અમેરિકન સેનેટમાં પાસ થયું ટ્રમ્પનું મહત્ત્વાકાંક્ષી 'વન બિગ બ્યૂટીફુલ બિલ', હવે શું કરશે મસ્ક?
US One Big Beautiful Bill : અમેરિકન સેનેટમાં મંગળવારે (1 જુલાઇ) રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મુખ્ય ખર્ચ બિલ પસાર થઇ ગયું છે. મતદાન 18 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. આ દરમિયાન, સેનેટરોએ લગભગ 1,000 પાનાના આ બિલમાં અનેક સુધારા રજૂ કર્યા અને ચર્ચા કરી હતી. ચર્ચા સમયે બિલના સમર્થન અને વિરોધમાં બરાબર મત પડ્યા હતા. છેવટે ઉપ-રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે નિર્ણાયક મત આપીને બિલ પસાર કર્યું. સેનેટમાં આ બિલ પસાર થતા અટકળો ચાલી રહી છે કે, ઇલોન મસ્ક હવે નવું રાજકીય પક્ષ બનાવીને ટ્રમ્પને ટક્કર આપશે.
ટેક્સ કટ અને સૈન્ય પર મોટો ખર્ચ
ટ્રમ્પે આ બિલને ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’ નામ આપ્યું છે. તેનો હેતુ તેમના પ્રથમ કાર્યકાળના 4.5 ટ્રિલિયન ડોલરના ટેક્સ કટને આગળ વધારવાનો છે. આ ઉપરાંત, સૈન્ય ખર્ચ વધારવા, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલની પ્રક્રિયા અને સરહદ સુરક્ષા માટે ભંડોળ પૂરું પાડવાની જોગવાઈ છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે બિલ
આ બિલ સેનેટમાં પાસ થઇ ગયું છે. જોકે, હવે તે અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે, જ્યાં કેટલાક રિપબ્લિકન સાંસદોએ પણ તેના પર ચિંતા વ્યક્ત કરી છે. બિલમાં એક પ્રસ્તાવ છે, જેના હેઠળ લગભગ 1 ટ્રિલિયન ડોલરની આરોગ્ય સંભાળ સબસિડી નાબૂદ કરવામાં આવશે, જે લાખો ગરીબ અમેરિકનોને અસર કરી શકે છે.
મસ્કે ધમકી આપી હતી
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે આ બિલ પર વાંધો વ્યક્ત કરતા ધમકી આપી હતી કે, ‘જો ટ્રમ્પનું 'બિગ બ્યુટીફુલ બિલ' પસાર થાય છે, તો તે એક નવી પાર્ટી બનાવશે. આપણા દેશને ડેમોક્રેટ-રિપબ્લિકન સિવાય વધુ વિકલ્પની જરૂર છે.’ બિલ સેનેટમાં પાસ થતા અટકળોએ જોર પકડ્યું છએ કે, મસ્ક હવે તેઓ નવું રાજકીય પક્ષ બનાવીને ટ્રમ્પને ટક્કર આપશે.
આ પણ વાંચોઃ એક ઑડિયો લીક થયો અને વડાપ્રધાનની ખુરશી ગઈ, જાણો થાઇલૅન્ડની અનોખી રાજકીય કહાની