ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઊભેલા લોકો પર ઇઝરાયલનો હુમલો, 67 પેલેસ્ટિનિયનના મોત
Gaza Israeli Attack: કતારમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે ગાઝામાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. 20 જુલાઈ, 2025ના રોજ ઉત્તરી ગાઝામાં ઇઝરાયલી ગોળીબારમાં યુએન રાહત સામગ્રીની રાહ જોઈ રહેલા 67 પેલેસ્ટિનિયનોના મોત થયા. ગાઝા આરોગ્ય મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
મૃત્યુઆંક વધારીને દર્શાવવામાં આવી રહ્યો હોવાનો ઇઝરાયલી સેનાનો દાવો
આ હુમલા અંગે ઇઝરાયલી સેનાનું કહેવું છે કે, 'અમારા સૈનિકોએ ખતરાની આશંકાને કારણે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો.' સેનાનો દાવો છે કે મદદ લઈ જતી ટ્રકોને નિશાન બનાવવામાં આવી ન હતી. તેમજ મૃત્યુઆંક વધારીને દર્શાવવામાં આવી રહ્યો છે.
ભૂખમરાનો ખતરો વધ્યો
સંયુક્ત રાષ્ટ્રની એજન્સી WFP એ જણાવ્યું કે, 'અમારા 25 ટ્રકના કાફલા પર ગાઝામાં પ્રવેશતાં જ ભીડ ઉમટી પડી હતી. તે સમયે ગોળીબાર થયો.' બીજી તરફ, ગાઝામાં રહેતાં લોકોએ જણાવ્યું કે, 'હવે લોટ જેવી પાયાની વસ્તુઓ મળવી અશક્ય બની ગઈ છે. પોપ લિયોએ ગાઝાના કેથોલિક ચર્ચ પર થયેલા હુમલાની નિંદા કરી છે, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. તેમણે યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર અને ગાઝાના આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે ગાઝા ભૂખમરાની આરે પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં 71 બાળકોના કુપોષણથી મોત થયા છે અને 60 હજાર બાળકો કુપોષણના લક્ષણોથી ઝઝૂમી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18 લોકોના ભૂખથી મોત થયા છે. રવિવારે સેનાએ ગાઝાના દીર અલ-બલાહમાં પત્રિકાઓ વહેંચી, જેમાં લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
યુદ્ધવિરામ કરાર પર વાતચીત અધૂરી
ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 58,000થી વધુ પેલેસ્ટિનિયનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને લાખો નાગરિકો વિસ્થાપિત થયા છે. ગાઝા માનવતાવાદી આપત્તિનો સામનો કરી રહ્યું છે.
60 દિવસના યુદ્ધવિરામ અને બંધક કરાર પર કતારમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી. રવિવારે ગાઝા સરહદ નજીક અનેક બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા અને ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તે તેના લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે.