કતાર પર ઈઝરાયલના હુમલાથી નેતન્યાહૂ પર ભડક્યા ટ્રમ્પ, ફોન કરી આપી ચીમકી
Donald Trump And Netanyahu: હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા થઈ રહેલી તૈયારીઓ વચ્ચે કતારના દોહામાં ઈઝરાયલના હુમલાથી સૌ સ્તબ્ધ બન્યા છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી અને નેતન્યાહૂના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ કાર્યવાહીથી ભડકી ઉઠ્યા છે. તેમણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને ફોન કરી ધમકાવ્યા હોવાના અહેવાલ મળ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીતના માધ્યમથી બેન્જામિન નેતન્યાહૂને કહ્યું છે કે, આ પ્રકારની કરતૂત ચલાવી લેવામાં આવશે નહીં. આ તદ્દન અસ્વીકાર્ય છે. હું કહી રહ્યો છું કે, તમે આ પ્રકારની ગતિવિધિ ફરી કરશો નહીં. કતારની રાજધાનીમાં હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પણ ચોંકી ઉઠ્યા છે. ટ્રમ્પે નેતન્યાહૂને સવાલ કર્યો છે કે, અંતે તમે આ પગલું લઈ જ કેવી રીતે શકો.
આ પણ વાંચોઃ કોણ છે કુલમન ઘિસિંગ? જેમને PM બનાવવા માંગે છે Gen-Z, ભારત સાથે ખાસ કનેક્શન
બેન્જામિન નેતન્યાહૂ પોતાના નિર્ણય પર અડગ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈઝરાયલના આ હુમલાની ટીકા કરી છે. ટ્રમ્પ સહિત અન્ય મુસ્લિમ દેશોએ પણ હુમલાને વખોડી કાઢ્યો હોવા છતાં નેતન્યાહૂ પોતાના વલણ પર અડગ છે. તેઓએ પુનરોચ્ચાર કર્યો છે કે, કતાર સહિત આતંકવાદીઓને પોષનારા દેશો પર અમે હુમલાઓ ચાલુ રાખીશું. કતારને ઓપન ચેલેન્જ છે કે, કાં તો તે આંતકવાદીઓને હાંકી કાઢે, અથવા હુમલા માટે તૈયાર રહે. લેબનોનમાં ફરી એકવાર ઈઝરાયલની સેનાએ હુમલો કર્યો છે. અમે હિઝબુલ્લાના ઠેકાણાંને નષ્ટ કર્યા છે. લેબનોનની બેકા ખીણમાં થયેલા હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
સીરિયાએ હિઝબુલ્લાના ઠેકાણા પર કર્યા હુમલા
ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે, અમે બેકા ખીણમાં હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલા કર્યા છે. જ્યાં તેઓએ હથિયારોનો સંગ્રહ કર્યો હતો. બીજી તરફ સીરિયાએ પોતે જ પોતાના દેશમાં સ્થિત હિઝબુલ્લાના ઠેકાણાંને ટાર્ગેટ બનાવ્યા છે. સીરિયાના વર્તમાન પ્રમુખ અહમદ અલ શારાને હિઝબુલ્લાના વિરોધી છે. સીરિયાનો આ હુમલો ઈઝરાયલ માટે લાભદાયી રહ્યો છે.