ચીન પર પ્રચંડ ઝડપે 'ડોલ્ફિન' ત્રાટક્યું : 10 લાખનું સ્થળાંતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જાપાન-તાઈવાન પછી હવે ચીનમાં વાવાઝોડાંનો કેર
- તોફાની પવનો ફૂંકાતા ૨૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ, ચીનના પૂર્વ વિસ્તારોમાં ભારે તારાજી-રેડ એલર્ટ, ૧૦૦૦ આશ્રય કેન્દ્રો બનાવાયા
- ચીનમાં અનેક પ્રાંતમાં ૧૯ ઈંચ સુધી વરસાદની આગાહી, ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનનું પણ જોખમ
બેઇજિંગ : જાપાન અને તાઈવાનમાં ભારે વિનાશ વેર્યા પછી ડોલ્ફિન વાવાઝોડું રવિવારે ચીનના પૂર્વીય કાંઠા પર ત્રાટક્યું હતું. ડોલ્ફિન વાવાઝોડાંએ જેઝિયાંગ પ્રાંતમાં પૂર્વીય દરિયાકાંઠે યેકિંગ શહેરમાં પ્રતિ કલાક ૧૬૨ કિ.મી.ની ગતિએ લેન્ડ ફોલ કર્યું હતું. વાવાઝોડાંના પગલે ચીનના હવામાન વિભાગે વાવાઝોડાના સંભવિત માર્ગના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી હતી. આ પહેલાં વાવાઝોડાંની વિનાશક્તાને ધ્યાનમાં રાખીને ૧૦ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું જ્યારે ચીનના બે મુખ્ય એરપોર્ટ પર ૨૩૦૦થી વધુ ફ્લાઈટ રદ કરાઈ હતી.
ડોલ્ફિન વાવાઝોડાંએ જાપાનના કાગોશિમા તથા તાઈવાનના તાઈપેઈ સહિત ઉત્તરીય તાઈવાનમાં ભારે વિનાશ વેર્યા પછી રવિવારે ચીનના જેઝિયાંગ પ્રાંતના ગીચ વસતીવાળા યુહુન શહેર પર પ્રતિ કલાક ૧૬૨ કિ.મી.ની ઝડપે ત્રાટક્યું હતું. ચીનમાં એક વર્ષમાં આ ૧૩મા વાવાઝોડાંએ ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાંના પગલે જેઝિયાંગ પ્રાતના પાટનગર હેન્ગઝોઉ શહેરમાં હેન્ગઝોઉ એરપોર્ટમાં ૨૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. શાંઘાઈના બે મુખ્ય એરપોર્ટમાં પણ ૮૦ ટકા દૈનિક ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી.
ચીનના હવામાન વિભાગે વાવાઝોડાંની અસર હેઠળ મૂશળધાર વરસાદના પગલે ચીનના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી છે. ઓથોરિટીએ ૧,૦૦૦ ઈમર્જન્સી આશ્રય કેન્દ્રો ખોલ્યા હતા, જેમાં ૧૦,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. વાવાઝોડાંની અસર છેક ચીનના દક્ષિણ કાંઠે હોંગકોંગ સુધી અનુભવાઈ હતી.
ડોલ્ફિન વાવાઝોડું યેકિંગ શહેર પર ત્રાટક્યા પછી શિનયાંગના વુહાન તરફ આગળ વધ્યું હતું. વાવાઝોડાંના માર્ગમાં આવતા વિસ્તારોમાં ટ્રેન સેવા સસ્પેન્ડ કરી દેવાઈ હતી. જેઝિયાંગ અને ફુજિયાનમાં ૨૦૦થી વધુ ફેરી સેવાઓને પણ સસ્પેન્ડ કરાઈ હતી. ચીનના હવામાન વિભાગના મુખ્ય આગાહીકાર વાંગ હૈપિંગે જણાવ્યું કે, રવિવારથી બુધવાર સુધી ઉત્તરીય ફુજિઆન, જેઝિયાંગ, શાંઘાઈ, ઉત્તર જિઆંગશી, જિઆંગશુ, એનહુઈ, પૂર્વીય હુબેઈ, મધ્ય અને પૂર્વીય હેનાન તથા દક્ષીણી શેડોંગમાં ૧૯ ઈંચ સુધીનો મૂશળધાર વરસાદ વરસે તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં વરસાદના કારણે નાની અને મધ્યમ કદની નદીઓમાં ફ્લેશ ફ્લડ તથા ભૂસ્ખલનનું જોખમ સર્જાયું છે.
ચીન પર ત્રાટકતા પહેલાં ડોલ્ફિન વાવાઝોડાંએ તાઇવાનમાં પણ ભારે તારાજી સર્જી હતી. ઉત્તરીય તાઈવાનમાં ૧૮૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી અને સેંકડો ફેરી સર્વિસ પણ સસ્પેન્ડ કરાઈ હતી.









