ટ્રમ્પે ફરી પલટી મારી: જાપાન પર 25થી ઘટાડી 15 ટકા કર્યો ટેરિફ, ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર
US-Japan Trade Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે નવા અમેરિકા-જાપાન વેપાર કરારને લાગુ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ 'અમેરિકા-જાપાન વેપાર સંબંધોને એક નવા યુગની શરૂઆત' જણાવ્યું હતું. આ આદેશમાં જાપાન પાસેથી કરવામાં આવતી તમામ આયાતો પર 15 ટકા બેઝલાઇન ટેરિફ લગાવવામાં આવ્યો છે. જોકે, ઓટોમોબાઇલ અને ઓટો પાર્ટ્સ, એરોસ્પેસ ઉત્પાદનો, જેનેરિક દવાઓ અને ઘરેલુ સ્તર પર હાજર ન હોય તેના પ્રાકૃતિક સંસાધનોને સેક્ટર-સ્પેસિફિક છૂટ આપવામાં આવી છે.
જાપાન પર 15 ટકા ટેરિફ
જોકે, શરૂઆતી સમયમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ જાપાન અને સાઉથ કોરિયા પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. વચ્ચે વેપાર કરાર પર અમેરિકા અને જાપાનની વાટાઘાટો પણ અટકી ગઈ હતી. પરંતુ, હવે આખરે ટ્રમ્પ વહીવટી તંત્રએ 15 ટકા બેઝલાઇન ટેરિફ જાપાન પર લગાવવા પર મહોર મારી દીધી છે.
આ પણ વાંચોઃ પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી
વ્હાઇટ હાઉસે કરી જાહેરાત
વ્હાઇટ હાઉસે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, 'આ કરાર હેઠળ, અમેરિકા આવતી તમામ જાપાની આયાતો પર 15 ટકા બેઝલાઇન ટેરિફ લાગશે. આ માળખું પારસ્પારિક સિદ્ધાંતો અને બંનેના રાષ્ટ્રીય હિતો પર આધારિત છે.'
અમેરિકા-જાપાન વેપાર કરારની મહત્ત્વની બાબતો
આ કરારની સૌથી ખાસ વિશેષતાઓમાંથી એક જાપાન દ્વારા અમેરિકામાં 550 અબજ ડૉલરનું રોકાણ કરવાનું વચન છે, જેને અમેરિકન ઈતિહાસમાં કોઈપણ અન્ય કરારથી અલગ જણાવવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ રોકાણથી રોજગાર પેદા થશે, મેન્યુફેક્ચરિંગનો વિસ્તાર થશે અને નેશનલ સિક્યોરિટી મજબૂત થશે. આ કરાર હેઠળ જાપાન યુએસ-મેડ કોમર્શિયલ એરક્રાફ્ટ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ અને ચોખા, મકાઇ, સોયાબીન, ઉર્વરક અને બાયોએથેનોલ સહિત અબજો ડોલરની કિંમતના કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધ છે. જાપાને ન્યૂનતમ ઍક્સેસ યોજના હેઠળ ચોખાની આયાતમાં 75 ટકાનો વધારો કરવા સંમતિ આપી છે, જેનાથી જાપાનમાં યુએસ કૃષિ નિકાસ વાર્ષિક આશરે 8 બિલિયન ડોલર સુધી વધી જશે.
આ પણ વાંચોઃ મણિપુરમાં બે વર્ષે શાંતિ પ્રયાસો સફળ નેશનલ હાઇવે ખૂલતા લોકોને રાહત
વેપાર કરારથી જાપાન સાથેની વેપાર ખાધ ઘટશે
આદેશમાં જણાવાયું કે, આ કરાર 'અમેરિકન ઉત્પાદનો માટે સમાન તક પૂરી પાડે છે, યુએસ રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને પૂર્ણ કરે છે, યુએસ નિકાસ અને રોકાણ-આધારિત ઉત્પાદનનો વિસ્તાર કરે છે અને જાપાન સાથે વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરે છે.'
જાપાની વાટાઘાટકાર અકાઝાવા રયોસેઇ આ અઠવાડિયે વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની વાટાઘાટો માટે હતા જ્યારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.