25% ટેરિફ ઝીંકવા છતાં હજુ ભારત સાથે વાતચીત ચાલુ, પરંતુ BRICSનો સભ્ય બનવા બદલ પેનલ્ટી તો થશે : ટ્રમ્પ
Trump on Tariff: અમેરિકાએ ફરી એકવાર ભારત પર 25% ટેરિફ ઝીંક્યો છે. 30 જુલાઈના રોજ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.'
મોદી મારા મિત્ર, પણ ભારત વેપારમાં સહયોગ નથી કરતું: ટ્રમ્પ
ત્યારબાદ હવે ભારત પર ટેરિફ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પણ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, મોદી મારા મિત્ર છે. પણ ભારત વેપારમાં સહયોગ નથી કરતું. ભારત ઘણું બધું વેચે છે પરંતુ ખરીદતું નથી. ભારત સૌથી વધુ ટેરિફ લગાવનારો દેશ છે. ભારત સાથે ડીલના પ્રયાસો ચાલી રહ્યા છે. અઠવાડિયાના અંત સુધીમાં નિર્ણય આવી જશે. અમેરિકા વિરોધી જૂથ બ્રિક્સમાં ભારત પણ સામેલ છે. અમે ડોલર પર હુમલો નહીં થવા દઈએ. હજુ ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. જોઈએ શું થાય છે.
ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર આકરાં પગલાં ભરશે. ભારતે કહ્યું કે, 'સરકારે આપણા ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના કલ્યાણની રક્ષા અને સંવર્ધનને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સરકારે આપણા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે, જેમ કે બ્રિટન સાથે આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય કરાર મુદ્દે કર્યું છે.'
અમેરિકા શું ઇચ્છે છે?
અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો અને આનુવંશિક રીતે સુધારેલા પાક માટે બજારો ખોલવા અને તેમના પરના ટેરિફ ઘટાડવાની માગ કરી રહ્યું છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત આ ક્ષેત્રોમાં 100 ટકા સુધી ટેરિફ દૂર કરે અથવા ઘટાડે. ભારત આ માટે સંમત નથી. ભારત સંમત ન થવાનું કારણ એ છે કે ભારતમાં વસ્તીનો મોટો વર્ગ આનાથી પ્રભાવિત થશે. ખાસ કરીને નાના ખેડૂતો આનાથી પ્રભાવિત થઈ શકે છે.