ટ્રમ્પની લોકપ્રિયતા ગગડી, અમેરિકન જ હવે પસંદ નથી કરતા, કારણ- ઘરેલુ અને વિદેશ નીતિ
Donald Trump Popularity: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમના કાર્યકાળના 242 દિવસ પૂરા થતા, તેમની નેટ અપ્રુવલ રેટિંગ -17% પર પહોંચી ગઈ છે. તેમની ટેરિફ અને વિદેશ નીતિઓ, કડક ઇમિગ્રેશન પોલિસી, સરકારી નોકરીઓમાં ઘટાડો અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાની નીતિઓ જેવા અનેક કારણોને લીધે તેમની લોકપ્રિયતામાં આ ઘટાડો થયો છે.
લોકપ્રિયતાના આંકડા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા અઠવાડિયાની સરખામણીમાં ટ્રમ્પની લોકપ્રિયતામાં 2.6 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. તાજેતરના આંકડા મુજબ, માત્ર 39% લોકો જ તેમના કામથી સંતુષ્ટ છે, જ્યારે 56% લોકો અસંતુષ્ટ છે. આ ઉપરાંત, 4% લોકોએ કોઈ ચોક્કસ અભિપ્રાય આપ્યો નથી.
કાર્યશૈલી અને વિવાદાસ્પદ નિર્ણયો
છેલ્લા નવ મહિનામાં, ટ્રમ્પે અમેરિકી સરકારમાં નોંધપાત્ર ફેરફારો લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના કાર્યકારી આદેશોનો ઉપયોગ કરીને વેપાર સમજૂતીઓ, ઇમિગ્રેશન, સરકારી કર્મચારીઓ અને વિદેશ નીતિમાં મોટા બદલાવ કર્યા છે. આ સાથે, તેમણે તેમના ભાષણો અને ન્યાય વિભાગ દ્વારા અમેરિકી યુનિવર્સિટીઓ, ન્યાયાધીશો, વકીલો, મીડિયા અને અન્ય વ્યવસાયો પર આકરા પ્રહારો કર્યા છે. આ બધી નીતિઓ અને તેમની આક્રમક શૈલીને કારણે અમેરિકી જનતામાં નારાજગી વધી રહી છે.
ટ્રમ્પની ટેરિફ નીતિ અને ભારતીય ઉત્પાદનો
ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ ટેરિફ પોલિસી અપનાવી. તેમણે વેપાર અસંતુલન ઘટાડવા અને અમેરિકન ઉદ્યોગોને ટેકો આપવાના બહાને વિશ્વના દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: ચીન-પાકિસ્તાનને UNમાં ઝટકો, બલૂચ આર્મીને બૅન કરવાના પ્રસ્તાવને અમેરિકાએ વીટો કર્યો
અમેરિકાનો સૌથી મોટો વેપારી ભાગીદાર હોવા છતાં, ભારતીય વસ્તુઓ પર ટ્રમ્પે 25% ટેરિફ લગાવ્યો. આ ઉપરાંત, રશિયન તેલની ખરીદીને કારણે ભારત પર વધુ 25%નો વધારાનો ટેરિફ લાદ્યો, જેના કારણે 27 ઓગસ્ટથી કુલ 50% ટેરિફ લાગુ થયો. આનાથી ભારતના વસ્ત્ર અને ઘરેણાંના ઉદ્યોગોને મોટું નુકસાન થયું છે અને સાથે જ અમેરિકામાં ભારતીય ઉત્પાદનો મોંઘા થવાથી ત્યાં પણ મોંઘવારી વધી છે, જેના કારણે અમેરિકન જનતામાં નારાજગી જોવા મળે છે.
ટ્રમ્પની આ ટેરિફ નીતિએ ભારત-અમેરિકાના સંબંધોમાં તણાવ ઊભો કર્યો છે. અમેરિકન નિષ્ણાતો તેમની વિદેશ નીતિની ટીકા કરતા કહે છે કે અગાઉના અમેરિકન પ્રમુખોએ બંને દેશોના સંબંધો સુધારવા માટે જે મહેનત કરી હતી, તેના પર ટ્રમ્પે પાણી ફેરવી દીધું છે.