ટેરિફ માટે ભારત પોતે જવાબદાર, વર્ષો જૂની ભૂલો સુધારો: ટ્રમ્પના મંત્રીની નવી ધમકી
Trump Tariffs War: અમેરિકન પ્રમુખ ટ્રમ્પના મંત્રી હોવર્ડ લુટનિકે ભારતને ફરી એકવાર ચેતવણી આપતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત જો અમેરિકા પર લગાવેલો ટેરિફ હટાવશે અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે, તો જ વેપાર વાટાઘાટો અને કરારો આગળ વધશે. લુટનિકે ભારતની 1.4 અબજ વસ્તીનો ઉલ્લેખ કરતાં કટાક્ષ કર્યો કે જો આટલી મોટી વસ્તી હોય તો શું તેઓ મકાઈ નથી ખાતા? તેમણે સવાલ કર્યો કે જો ખરેખર એટલી વસ્તી છે, તો ભારત અમેરિકા પાસેથી મકાઈ કેમ નથી ખરીદતું? લુટનિકના મતે, અમેરિકા સાથે ભારતના વેપાર સંબંધો એકતરફી છે, જ્યાં ફક્ત અમેરિકા ભારતમાંથી આયાત કરે છે, જ્યારે ભારત અમેરિકાથી આયાત કરતું નથી.
અમેરિકા પર ટેરિફ ઓછો કરવાની માંગ
ટ્રમ્પના મંત્રી લુટનિકે ભારત પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, 'ભારત એક તરફ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ અને પ્રતિબંધો લાદે છે, જ્યારે બીજી તરફ પોતે અમેરિકન બજારનો ભરપૂર ઉપયોગ કરીને નિકાસનો લાભ ઉઠાવે છે. આ પરિસ્થિતિ અન્યાયી છે.'
આ સાથે જ ચેતવી આપતા કહ્યું કે, 'જો ભારત અમેરિકા પરના ટેરિફ નહીં ઘટાડે, તો અમેરિકા માટે ભારત સાથેના વેપાર સંબંધો જાળવી રાખવા મુશ્કેલ બની જશે.' તેમજ લુટનિકે ભારતને સલાહ આપતા કહ્યું કે, 'રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાથી ભારતને ફાયદો થશે અને અમેરિકા સાથે વેપાર સમજૂતીનો માર્ગ પણ મોકળો થશે. જો ભારત પોતાની નીતિ પર અડગ રહેશે, તો તેને અમેરિકાના ટેરિફ અને આર્થિક દબાણનો સામનો કરવો પડશે.'
ટેરિફ માટે ભારત પોતે જ જવાબદાર
ટ્રમ્પના સહયોગીએ કહ્યું કે, ભારતે અમેરિકા પર લગાવેલો ટેરિફ ઓછો કરવો જોઈએ અને અમેરિકા સાથે એવું જ વર્તન કરવું જોઈએ, જેવું અમેરિકા ભારત સાથે કરે છે. ટ્રમ્પ પ્રશાસન ભારતીય આયાત પર 50% ટેરિફ લગાવીને વર્ષોથી થઈ રહેલી ભૂલોને સુધારવા માંગે છે. આમાંથી 25% ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવાના દંડ તરીકે લગાવવામાં આવ્યો છે. ભારતીય વસ્તુઓ પર લાગેલો ટેરિફ અન્ય દેશો પરના ટેરિફ કરતાં વધુ છે અને આ માટે ભારત પોતે જ જવાબદાર છે. આ જ ટ્રમ્પનું મોડેલ છે: કાં તો તમે તેને સ્વીકારો, નહીં તો તમારે વિશ્વના સૌથી મોટા ગ્રાહક દેશ સાથે વેપાર કરવામાં મુશ્કેલી થશે.'
આ પણ વાંચો: રશિયાના ડ્રોન હુમલા સામે NATO 'લાચાર', ઘાટ કરતાં ઘડામણ મોંઘી, યુદ્ધ મોંઘુ પડી રહ્યું છે
રશિયાએ ભારતની ખુલ્લેઆમ પ્રશંસા કરી
રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને ભારત અને રશિયાના સંબંધોને મજબૂત ગણાવ્યા છે. રશિયાએ તેલ ખરીદવાનું બંધ કરવાના દબાણ છતાં ભારતના અડગ વલણ અને રશિયા સાથેના તેલ વેપારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.