ટેરિફ કોરોના કરતાં પણ ઘાતક, ભારતને સૌથી વધુ અસર કરશે... અગ્રણી અર્થશાસ્ત્રીની ચેતવણી

Trump Tariffs Impact on India: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાદવામાં આવેલો ટેરિફ કોરોના મહામારી કરતાં પણ વધુ ખતરનાક હોવાનો દાવો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક(AIIB)ના મુખ્ય અર્થશાસ્ત્રી બર્ગલોફે કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાનો ટેરિફ કોરોના મહામારી કે વૈશ્વિક નાણાકીય સંકટ કરતાં પણ વધુ અનિશ્ચિતતા સર્જનારો છે.
એરિક બર્ગલોફે એક મીડિયા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, ટેરિફના કારણે વિશ્વભરમાં મોટાપાયે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. દરેક દેશમાં તેની અસર થઈ છે. દુર્ભાગ્યવશ ભારતમાં તેની સૌથી વધુ અસર થઈ છે. આ નીતિગત અનિશ્ચિતતા અગાઉ ક્યારે જોવા મળી નથી. તે કોવિડ મહામારી અને વૈશ્વિક નાણાકીય સંકટ કરતાં પણ વધુ જોખમી છે.
રોકાણ-વેપાર ખર્ચ વધશે
તેમણે કહ્યું કે, તેનાથી રોકાણ અને વેપાર પર ખર્ચ વધશે. આર્થિક વિકાસ પર પણ મોટી અસર થશે. અમુક સ્તરે અનિશ્ચિતતામાં ઘટાડો થઈ રહ્યો છે, પણ તેની અસર હજુ ચાલુ રહેશે. અંદાજ લગાવવો મુશ્કેલ છે કે, અમેરિકા અને ચીન વચ્ચે કેવા સંબંધો રહેશે. એક વાત સ્પષ્ટ છે કે, વિશ્વભરમાં ટેરિફનું સ્તર અનેકગણું વધશે.
ચીન આ ટેરિફનો સામનો કરવા સજ્જ
એરિક બર્ગલોફે આગળ જણાવ્યું કે, અમેરિકાના ટેરિફનો સામનો કરવા માટે ચીન સરકાર સજ્જ હતી. ચીન અમુક ક્ષેત્રોમાં અન્ય કરતાં અનેકગણી તાકાત ધરાવે છે. આ તાકાતે ટેરિફને સંતુલિત કરવામાં મદદ કરી છે. અમુક લોકો ચીનને સપ્લાય ચેઇનમાંથી બહાર ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેનો ચીને આક્રમક વિરોધ કર્યો છે. ચીન પ્લસ વન પેટર્નના કારણે ચીન સતત સુનિશ્ચિત કરે છે કે, અમેરિકા અને જુદા-જુદા દેશોની વચ્ચે દ્વિપક્ષીય વેપારની અસર ચીન પર ન થાય. ચીન પ્લસ વન નીતિ અર્થાત્ કંપનીઓ ચીનની સાથે સાથે અન્ય કોઈ દેશમાં પણ ઉત્પાદન કરી રહી હોય.
ભારતને કેટલો થશે લાભ?
બર્ગલોફના મતે, ભારતને ટેરિફનો અમુક મહત્ત્વપૂર્ણ હિસ્સામાં ફાયદો થયો છે. એપ્પલ અને ફોક્સકોન જેવી અનેક કંપનીઓ ભારતમાં પ્રવેશી છે. ભારત એક વિશાળ અને ઝડપથી વૃદ્ધિ પામતું માર્કેટ છે. આથી ભારતીય અને વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા ઉત્સુક રહે છે. અપેક્ષા છે કે, ભારત ખાસ કરીને એશિયામાં વધુ એકીકૃત બનશે, ખેડૂતો અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા જાળવતાં ભારતને આગામી સમયમાં અનેક લાભ મળવાની અપેક્ષા છે. જો કે, ભારતને અમેરિકાનો વિકલ્પ નહીં મળે તો લાંબા ગાળે તેની નિકાસ પર અસર થવાની ભીતિ છે.


 
