Get The App

'PM મોદીને અમેરિકાથી ફોન આવ્યો હતો, પાકિસ્તાન મોટો હુમલો કરવાનું છે અને પછી...', એસ. જયશંકરનું મોટું નિવેદન

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
'PM મોદીને અમેરિકાથી ફોન આવ્યો હતો, પાકિસ્તાન મોટો હુમલો કરવાનું છે અને પછી...', એસ. જયશંકરનું મોટું નિવેદન 1 - image


Operation Sindoor: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને આર્થિક હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ હુમલાનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં પ્રવાસનને નુકસાન પહોંચાડવાનો હતો. જયશંકરે સ્પષ્ટ કહ્યું કે, ભારતને જો પરમાણુ હુમલાની ધમકી પણ આપવામાં આવે તો પણ પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર કાર્યવાહી અટકશે નહીં.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાને ફગાવ્યો

ન્યૂયોર્કમાં Newsweek સાથે વાતચીતમાં એસ. જયશંકરે જણાવ્યું કે, આ હુમલો માત્ર લોકોને ડરાવવા માટે નહીં, પરંતુ કાશ્મીરની કમાણીના સૌથી મોટા સ્ત્રોત ટુરિઝ્મને ખતમ કરવાના ઇરાદાથી કરાયો. વિદેશ મંત્રીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદનને ખોટું ગણાવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકાએ ભારત અને પાકિસ્તાન પર ટ્રેડ ડીલનું પ્રેશર બનાવીને સીઝફાયર કરાવ્યું.

જયશંકરે કહ્યું કે, હું ખુદ વડાપ્રધાન મોદીની સાથે હતો જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ફોન પર વાત કરી હતી. તે વાતચીતમાં ટ્રેડ ડીલનો કોઈ ઉલ્લેખ ન હતો. ભારત આતંકવાદ વિરૂદ્ધ અડગ રહેશે અને કોઈપણ ધમકી કે પ્રેશર અમે રોકી નથી શકતા.


વિદેશ મંત્રીએ કરી સ્પષ્ટતા

વિદેશ મંત્રીએ મોટી સ્પષ્ટતા કરતા કહ્યું કે, '9 મે, 2025ની રાત્રે જ્યારે પાકિસ્તાને ભારત પર મોટા હુમલાની ચેતવણી આપી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈપણ પ્રેશર કે ડરને નજરઅંદાજ કરતા કડક વલણ અપનાવ્યું. હું તે રૂમમાં હતો જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વડાપ્રધાન મોદી સાથે વાત કરી અને જણાવ્યું કે પાકિસ્તાન ભારત પર ખુબ મોટો હુમલો કરવાનું છે, પરંતુ અમે કેટલીક શરતો માનવાથી ઇનકાર કરી દીધો અને વડાપ્રધાને પાકિસ્તાનની ધમકીઓની બિલકુલ ચિંતા ન કરી. તેના વિપરિત વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપ્યા કે ભારત તરફથી જવાબ જરૂર આપવામાં આવશે. પાકિસ્તાને હકિકતમાં તે રાત્રે ભારત પર મોટો હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ તુરંત જડબાતોડ જવાબ આપ્યો.'

પાકિસ્તાનના સીઝફાયર પ્રસ્તાવ પર શું બોલ્યા એસ.જયશંકર?

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાની સાથે થયેલી વાતચીત અને પાકિસ્તાનના સીઝફાયર પ્રસ્તાવને લઈને પણ મોટું નિવેદન આપ્યું. ન્યૂયોર્કમાં ન્યૂઝવીકના સીઈઓ દેવ પ્રગડ સાથે Fireside Chatમાં જયશંકરે જણાવ્યું કે, 'ભારત પર પાકિસ્તાનના આતંકવાદી હુમલા બાદ ભારતની પ્રતિક્રિયા પૂર્ણ રીતે આત્મનિર્ભર અને જડબાતોડ હતી.'

10 મેના રોજ શું થયું હતું?

તેમણે જણાવ્યું કે, '10 મેના રોજ સવારે તેમની અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાતચીત થઈ, જેમાં રૂબિયોએ કહ્યું કે, પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે. તે દિવસે બપોરે પાકિસ્તાનના DGMO મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ સીધા ભારતના DGMO લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘઈને ફોન કરીને સીઝફાયરની અપીલ કરી.'

વિદેશ મંત્રીએ એપ્રિલ 22ના રોજ થયેલા પહલગામ આતંકવાદી હુમલાને લઈને કહ્યું કે, 'આ એક આર્થિક યુદ્ધ જેવું હતું, જેનો ઉદ્દેશ્ય કાશ્મીરની અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ ટુરિઝ્મને તોડવાનો હતો. સાથે જ લોકોને તેમની આસ્થા પૂછીને હત્યા કરવી ધાર્મિક હિંસાને ભડકાવવાનો પ્રયાસ હતો. વર્ષોથી પાકિસ્તાન તરફથી આતંકવાદનો સિલસિલો ચાલતો આવી રહ્યો છે પરંતુ આ વખતે દેશની ભાવના હતી કે હવે બઉં થઈ ગયું.'

ટ્રમ્પે સીઝફાયરને લઈને કર્યો દાવો

ટ્રમ્પે ગત બુધવારે ધ હેગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'મેં કેટલાક ટ્રેડ કોલ્સ કરીને આ વિવાદને રોક્યો. જો તમે લડતા રહેશો તો અમે કોઈ ટ્રેડ ડીલ નહીં કરીએ. ભારત અને પાકિસ્તાન બંનેએ જવાબ આપ્યો કે તમારે તો ટ્રેડ ડીલ કરવાની જ છે. જેના પર પ્રતિક્રિયા આપતા જયશંકરે સ્પષ્ટ કર્યું કે, 'ભારતે ક્યારે પણ વેપારને કૂટનીતિ સાથે જોડ્યો નથી. આ બે અલગ-અલગ પ્રક્રિયા છે અને ટ્રમ્પના દાવામાં સચ્ચાઈ નથી.'

Tags :