ચીન-પાકિસ્તાનને UNમાં ઝટકો, બલૂચ આર્મીને બૅન કરવાના પ્રસ્તાવને અમેરિકાએ વીટો કર્યો
America UK and France Stops Pakistan and China: પાકિસ્તાનમાં સક્રિય વિદ્રોહી સંગઠન બલૂચ લિબરેશન આર્મી અને તેની મજીદ બ્રિગેડને સંયુક્ત રાષ્ટ્રની પાબંદી સૂચિ 1267માં સામેલ કરવાના પ્રસ્તાવ પર અમેરિકાએ વીટો લગાવી દીધો. આ ઉપરાંત, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો, જેના કારણે આ પ્રસ્તાવ રદ થઈ ગયો.
પ્રતિબંધ સમિતિ 1267: બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડ
વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિ 1267 હેઠળ એવી જોગવાઈ છે કે જે આતંકી સંગઠનોનો અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ હોય, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. આવા સંગઠનોની સંપત્તિ દુનિયાભરમાં જપ્ત કરી શકાય છે.
આ મુદ્દે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને જણાવ્યું કે બલૂચ લિબરેશન આર્મી અને તેની આત્મઘાતી ટુકડી મજીદ બ્રિગેડનો અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ સાથે કોઈ સંબંધ નથી, તેથી તેમને આ યાદીમાં સામેલ કરી શકાય નહીં.
પાકિસ્તાનનો દાવો અને અમેરિકાની દલીલ
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહેમદે બુધવારે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ, તહરીક-એ-તાલિબાન, ઈસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડના 60થી વધુ ઠેકાણાં છે.
પરંતુ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આ દલીલના આધારે પ્રતિબંધનો ઇનકાર કર્યો. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે બલૂચ લિબરેશન આર્મીનો અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ સાથે કોઈ સંબંધ મળ્યો નથી, તેથી તેને આ સૂચિમાં સામેલ કરી શકાય નહીં.
અમેરિકા દ્વારા BLA ને આતંકવાદી સંગઠન જાહેર કરાયું
જોકે, એ પણ સાચું છે કે અમેરિકાએ બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને આતંકી સંગઠન જાહેર કરી ચૂક્યું છે. બલૂચિસ્તાનમાં લાંબા સમયથી સ્વાયત્તતાની માંગ ઉઠી રહી છે અને બલૂચ લિબરેશન આર્મીએ આ માંગને લઈને વિદ્રોહ છેડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત ઘણી વખત પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી ચૂક્યું છે, પરંતુ ચીન હંમેશા અડચણરૂપ બન્યું છે. હવે આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ચીન અને પાકિસ્તાનના સંયુક્ત પ્રયાસને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન તરફથી આંચકો લાગ્યો છે.