World

ટ્રમ્પ બેકફૂટ પર.... હોર્મુઝ માટે 7 દેશો પાસે મદદ માગતી વખતે અમેરિકન પ્રમુખની 'લાચારી' દેખાઇ!

By GS TEAM
16 Mar 20264 mins read
TukuTouch Logo
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વર્તમાનમાં ગંભીર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેની સીધી અસર વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) પર પડી રહી છે. હવે આ યુદ્ધમાં ઈરાનની ધમકીઓને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પે સાથી દેશો પાસે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી છે. વિશ્વના 20% તેલના પરિવહન માટે જરૂરી આ દરિયાઈ માર્ગ અંગે અમેરિકન પ્રમુખ આર-પારના મૂડમાં છે અને મોટું નિવેદન આપતા કહ્યું છે કે એ જોવાનું રસપ્રદ રહેશે કે કયા દેશો અમારી વિનંતીને ઠુકરાવી દે છે અને અમારી મદદ માટે યુદ્ધ જહાજો નથી મોકલતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ બેકફૂટ પર.... હોર્મુઝ માટે 7 દેશો પાસે મદદ માગતી વખતે અમેરિકન પ્રમુખની 'લાચારી' દેખાઇ!

Image Source: Twitter

Donald Trump On Hormuz: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વર્તમાનમાં ગંભીર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેની સીધી અસર વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) પર પડી રહી છે. હવે આ યુદ્ધમાં ઈરાનની ધમકીઓને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પે સાથી દેશો પાસે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી છે. વિશ્વના 20% તેલના પરિવહન માટે જરૂરી આ દરિયાઈ માર્ગ અંગે અમેરિકન પ્રમુખ આર-પારના મૂડમાં છે અને મોટું નિવેદન આપતા કહ્યું છે કે એ જોવાનું રસપ્રદ રહેશે કે કયા દેશો અમારી વિનંતીને ઠુકરાવી દે છે અને અમારી મદદ માટે યુદ્ધ જહાજો નથી મોકલતા. આ વચ્ચે તમને જણાવી દઈએ કે, જાપાનથી લઈને ઓસ્ટ્રેલિયા અને તુર્કીયે સુધીના દેશોએ હોર્મુઝમાં પોતાના યુદ્ધ જહાજો મોકલવાનો લગભગ ઈનકાર કરી દીધો છે. એક પક્ષ એવું માને છે કે, દુનિયાની સૌથી શક્તિશાળી સેના હોવા છતાં અન્ય દેશો સામે મદદ માટે હાથ ફેલાવવો એ અમેરિકન પ્રમુખની લાચારી દર્શાવે છે.

અમે મદદ માટે 7 દેશો સાથે વાત કરી રહ્યા છે: ટ્રમ્પ

હોર્મુઝ સ્ટ્રેટ અંગે ઈરાનની ધમકીઓ વચ્ચે ટ્રમ્પે તાજેતરમાં ઘણા દેશોને યુદ્ધ જહાજો મોકલવા હાકલ કરી હતી. આ વચ્ચે એરફોર્સ વન પર બોલતા ટ્રમ્પે કહ્યું છે કે, 'અમે હોર્મુઝ સ્ટ્રેટ પર દેખરેખ રાખવા માટે અન્ય દેશો સાથે સહયોગ માટે વાટાઘાટો કરી રહ્યા છીએ. અમારું વહીવટીતંત્ર હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગે 7 દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે.' ટ્રમ્પે ઈરાન યુદ્ધના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ કરવાની સાથે પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા બજારો પર તેની અસર પર ભાર મૂક્યો. 

મદદ કરો તો સારું અને નહીં કરો તો વધુ સારું

ડોનાલ્ડ ટ્રમ્પ હવે હોર્મુઝ સ્ટ્રેટ અંગે સંપૂર્ણપણે આર-પારના મૂડમાં નજર આવી રહ્યા છે અને સાથી દેશો પાસેથી મદદની અપીલમાં તેમની સખ્તી અને લાચારી સ્પષ્ટ દેખાય રહી છે. તેમણે કહ્યું કે, 'જો આ દેશો અમારી મદદ કરે તો સારું રહેશે અને નહીં કરે તો પણ વધુ સારું. હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવા જેવા નાના પ્રયાસમાં કયો દેશ અમને મદદ નહીં કરે તે જોવું રસપ્રદ રહેશે.'

આ દેશો પાસે મદદની આશા

ટ્રમ્પે કહ્યું કે, ખાડી દેશોના તેલ પર નિર્ભર દેશોએ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાની જવાબદારી લેવી જ જોઈએ. હું માગ કરું છું કે આ દેશો આગળ આવે અને પોતાના ક્ષેત્રનું રક્ષણ કરે, કારણ કે આ તેમનું ક્ષેત્ર છે, આ તે સ્ત્રોત છે જેમાંથી તેમને ઉર્જા મળે છે. જોકે ટ્રમ્પે તમામ 7 દેશોના નામ નથી લીધા, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે ઘણા દેશ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતાં તેલના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે યુદ્ધ જહાજો મોકલશે. તેમણે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટનનું નામ આ દેશોમાં લીધું, જેનાથી તેમને મદદની આશા છે. જોકે, હજુ સુધી કોઈ પણ દેશે ટ્રમ્પની અપીલનો જવાબ આપ્યો નથી કે યુદ્ધ જહાજો નથી મોકલ્યા. 

જાપાન, ઓસ્ટ્રેલિયા, તુર્કીયેનો ઈનકાર

ટ્રમ્પ દ્વારા યુદ્ધ જહાજો મોકલવાની વિનંતીનો જવાબ આપતા જાપાને કહ્યું છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશોને હોર્મુઝ સ્ટ્રેટના રક્ષણ માટે યુદ્ધ જહાજો મોકલવા કહ્યું હતું, પરંતુ તે દરિયાઈ સુરક્ષા ઓપરેશ પર વિચાર કરી નથી કરી રહ્યું. જાપાનના વડા પ્રધાને કહ્યું કે, 'જાપાનને હજુ સુધી અમેરિકા તરફથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને એસ્કોર્ટ કરવા માટે તેની નેવી મોકલવાની વિનંતી નથી મળી, તેથી જવાબ આપવો મુશ્કેલ છે.'

બીજી તરફ એક અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે ટ્રમ્પની વિનંતી બાદ અમે હોર્મુઝ સ્ટ્રેટમાં નેવી શિપ નહીં મોકલીશું. નાટોમાં અમેરિકાના પાર્ટનર તુર્કીયેએ પહેલાથી જ આ સંઘર્ષથી પોતાને દૂર કરી દીધું છે. બીજી તરફ દક્ષિણ કોરિયા કહી રહ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટમાં તેના યુદ્ધ જહાજો તૈનાત કરવા કે નહીં તે અંગે ધ્યાનથી વિચાર કરશે.

આ પણ વાંચો: 'રશિયા, ચીન અમને સૈન્ય મદદ કરી રહ્યા છે, હોર્મુઝ બંધ જ રહેશે', ઇરાનના ખુલાસાથી અમેરિકા ચોંક્યું

માત્ર જાપાન, કોરિયા, તુર્કીયે અને ઓસ્ટ્રેલિયા જ નહીં પરંતુ હવે ફ્રાન્સના રક્ષા મંત્રી કેથરિન વોટ્રિને પણ ટ્રમ્પની વિનંતીનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી યુદ્ધ વધતું રહેશે  ત્યાં સુધી ફ્રાન્સ હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાના યુદ્ધ જહાજો નહીં મોકલશે. બીજી તરફ જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફુલે ઓપરેશનના વધવાની શક્યતા પર આશંકા વ્યક્ત કરી અને જણાવ્યું કે, તેથી મને ખૂબ જ શંકા છે કે એસ્પાઇડ્સને હોર્મુઝ સુધી વધારવાથી વધુ સુરક્ષા મળશે.

ઈરાનની ઉત્પાદન ક્ષમતા ખતમ

અમેરિકન પ્રમુખે પોતાની વાતનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, ઈરાનની ઉત્પાદન ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે, જેના કારણે તે ઓછી મિસાઈલો છોડી રહ્યું છે. આવી સ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત અને દેખરેખનો આ એક નાનો પ્રયાસ છે, અમે ઈરાનની ઉત્પાદન ક્ષમતાને પહેલાથી જ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે. તેમના તરફથી માત્ર મિસાઈલો જ નહીં, પરંતુ ઈરાન દ્વારા લોન્ચ કરાયેલા ડ્રોનની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને તે પહેલાની તુલનામાં લગભગ 20% રહી ગયો છે.

હોર્મુઝ સ્ટ્રેટ એટલું ખાસ કેમ છે?

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી એ દેશો સૌથી વધુ પ્રભાવિત થયા છે જે સીધી રીતે આ ચોક પોઈન્ટ સાથે જોડાયેલા છે અને તેલ આયાત પર નિર્ભર છે. ભારત અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થા પણ સીધા આ માર્ગ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં આ અવરોધ તેમની આર્થિક સ્થિતિને ખરાબ કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. તમને જણાવી દઈએ કે, હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ચોક પોઈન્ટ છે, જ્યાંથી દરરોજ આશરે લગભગ 20 મિલિયન બેરલ તેલ એટલે કે વિશ્વના કુલ વપરાશના લગભગ 20 ટકા પસાર થાય છે. આ સાથે જ દુનિયાની લગભગ 20 ટકા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)પણ આ માર્ગથી જ મોકલાય છે.