Two Countries Ban Americans Entry: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રમુખ બનતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. ટ્રમ્પ પ્રશાસને 39 દેશોના નાગરિકો પર એન્ટ્રી બેન અને કડક નિયમો લાદતા હવે વિશ્વ સ્તરે તેના પડઘા પડવાનું શરુ થયું છે. ટ્રમ્પના આ આકરા નિર્ણયના જવાબમાં બે આફ્રિકન દેશોએ પણ અમેરિકન નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ટ્રમ્પને મળ્યો જડબાતોડ જવાબ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈમિગ્રેશન પોલિસીના કડક નિર્ણયો સામે હવે અન્ય દેશોએ 'જેવા સાથે તેવા'ની નીતિ અપનાવી છે. બુર્કિના ફાસો અને માલીએ જાહેરાત કરી છે કે તેઓ હવે તેમના દેશમાં અમેરિકન નાગરિકોને પ્રવેશવા દેશે નહીં.
કેમ લેવાયો આ નિર્ણય?
ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં 39 દેશોના નાગરિકો પર પ્રવાસ પ્રતિબંધો લાદ્યા છે. આ યાદીમાં સૌથી વધુ 25 દેશો તો માત્ર આફ્રિકાના છે. આના વિરોધમાં બુર્કિના ફાસોના વિદેશ મંત્રી કરામાઓ જીન મેરી ત્રાઓરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 'અમે અમેરિકન નાગરિકો માટે એ જ નિયમો લાગુ કરીશું જે અમેરિકાએ અમારા નાગરિકો માટે કર્યા છે.'
માલીના વિદેશ મંત્રાલયે પણ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'અમેરિકાએ આટલો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કોઈ પરામર્શ કર્યો નથી, જે ખેદજનક છે.'
ફીફા વર્લ્ડ કપ પર જોખમ?
આ પ્રતિબંધોની સૌથી વધુ ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે ટ્રમ્પના 'બેન લિસ્ટ'માં એવા દેશો પણ સામેલ છે જે આગામી ફીફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા છે. આ વર્લ્ડ કપ અમેરિકા અને કેનેડામાં યોજાવાનો છે. ટ્રમ્પ પ્રશાસને એવું તો કહ્યું છે કે ખેલાડીઓને પ્રવેશ અપાશે, પરંતુ ફૂટબોલ ચાહકોના પ્રવેશ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે.
આ પણ વાંચો: જર્મનીમાં 'ઓસન્સ 11' ને પણ પાછળ છોડી દે તેવી રૂ. 316 કરોડની લૂંટ, કેમ ફાવી ગયા લૂંટારુઓ?
કયા દેશો પર ટ્રમ્પની ગાજ પડી?
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીનું કારણ આપીને ઈમિગ્રેશન નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. આ નવા જાહેરનામા મુજબ, જે દેશોમાં સુરક્ષા ચકાસણી અને માહિતીનું આદાન-પ્રદાન નબળું છે, તેવા કુલ 39 દેશો પર પ્રવાસ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ યાદીમાં સીરિયા, પેલેસ્ટાઇન, નાઈજર, સિએરા લિયોન અને દક્ષિણ સુદાન જેવા આર્થિક રીતે નબળા દેશોના નાગરિકો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તેમને કોઈપણ પ્રકારના વિઝા આપવામાં આવશે નહીં. બીજી તરફ, સેનેગલ અને આઇવરી કોસ્ટ જેવા દેશો પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે, જેમાં પ્રવાસન અને વિદ્યાર્થી વિઝા જેવી અમુક શ્રેણીઓ પર નિયંત્રણો રહેશે. ટ્રમ્પના આ આકરા વલણને કારણે આફ્રિકન અને પશ્ચિમ એશિયાના દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


