Get The App

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી 1 - image


- અગાઉ યુવરાજ, હરભજન સિંહ અને રૈનાની પૂછપરછ થઈ હતી

- ધવન સામે બેટિંગ એપના માધ્યમથી મની લોન્ડરિંગનો આરોપ : ઈડીએ ક્રિકેટરને એપ સાથે કેવી રીતે જોડાયો તેની સ્પષ્ટતા પૂછી

નવી દિલ્હી : ઓનલાઈન બેટિંગ એપના કેસમાં પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઈડીએ પૂછપરછ કરી હતી. વનએક્સબેટ નામની બેટિંગ એપનો પ્રચાર કરવા બદલ ઈડીએ આ પૂર્વ ક્રિકેટરને મની લોન્ડરિંગની આશંકાથી સવાલો કર્યા હતા. શિખર ધવને સોશિયલ મીડિયામાં આ એપનો પ્રચાર કર્યો હતો. આ એપના પ્રમોશનમાં ક્રિકેટરની શું ભૂમિકા હતી એ જાણવા માટે ઈડીએ પૂર્વ ક્રિકેટરને દિલ્હી ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરી હતી.

ઈડીને ૧એક્સબેટ પર મની લોન્ડરિંગની શંકા છે. ગેરકાયદે કમાયેલા પૈસા છુપાવીને આ બેટિંગ એપે મની લોન્ડરિંગ એક્ટનો ભંગ કર્યો છે એવી આશંકાના આધારે એજન્સીએ તપાસ હાથ ધરી છે. એના ભાગરૂપે પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવનને ઈડીનું તેડું આવ્યું ંહતું. શિખર ધવને દિલ્હી સ્થિત ઓફિસમાં હાજર રહીને એપના પ્રમોશનમાં પોતાની શું ભૂમિકા હતી એની સ્પષ્ટતા કરી હતી. ઈડીએ શિખર ધવનને પૂછ્યું હતું કે આ પ્રમોશનથી એને શું મળ્યું છે અને તેમાં એની શું ભૂમિકા હતી?

અગાઉ બેટિંગ એપ્સના મુદ્દે પૂર્વ ક્રિકેટરો યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાની પૂછપરછ થઈ ચૂકી છે. ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હોય એવો ધવન ચોથો ક્રિકેટર છે. ગેરકાયદે બેટિંગ એપના મુદ્દે અગાઉ કેટલાય ફિલ્મ સ્ટાર્સની પણ પૂછપરછ થઈ ચૂકી છે.

દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ઓનલાઈન ગેમિંગ એક્ટ-૨૦૨૫ને પડકારતી અરજીઓ હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. સીજેઆઈ બી આર ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેંચે કેન્દ્ર સરકારની દલીલ સાંભળી હતી અને તેની સુનાવણી કરવાની સંમતિ આપી હતી. હવે આવતા સપ્તાહે આ મુદ્દે સુનાવણી થશે. 

ઉલ્લેખનીય છે કે સરકારના નવા ઓનલાઈન ગેમિંગ એક્ટ-૨૦૨૫ને પડકારતી અરજીઓ દેશની ત્રણ જુદી જુદી હાઈકોર્ટોમાં થઈ છે. એક અરજી કર્ણાટક હાઈકોર્ટમાં થઈ છે. બીજી અરજી દિલ્હી હાઈકોર્ટમાં થઈ છે અને ત્રીજી અરજી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં થઈ છે. અરજીઓમાં એવી દલીલ થઈ છે કે આ એક્ટથી એવી રમતો પર પણ પ્રતિબંધ લાગે છે કે જેમાં કૌશલ્યની જરૂર પડે છે. આ એક્ટ ગયા મહિને લાગુ પડયો હતો.

Tags :