Get The App

ટ્રમ્પે છ ભારતીય અમેરિકનોને દેશનું અર્થતંત્ર બેઠું કરવાની જવાબદારી સોંપી

- સુંદર પિચાઈ, સત્ય નડેલા ઉપરાંત અરવિંદ કૃષ્ણ, સંજય મેહરોત્રા, એન મુખર્જી, અજય બંગાના નામોનો સમાવેશ

Updated: Apr 15th, 2020

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે છ ભારતીય અમેરિકનોને દેશનું અર્થતંત્ર બેઠું કરવાની જવાબદારી સોંપી 1 - image

વોશિંગ્ટન, તા. 15 એપ્રિલ 2020, બુધવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ મહામારીના કારણે નષ્ટ થયેલા અમેરિકી અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે જે જૂથોની રચના કરાઈ છે તેમાં છ ભારતીય અમેરિકનને પણ સામેલ કર્યા છે. 'ગ્રેટ અમેરિકન ઈકોનોમિક રિવાઈવલ ઈન્ડસ્ટ્રી ગ્રુપ્સ'માં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સત્ય નડેલાના નામનો સમાવેશ કરાયો છે.

ટ્રમ્પે વિવિધ ઉદ્યોગો અને વર્ગોના 200થી વધારે ટોચના અમેરિકી દિગ્ગજોને લઈને આશરે ડોઢ ડઝન જેટલા વિવિધ જૂથોની રચના કરી છે. આ તમામ જૂથો કોરોના વાયરસના કારણે ખાડે ગયેલા અમેરિકી અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે વિવિધ સૂચનો આપવાનું કામ કરશે. મંગળવારે વ્હાઈટ હાઉસ ખાતેના દૈનિક સંમેલન દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, "આ એવા નામો છે જેના માટે મને લાગે છે કે, તેઓ સૌથી સારા, સ્માર્ટ અને તેજસ્વી છે. તેઓ આપણા સમક્ષ કેટલાક વિચારો રજૂ કરશે."

તકનીકી જૂથોમાં પિચાઈ અને નડેલા સિવાય આઈબીએમના અરવિંદ કૃષ્ણ અને માઈક્રોનના સંજય મેહરોત્રાને સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય પેરનોડ રેકોર્ડના ભારતીય અમેરિકી એન મુખર્જીને ઉત્પાદન જૂથમાં જ્યારે માસ્ટરકાર્ડના અજય બંગાને નાણાંકીય સેવાઓ જૂથમાં સામેલ કરવામાં આવ્યા છે.
Tags :