિઓ પ્રત્યે ફેલાવવામાં આવતી ખોટી માહિતી સામે લડવાનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ સ્થાપિત કરી શકે એમ છે.