'અનેક વર્ષોની મહેનત સામે ખતરો...' ભારત પર ટ્રમ્પના ટેરિફ સામે અમેરિકન સાંસદે બાંયો ચઢાવી
US India Trade Relation: અમેરિકાના વરિષ્ઠ સાંસદ ગ્રેગરી મિક્સે રશિયન ક્રૂડની આયાતના કારણે ભારત પર લાદવામાં આવેલા ટ્રમ્પના ટેરિફની ભારે ટીકા કરી છે. ડેમોક્રેટ સિનેટર ગ્રેગરી મિક્સે જણાવ્યું કે, અમેરિકાના પ્રમુખની આ ડ્યુટી સંબંધિત હતાશા વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે એક મજબૂત પાર્ટનરશીપ બનાવવા માટે બે દાયકાથી ચાલી રહેલા પ્રયાસોમાં રોડા નાખી શકે છે.
વિદેશ નીતિ સંબંધિત કાયદો બનાવતા ગ્રૂપ માટે જવાબદાર સદનની સમિતિ અનુસાર મિક્સે કહ્યું કે, અમારી વચ્ચે ગાઢ વ્યૂહનીતિ, આર્થિક અને લોકો વચ્ચે ગાઢ સંબંધ છે. ચિંતાઓનું સમાધાન અમારા લોકશાહી મૂલ્યો અનુસાર એકબીજાના સન્માન સાથે થવુ જોઈએ.
ભારત પર 50 ટકા ટેરિફ
ટ્રમ્પે ભારત પર એક-પછી-એક એમ બે વખત 25 ટકા ટેરિફ લાદ્યો છે. તેમજ વેપાર મંત્રણા પર અટકાવી દીધી છે. 4 ઓગસ્ટના રોજ વધારાનો 25 ટકા ટેરિફ લાદવાની સાથે ચેતવણી આપી છે કે, તે રશિયા પાસેથી ભારતનું ક્રૂડ ખરીદી તેના પર ટેરિફ લગાવશે. ભારતે ટ્રમ્પના આ પગલાંને અયોગ્ય, ગેરવાજબી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, સરકાર પોતાના રાષ્ટ્રના હિતોની રક્ષા માટે જરૂરી પગલાં લેશે. ટ્રમ્પે આ ટેરિફ લાદવા પાછળનું કારણ રશિયા સાથે ક્રૂડ સહિતના વેપાર સંબંધો ચાલુ રાખવાનું ગણાવ્યું હતું. નવા દરો લાગુ કર્યા પહેલાં વોશિંગ્ટને સેમિકંડક્ટરની આયાત પર 100 ટકા ડ્યુટી લાદી હતી.
અમેરિકન સાંસદનું નિવેદન મહત્ત્વનું...
અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ વેપાર સંબંધ છે. બંને દેશો એકબીજા માટે મહત્ત્વ ધરાવે છે. ગ્રેગરી મિક્સનું નિવેદન બંને દેશો વચ્ચેના સંબંધો જાળવી રાખવા પર ભાર મૂકે છે. ટેરિફ જેવા મુદ્દાઓ વાતચીત મારફત ઉકેલવા જોઈએ. આ નિવેદન બંને દેશો વચ્ચે સન્માન અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા મેસેજ આપે છે.