'અમેરિકા કરોડો ડૉલર કમાશે, જેનાથી દેવું ચૂકવીશું', ટેરિફથી આવક અંગે ટ્રમ્પની મોટી જાહેરાત
Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (3 ઑગસ્ટ, 2025) ભારત સહિત અનેક દેશો પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફનો બચાવ કરતાં કહ્યું કે, આ પગલું અનેક વર્ષો પહેલાં જ લઈ લેવાનું હતું. આ ટેરિફથી થતી કમાણીથી અમેરિકાનું દેવું ચૂકવીશું.
ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, અમે લોન ચૂકવવા જઈ રહ્યા છીએ, અમારી પાસે ઘણી આવક થઈ રહી છે. દેશમાં અત્યારસુધી થયેલી કુલ કમાણી કરતાં વધુ. અમે જે કરી રહ્યા છીએ તેની પાછળનો એક ઉદ્દેશ દેવામાં ઘટાડો કરવાનો છે. અમારે આ પગલું ઘણાં વર્ષો પહેલાં જ લઈ લેવું હતું. મેં મારા પ્રથમ કાર્યકાળમાં ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. જો કે, તે સમયે કોવિડના કારણે હું અન્ય પર આ પગલું લઈ શક્યો નહીં.
અબજો ડૉલરની કમાણી થશેઃ ટ્રમ્પ
અમેરિકન પ્રમુખે કહ્યું કે, 'મને કોઈ પણ પ્રકારનું દબાણ નથી જોઈતું, હું ન્યાય અને પારદર્શિતા ઇચ્છું છું. અમે જ્યાં પણ અને જેટલું શક્ય હોય ત્યાં પરસ્પર લાભ ઇચ્છીએ છીએ. ક્યારેક, તેનો ખૂબ લાભ પણ મળે છે. ટેરિફથી ખૂબ મોટી રકમ એકઠી થશે અને હું ફક્ત એટલું જ કહી શકું છું કે, આપણો દેશ સેંકડો અબજો ડૉલર કમાશે.'
આર્થિક નીતિમાં કર્યા મોટા ફેરફાર
ટ્રમ્પે આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા બાદ બીજી વખત વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા. તેમણે અમેરિકાની આર્થિક નીતિમાં કેટલાક મોટા ફેરફાર કર્યા. ટ્રમ્પે તે દેશોને સજા કરવાનો નિર્ણય લીધો જે એકપક્ષીય ટેરિફ લાદી રહ્યા હતા અને જે દેશો પારસ્પરિક ટેરિફ માટે સંમત થયા હતા તેમની પાસેથી મોટાપાયે છૂટછાટો મેળવી હતી.
ટ્રમ્પે ટેરિફની જાહેરાત ક્યારે કરી?
અમેરિકાના પ્રમુખે 2 એપ્રિલના રોજ એવા દેશોની આયાત પર 50 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી જેમની સાથે અમેરિકાની વેપાર ખાધ વધુ છે. આ સાથે, તમામ દેશો પર 10 ટકાનો બેઝલાઇન ટેરિફ પણ લાદ્યો. તેમણે વેપાર ખાધને રાષ્ટ્રીય કટોકટી તરીકે જાહેર કરવા માટે 1977ના કાયદાનો ઉલ્લેખ કર્યો, જે તેમના વ્યાપક આયાત કરને યોગ્ય ઠેરવે છે. જો કે, આ મોટા ફેરફારથી અમેરિકા સહિત વિશ્વભરમાં હાહાકાર મચ્યો હતો. અંતે ટ્રમ્પે અન્ય દેશો સાથે ટેરિફ મુદ્દે વાટાઘાટો કરવા રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણમાં 90 દિવસની ડેડલાઇન આપી હતી.
વિવિધ દેશો પર જુદો-જુદો ટેરિફ
ટ્રમ્પે 69 દેશો પર 10થી 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે. જેમાં સીરિયા પર 41 ટકા, કેનેડા પર 35 ટકા, બ્રાઝિલ પર 50 ટકા, ભારત પર 25 ટકા, સ્વિટ્ઝર્લૅન્ડ પર 39 ટકા અને તાઇવાન પર 20 ટકા ટેરિફ સમાવિષ્ટ છે. અમેરિકાએ અગાઉ પાકિસ્તાન પર 29 ટકા ટેરિફ લાદ્યો હતો, જે બાદમાં ક્રૂડ ડીલના કારણે ઘટાડી 19 ટકા કર્યો હતો.