ટ્રમ્પે ભારતના દુશ્મન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- શું ખબર એક દિવસ ભારત એની પાસેથી ઓઇલ ખરીદે
US-Pakistan Trade Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમે પાકિસ્તાન સાથે વેપાર કરાર કરી લીધો છે. આ સાથે જ સાઉથ કોરિયાથી અમેરિકા આવતા સામાન પર 15% ટેરિફ લગાવવામાં આવશે. જોકે, અમેરિકન ઉત્પાદનો પર કોઈ ટેક્સ નહીં લાગે.' નોંધનીય છે કે, આ જાણકારી ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે.
ટ્રમ્પે લખ્યું કે, 'અમે વ્હાઇટ હાઉસમાં વેપાર કરાર પર કામ કરવામાં વ્યસ્ત છીએ. મેં અનેક દેશના નેતાઓ સાથે વાત કરી છે, જે અમેરિકાને ખૂબ ખુશ કરવા ઈચ્છે છે. મેં આજે દક્ષિણ કોરિયાના વેપાર પ્રતિનિધિમંડળની પણ મુલાકાત લીધી.'
દક્ષિણ કોરિયા અમેરિકામાં 350 અબજ ડૉલરનું રોકાણ કરશે
ત્યારબાદ ટ્રમ્પે સાઉથ કોરિયા સાથે એક પૂર્ણ અને વ્યાપાક વેપાર કરારની જાહેરાત કરી. ટ્રમ્પના જણાવ્યાનુસાર, આ કરાર હેઠળ દક્ષિણ કોરિયા અમેરિકામાં 350 અબજ ડોલરનું રોકાણ કરશે, જેને અમેરિકન પ્રમુખ ખુદ પસંદ કરશે અને નિયંત્રિત પણ કરશે. આ સિવાય દક્ષિણ કોરિયા 100 અબજ ડોલરનું એલએનજી (તરલ પ્રાકૃતિક ગેસ) અથવા અન્ય ઊર્જા ઉત્પાદન અમેરિકા પાસેથી ખરીદશે.
એક અઠવાડિયામાં કરાશે જાહેરાત
ટ્રમ્પે જણાવ્યું કે, 'દક્ષિણ કોરિયા પોતાની જરૂરિયાત માટે એક મોટી રકમનું વધારાનું રોકાણ પણ કરશે, જેની જાહેરાત આ અઠવાડિયામાં જ્યારે કોરિયાના પ્રમુખ લી જે માયંગ વ્હાઇટ હાઉસની દ્વિપક્ષીય યાત્રા કરશે ત્યારે કરવામાં આવશે.'
આ કરારમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે, સાઉથ કોરિયા અમેરિકન ઉત્પાદનો જેમ કે, કાર, ટ્રક, કૃષિ ઉત્પાદન વગેરે માટે સંપૂર્ણ રીતે ખુલશે. સાઉથ કોરિયાથી અમેરિકામાં આવતા સામાન પર 15% ટેરિફ લગાવવામાં આવશે. જોકે, અમેરિકન ઉત્પાદનો પર કોઈ ટેક્સ નહીં લાગે.
પાકિસ્તાન સાથે કર્યો કરાર
ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, 'અમેરિકાએ પાકિસ્તાન સાથે એક નવો કરાર કર્યો છે, જે હેઠળ બંને દેશો પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. આ ભાગીદારીને આગળ વધારવા માટે એક તેલ કંપનીની પસંદગી કરવામાં આવી રહી છે. ટ્રમ્પે કહ્યું, 'કોણ જાણે, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચતું હશે'.
'અમેરિકાની વેપાર ખાધ મોટા પાયે ઘટશે'
આ સાથે, ટ્રમ્પે વધુમાં કહ્યું કે અન્ય દેશો પણ ટેરિફ મુક્તિ મેળવવા માટે દરખાસ્તો કરી રહ્યા છે, જેનાથી અમેરિકાની વેપાર ખાધ મોટા પાયે ઘટશે. આ સમગ્ર વેપાર પ્રયાસ પર એક વિગતવાર અહેવાલ યોગ્ય સમયે બહાર પાડવામાં આવશે.
નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતને અમેરિકન વેપાર નીતિમાં એક નવા આક્રમક અને સોદાબાજી વલણ તરીકે જોવામાં આવી રહી છે, જે તેમના MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) એજન્ડા સાથે સુસંગત છે.
ટ્રમ્પનો BRICS દેશો પર સીધો પ્રહાર
ટ્રમ્પે ભારત સાથે વેપાર અને રાજદ્વારી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા હાલમાં ભારત સાથે વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે, પરંતુ ભારતનું બ્રિક્સ સભ્યપદ અને ઊંચા ટેરિફ તેને જટિલ બનાવી રહ્યા છે. બ્રિક્સ એવા દેશોનો સમૂહ છે જે અમેરિકાની વિરુદ્ધ છે અને ભારત પણ તેનો એક ભાગ છે. આ ડૉલર પર હુમલો છે અને અમે કોઈને ડૉલર પર હુમલો કરવા દઈશું નહીં.
'ભારતનો ટેરિફ વિશ્વમાં સૌથી વધુ'
ટ્રમ્પે એમ પણ કહ્યું કે, 'અમેરિકા અને ભારત વચ્ચે વેપાર ક્ષેત્રે અસંતુલન છે. ભારત સાથે વેપાર કરવામાં બહુ મોટી ખાધ છે. વડાપ્રધાન મોદી મારા મિત્ર છે, પરંતુ ભારત અમારી સાથે ખૂબ જ ઓછો વેપાર કરે છે. ભારતનો ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે.'