અમેરિકા-પાકિસ્તાન વચ્ચે શું રંધાઈ રહ્યું છે? આજે ટ્રમ્પ-શાહબાઝની વન-ટુ-વન મીટિંગ
Donald Trump Shehbaz Sharif Meeting: ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીએ રોયટર્સને જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે તાજેતરમાં જ વોશિંગ્ટન અને પાકિસ્તાને એક વેપારી સમજૂતીની જાહેરાત કરી, જે બંને દેશોના સંબંધોમાં વધેલી નિકટતાનું સૂચક છે.
ટ્રમ્પની પાકિસ્તાન તરફી નીતિ: ભારત-અમેરિકાના સંબંધોમાં તણાવ
ટ્રમ્પના સમયગાળા દરમિયાન, અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો એક નવી દિશામાં આગળ વધી રહ્યા છે, કારણ કે ટ્રમ્પ વોશિંગ્ટનની દક્ષિણ એશિયા નીતિને પુનઃસંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાંબા સમયથી, અમેરિકાની વ્યૂહરચના ચીનનો સામનો કરવા માટે ભારત સાથે ગાઢ સંબંધો પર કેન્દ્રિત હતી. પરંતુ, તાજેતરમાં ટેરિફ, વિઝા અને ટ્રમ્પના વિવાદાસ્પદ દાવાઓ (જેમ કે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવાનો દાવો)ને કારણે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે.
પાકિસ્તાન-અમેરિકાના સંબંધોમાં નવો વળાંક અને ભારત પર તેની અસર
અમેરિકા અને પાકિસ્તાનના આર્થિક સંબંધોમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 31 જુલાઈના રોજ એક વેપારી સમજૂતી થઈ, જેમાં વોશિંગ્ટને 19% ટેરિફ દર નક્કી કર્યો. આનાથી વિપરીત, ભારત સાથેની વેપારી સમજૂતી હજી અટકેલી છે. વિશ્લેષકોના મતે, આ બદલાતા સમીકરણને લીધે ભારત હવે ચીન સાથેના સંબંધોનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યું છે. ટ્રમ્પ પહેલેથી જ પાકિસ્તાન સાથેના સંબંધોને આપેલા મહત્ત્વ વિશે સ્પષ્ટ કરી ચૂક્યા છે. મંગળવારે, શરીફે ટ્રમ્પ અને મુસ્લિમ બહુલ દેશોના નેતાઓની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના sidelinesમાં થયેલી બેઠકમાં પણ ભાગ લીધો હતો, જ્યાં ટ્રમ્પે ગાઝામાં ઇઝરાયલના હુમલા અંગેના કેટલાક પ્રસ્તાવોની ચર્ચા કરી હતી.
ટ્રમ્પ-પાકિસ્તાન સંબંધો: વ્યૂહાત્મક મુલાકાતો અને નોબેલ પુરસ્કારનું સમર્થન
આ વર્ષની શરૂઆતમાં, ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને મળ્યા હતા. આવી મુલાકાત દુર્લભ છે, કારણ કે અમેરિકન પ્રમુખ ભાગ્યે જ કોઈ વરિષ્ઠ સિવિલિયન અધિકારી વિના પાકિસ્તાની સૈન્ય નેતા સાથે આટલી સીધી મુલાકાત કરે છે.
આ પણ વાંચો: વ્હાઈટ હાઉસમાં બાઈડેનનું અપમાન, ટ્રમ્પે પૂર્વ પ્રમુખની તસવીરની જગ્યાએ જુઓ શું લગાવ્યું
ઇસ્લામાબાદે ખુલ્લેઆમ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે સમર્થન આપ્યું છે, કારણ કે પાકિસ્તાન માને છે કે ભારત-પાકિસ્તાન તણાવ ઘટાડવામાં ટ્રમ્પના પ્રયાસો મહત્ત્વપૂર્ણ હતા. જોકે, પાકિસ્તાને ગાઝા સંઘર્ષમાં ઇઝરાયલને મળતા અમેરિકી સમર્થનની પણ આકરી ટીકા કરી છે.