Russia Ukraine War: યુક્રેન રશિયા યુદ્ધને અંત લાવવા ભારત સહિત દુનિયાના અનેક દેશો પ્રત્યન કરી રહ્યા છે, તેવામાં કૂટનૈતિક કોશિશો વચ્ચે રશિયાએ ફરી શક્તિ પ્રદર્શન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા કિવ પર મોટો સૈન્ય હુમલો કર્યો છે.
મિસાઇલનો મારો, ડ્રોન છોડ્યા
યુક્રેનની રાજધાની કિવ પર 27 ડિસેમ્બરની રાત્રે મોટી માત્રામાં મિસાઇલનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ડ્રોન હુમલા પણ કરવામાં આવ્યા છે. જેનાથી કિવ હચમચી ગયું છે. આ એટેક એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે શાંતિ વાર્તા માટે બેઠક કરવાના છે.
અનેક વિસ્તારમાં અંધારપટ
કિવ ઇન્ડિપેન્ડન્ટના રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે રશિયાએ કિવ પર બેલિસ્ટિક મિસાઇલથી ઘાતક હુમલો કર્યો છે, રશિયાએ કિંઝાલ હાઇપરસોનિક મિસાઇલ, ચાર ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલ અને અનેક કૈલિબ ક્રુઝ મિસાઇલ દાગવામાં આવી હતી. રાજધાની કિવ ઉપરાંત કિવ ઓબ્લાસ્ટ વિસ્તારમાં પણ ધડાકાના અવાજો સંભળાયા છે. કિવથી લગભગ 20 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં સ્થિત બ્રાવરી શહેરમાં હુમલાઓના કારણે વીજ લાઇનમાં ખામી સર્જાઈ હતી જેને કારણે અંધારપટ છવાયો છે.
સુરક્ષિત સ્થાને ખસી જવા અપીલ
કિવના મેયરે એક પોસ્ટ કરીને હુમલાઓની પુષ્ટિ કરી છે અને લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા અપીલ કરી છે. તેમણે લખ્યું હતું કે રાજધાનીમાં વિસ્ફોટ, એર ડિફેન્સ સિસ્ટમ કામ કરી રહ્યું છે, તમામ લોકો શેલ્ટરમાં રહે, આ સિવાય યુક્રેની વાયુસેનાએ પણ આપતકાળની ચેતવણીઓ જાહેર કરી, વાયુસેના મુજબ કિવ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન દ્વારા હુમલો થઈ શકે, શહેર પર ડ્રોન મંડરાઈ રહ્યા છે. તે ઉપરાંત કિવ ક્ષેત્રના વેલિકા ડિમેરકા અને પેરેયાસ્લાવ ગામના પશ્ચિમી વિસ્તારોમાં ડ્રોનની ગતિવિધિ દેખાઈ છે. જે દક્ષિણ તરફ વધી રહ્યા છે.
આવતીકાલે ટ્રમ્પ-ઝેલેન્સ્કી મળશે
મહત્ત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે ફ્લોરિડામાં રવિવાર(28 ડિસેમ્બર)ના રોજ મોટી બેઠક યોજાવવાની છે, જેમાં ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરવાની ભૂમિકામાં છે. આ અંગે ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તાત્કાલિક કોઈ કરારની આશાઓ ન રાખી શકાય, વાતચીત સમાધાનની દિશામાં આગળ વધશે.


