VIDEO: ટ્રમ્પનું ફરી બેજવાબદારીભર્યું વર્તન, પૂર્વ US પ્રમુખ ઓબામાની ધરપકડ દર્શાવતો AI વીડિયો શેર કરતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US President Donald Trump And Barack Obama : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સોમવારે બરાક ઓબામાનો એક વીડિયો પોસ્ટ કર્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવાયેલા આ વીડિયોમાં અમેરિકન પ્રમુખની વ્હાઈટ હાઉસમાં આવેલી ઓવલ ઓફિસમાં ઓબામાની ધરપકડ થતી અને પછી એમને જેલવાસ થતો બતાવાયો છે. આ વીડિયોમાં ટ્રમ્પ ઓબામાની ધરપકડ વખતે હસતા જોવા મળે છે.
ઓબામાનું નિવેદન અને ટ્રમ્પનો AI જવાબ
વીડિયોની શરૂઆત ઓબામાના જૂના નિવેદનથી થાય છે, જેમાં તેઓ કહે છે કે, ‘ખાસ કરીને પ્રમુખ કાયદાથી ઉપર છે.’ ત્યારબાદ યુએસના અન્ય રાજકીય નેતાઓના દ્રશ્ય દેખાય છે, જેમાં તેઓ કહે છે, ‘કોઈ પણ કાયદાથી ઉપર નથી.’ વીડિયોનો એ પછીનો ભાગ AIની મદદથી બનાવાયો છે, જેમાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પ અને ઓબામા બેઠા છે. ત્યાં અચાનક બે એફબીઆઈ એજન્ટ આવી જાય છે અને ઓબામાને ઘૂંટણિયે પાડીને ખૂબ અપમાનજનક રીતે તેમને હાથકડી પહેરાવે છે. એ પછી ઓબામા કેદીના નારંગી રંગના કપડાં પહેરીને જેલમાં બેઠેલા અને ચાલતા જોવા મળે છે. ઓબામા સાથે થતું અપમાનજનક વર્તન જોઈને ટ્રમ્પ હસતા દેખાય છે.
ટ્રમ્પ પર વરસ્યા ટીકાબાણ
ટ્રમ્પે પોસ્ટમાં વીડિયોના કાલ્પનિક હોવાનો ઉલ્લેખ કરતા શબ્દો નથી લખ્યા, જેને લીધે વિશ્લેષકો અને રાજકીય પંડિતો ટ્રમ્પના આ પગલાંની ટીકા કરી રહ્યા છે. સામાન્ય યુઝર્સથી લઈને રાજકીય નિષ્ણાતો પણ ટ્રમ્પના આ વર્તનને ‘બેજવાબદાર’ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ વધુ આકરા થઈને આ વીડિયોને ટ્રમ્પની બેવકૂફી અને બેજવાબદારી નમૂનો ગણાવી રહ્યા છે.
ટ્રમ્પે શા માટે આવો વીડિયો મૂક્યો?
થોડા દિવસ પહેલાં ટ્રમ્પે ઓબામા પર ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, મને (ટ્રમ્પને) પ્રમુખ બનતો અટકાવવા ઓબામાએ ટ્રમ્પ અને રશિયા વચ્ચે મિલીભગત હોવાની વાત ઘડી કાઢી હતી.
તુલસી ગેબાર્ડની પોસ્ટે આગ ભડકાવી
ટ્રમ્પ જ રિપબ્લિકન પાર્ટીના નેતા અને ‘ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ’ તુલસી ગેબાર્ડે પણ ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે, ‘મારી પાસે પુરાવા છે કે ઓબામા એડમિનિસ્ટ્રેશનના ઉચ્ચ અધિકારીઓએ 2016 પછી ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને અસ્થિર કરવા માટે ઈન્ટેલિજન્સ સર્વિસનો દુરુપયોગ કર્યો હતો. આ માટે તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.’
આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, ‘2016માં ઓબામાના શાસન દરમિયાન કેવી રીતે ઈન્ટેલિન્જસ સર્વિસનો રાજકીય દુરુપયોગ થયો હતો અને કેવી રીતે લોકશાહી નીતિઓને ધ્યાનમાં લીધા વિના ટ્રમ્પ વિરુદ્ધ મંચ ગોઠવાયો હતો, એ હવે અમેરિકા જાણશે.’
આ પણ વાંચો : બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ, કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એકનું મોત
રશિયાએ અમેરિકાની ચૂંટણી પ્રભાવિત કરી હોવાના પુરાવા નથી
ટ્રમ્પ પહેલીવાર પ્રમુખ બનેલા ત્યારે રશિયાની મહેરબાનીથી ચૂંટણી જીતેલા હોવાની ચર્ચા અમેરિકામાં ચાલી હતી. આ અંગે અમેરિકાના ગુપ્તચર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા 114 પાનાના દસ્તાવેજમાં જણાવાયું હતું કે, નવેમ્બર 2016 પહેલાં રશિયાએ અમેરિકન ચૂંટણી સિસ્ટમ પર સાયબર હુમલો કરીને ચૂંટણીનું પરિણામ પ્રભાવિત કર્યું હોવાના કોઈ પુરાવા નથી.
મુદ્દો સાચો હોય તો પણ વિરોધ કરવાની ટ્રમ્પની રીત ખોટી
ઓબામા વિરુદ્ધ ટ્રમ્પનો મુદ્દો સાચો હોય તો પણ વિરોધ કરવાની એક રીત હોય છે જે ટ્રમ્પ જાળવતા નથી, જેના લીધે તેઓ વારંવાર ટીકાનું કારણ બને છે અને લોકો કોઈ મુદ્દાને ગંભીરતાથી લેવાને બદલે ટ્રમ્પને જ આડે હાથે લેવા માંડે છે. ઓબામાના જેલવાસનો અપમાનજનક વીડિયો મૂકીને ટ્રમ્પે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અમેરિકા જેવા દેશના પ્રમુખમાં હોવી જોઈએ એવી શાલીનતા, સમજણ અને જવાબદારી તેમનામાં નથી.
આ પણ વાંચો : ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઊભેલા લોકો પર ઇઝરાયલનો હુમલો, 67 પેલેસ્ટિનિયનના મોત








