Get The App

ટ્રમ્પની મજબૂરી ! ચીન પર ભારત જેવો ટેરિફ ઝિંકશે તો... જે. ડી. વેન્સે ડ્રેગન પર ટેરિફ મામલે કર્યો મોટો ખુલાસો

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની મજબૂરી ! ચીન પર ભારત જેવો ટેરિફ ઝિંકશે તો... જે. ડી. વેન્સે ડ્રેગન પર ટેરિફ મામલે કર્યો મોટો ખુલાસો 1 - image


US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનો ઉપયોગ હથિયારની જેમ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. વાસ્તવમાં ટ્રમ્પને રશિયાથી વાંધો છે, તેથી જ તેમણે રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદનાર ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યો છે. ટ્રમ્પનો આક્ષેપ છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને તેને ગ્લોબલ માર્કેટમાં વેચી મોટો નફો મેળવી રહ્યો છે.

ચીન પણ રશિયા પાસેથી ખરીદે છે ક્રૂડ ઓઇલ

ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદનાર ભારત પર ભારે ટેરિફ ઝિંક્યો છે, જોકે ચીન પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે, તો શું તેઓ ભારત જેવો ટેરિફ ચીન પર ઝિંકશે? પીટીઆઇના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે હજુ સુધી ચીન પર ભારત જેવો ટેરિફ લાદવાની કોઈ જાહેરાત કરી નથી, હજુ સુધી તેમણે આ મામલે કોઈ નિર્ણય લીધો નથી. તેથી શું આમ ન કરવાનું કારણ ટ્રમ્પની કોઈ મજબૂરી છે ? જો તેઓ ભારત જેવો ટેરિફ ચીન પર ઝિંકવા માંગતા નથી, તો તેની પાછળના કારણો શું છે ? હવે આ મામલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે જવાબ આપ્યો છે.

....તો અમેરિકા-ચીનના સંબંધોને થશે અસર

ચીન પર ભારત જેવો ટેરિફ ન ઝિંકવા મામલે જે. ડી. વેન્સ(Vice President JD Vance)નું કહેવું છે કે, જો અમેરિકા ચીન પર ટેરિફ ઝિંકશે તો અનેક ઉત્પાદનોને અસર થઈ શકે છે. તેમણે કહ્યું કે, ‘ચીન પર ભારત જેવો ટેરિફ ઝિંકવા મામલે હજુ સુધી કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી, કારણ કે બીજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો અનેક ઉત્પાદનોને અસર કરી શકે છે અને તે ઉત્પાદનોનું રશિયા સાથે કોઈ લેવા દેવા નથી. ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ચીન પર ટેરિફ ઝિંકવા મામલે વિચારી રહ્યા છે, જોકે હજુ સુધી તેમણે કોઈ નક્કર નિર્ણય લીધો નથી.’

ચીનનો મુદ્દો ખૂબ મુશ્કેલ : જે. ડી. વેન્સ

જ્યારે વેન્સને એમ પૂછવામાં આવ્યું કે, શું અમેરિકાએ ભારત પર જેવો ટેરિફ ઝિંક્યો છે, તેવો ચીન પર પણ લાદશે? તો વેન્સે સ્પષ્ટ કહ્યું કે, ‘ચીનનો મુદ્દો ખૂબ મુશ્કેલ છે, કારણ કે ચીન સાથેના અમારા સારા સંબંધો છે, તેથી અનેક ઉત્પાદનોને અસર થઈ શકે છે અને તેનું રશિયા સાથે કોઈ લેવા-દેવા નથી. ટ્રમ્પ પોતાના વિકલ્પો અંગે સમીક્ષા કરી રહ્યા છે અને નિશ્ચિત તેઓ જ્યારે નિર્ણય લેશે, ત્યારે આવું કરશે.’

આ પણ વાંચો : 'મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન...', આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યું

ભારત પર 50 ટકા ટેરિફ

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) શરુઆતમાં ભારત 25 ટકા ટેરિફ લાદ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો ગુસ્સો ઠાલવી ભારત પર વધુ 25 ટકા ટેરિફ ઝિંકવાનો નિર્ણય લીધો હતો. આમ અમેરિકા દ્વારા ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકવામાં આવ્યો છે. ટ્રમ્પે જે વધારાનો 25 ટકા ટેરિફ ઝિંક્યો છે, તે 27 ઑગસ્ટથી લાગુ થશે.

ટ્રમ્પે ચીનને 90 દિવસની આપેલી રાહત ખતમ

ભારતે ટ્રમ્પના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ટ્રમ્પે ભારત જે ટેરિફ ઝિંક્યો છે, તે પગલું તદ્દન દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતે ટ્રમ્પને જવાબ આપતાં એમ પણ કહ્યું કે, ભારત રાષ્ટ્ર હિતોની રક્ષા કરવા માટે તમામ જરૂરી પગલાં ભરશે. ચીનને વાત કરીએ તો અમેરિકાએ પહેલેથી જ ચીન પર 30 ટકા ટેરિફ ઝિંકેલો છે. આ મામલે બંને દેશો વચ્ચે મે મહિનામાં વાતચીત થઈ હતી, જેમાં વચ્ચેનો રસ્તો કાઢી 90 દિવસની રાહત આપવામાં આવી હતી અને આ રાહત 12 ઑગસ્ટે પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ ચીન પર ટેરિફ ઝિંકવા મામલે વહેલી તકે મોટી જાહેરાત કરી શકે છે. બીજી તરફ ટ્રમ્પના ટેરિફ વૉર બાદ ભારત-રશિયા-ચીન એકબીજાની નજીક આવી રહ્યા છે, તેથી શું હવે ટ્રમ્પ ચીનને રાહત આપશે કે પછી ભારતની જેમ તેના પર ભારે ટેરિફ ઝિંકશે?

આ પણ વાંચો : ઈઝરાયલને મોટો ઝટકો, વધુ બે મોટા દેશ પેલેસ્ટાઈનને માન્યતા આપવા તૈયાર

Tags :