Get The App

ઓસામા બિન લાદેન મુદ્દે પણ શ્રેય લેવા ટ્રમ્પનો પ્રયાસ, કહ્યું- મેં તો હુમલાના વર્ષ પહેલા જ ચેતવણી આપી હતી

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
Donald Trump

Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓસામા બિન લાદેન અંગે એક નવો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, '9/11ના હુમલાના બરાબર એક વર્ષ પહેલાં તેમણે તત્કાલીન અમેરિકન સરકારને ઓસામા બિન લાદેન વિશે ચેતવણી આપી હતી, પરંતુ સરકારે તેના પર ધ્યાન ન આપ્યું.' તાજેતરના યુદ્ધો રોકવાનો શ્રેય લેતાં ફરતાં ટ્રમ્પ અહીં પણ કટાક્ષ કરવાનું ચૂક્યા નહીં. તેમણે કહ્યું કે, 'જ્યારે કોઈ તમને ક્રેડિટ આપતું નથી, તો તમે તે જાતે જ લઈ લો.'

ટ્રમ્પનો 9/11 પહેલાં ચેતવણીનો દાવો

વર્જિનિયાના નોરફોકમાં અમેરિકી નેવીની 250મી વર્ષગાંઠ પર લોકોને સંબોધિત કરતાં ટ્રમ્પે આતંકી જૂથ અલ-કાયદાના પૂર્વ પ્રમુખનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, 'કૃપા કરીને બધા લોકો યાદ રાખે, મેં હુમલાના બરાબર એક વર્ષ પહેલાં ઓસામા બિન લાદેન વિશે લખ્યું હતું. મેં કહ્યું હતું કે, તમારે (અમેરિકી સરકારે) ઓસામા બિન લાદેન પર નજર રાખવી પડશે.'

ટ્રમ્પ અહીં જ ન અટક્યા, તેમણે કહ્યું કે, 'જો મેં લાદેન વિશે જે નિવેદન આપ્યું છે, તે સાચું નહીં હોય તો કાલે જ 'ફેક ન્યૂઝ' બની જશે. તેથી હું અહીં સાચું જ બોલી રહ્યો છું.'

ટ્રમ્પે પોતાની વાતને આગળ વધારતાં કહ્યું કે, 'મેં લખ્યું હતું કે, મેં ઓસામા બિન લાદેન નામના વ્યક્તિ વિશે સાંભળ્યું અને તેને જોયો છે. મને તે પસંદ ન આવ્યો, તમારે તેનું ધ્યાન રાખવું પડશે. ખેર, તેમણે એવું ન કર્યું... પણ મારે આનો થોડો શ્રેય તો લેવો પડશે, કારણ કે બીજું કોઈ મને આ શ્રેય આપશે નહીં.'

લાદેન વિશે ટ્રમ્પે શું લખ્યું હતું?

ડોનાલ્ડ ટ્રમ્પ અહીં સંભવિતપણે તેમની 2000માં પ્રકાશિત થયેલી પુસ્તક 'ધ અમેરિકા વી ડિઝર્વ'નો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ પુસ્તકમાં ટ્રમ્પે ઓસામા બિન લાદેન વિશે લખ્યું હતું. જોકે, તેમણે ખરેખર અમેરિકાની તત્કાલીન સરકારને ચેતવણી આપી હતી કે નહીં, તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.

આ પુસ્તકમાં ટ્રમ્પે તે સમયની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ રજૂ કરી હતી. તેમણે લખ્યું હતું, 'આપણે આ સમયે કોઈ એક સંકટનો સામનો નથી કરી રહ્યા, પરંતુ ઘણાં નાના સંકટો અને ટકરાવોનો સામનો કરી રહ્યા છીએ. આપણે અત્યારે ચેસની રમત સમાપ્ત કરવા માટે ચેસ નથી રમી રહ્યા, પરંતુ આપણે ઘણાં દુશ્મનો સાથે એકસાથે ચેસ રમી રહ્યા છીએ. એક દિવસ આપણને ખાતરી થાય છે કે ઇરાક આપણા નિયંત્રણમાં છે, યુએન પોતાનું કામ બરાબર કરી રહ્યું છે, બધું ઠીક છે, પરંતુ પછીના જ દિવસે ફરીથી બોમ્બમારા શરુ થઈ જાય છે.'

આ પછી લાદેનનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે લખ્યું, 'એક દિવસ આપણને કહેવામાં આવે છે કે ઓસામા બિન લાદેન નામનો એક શંકાસ્પદ વ્યક્તિ છે. તેનું કોઈ નિશ્ચિત સરનામું નથી. તે જનતાનો નંબર વન દુશ્મન છે. આપણને ખબર પડે છે કે આપણા જેટ વિમાનોએ અમેરિકામાં તેના શિબિરોને તોડી પાડ્યા છે, પણ તે બચી ગયો. તે કોઈ પથ્થર પાછળ છુપાઈ જાય છે અને આપણને ફરી એક નવા દુશ્મનનો સામનો કરવો પડે છે.'

આ પણ વાંચો: ટેરિફ કોરોના કરતા પણ ઘાતક, ભારતને સૌથી વધુ અસર કરશે... અગ્રણી અર્થશાસ્ત્રીની ચેતવણી

લાદેન પાકિસ્તાનમાં માર્યો ગયો હતો

મે 2011માં અમેરિકી નેવી સીલે એક ઓપરેશનમાં લાદેનને ઠાર કર્યો હતો, જે પાકિસ્તાનના એબટાબાદમાં એક મકાનમાં છુપાયેલો હતો. આ કાર્યવાહી તત્કાલિન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં કરવામાં આવી હતી.

પૂર્વ પ્રમુખ જો બાઇડનના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વાપસીના ટીકાકાર રહેલા ટ્રમ્પે એવું પણ કહ્યું કે, 'અમેરિકા અફઘાનિસ્તાનમાં સરળતાથી જીતી જાત. અમે દરેક યુદ્ધ સરળતાથી જીતી શક્યા હોત.' 

ઓસામા બિન લાદેન મુદ્દે પણ શ્રેય લેવા ટ્રમ્પનો પ્રયાસ, કહ્યું- મેં તો હુમલાના વર્ષ પહેલા જ ચેતવણી આપી હતી 2 - image