એચ-1બી ફીમાં વધારો અને ટેરિફ મુદ્દે પ્રમુખ ટ્રમ્પ સામે અસંતોષ વધ્યો

- ભારત પરનો 50 ટકા ટેરિફ દૂર કરવા ત્રણ સાંસદોનો કોંગ્રેસમાં ઠરાવ
- એચ-1બી વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવી 'ગેરકાયદે' 19 રાજ્યોએ પ્રમુખ ટ્રમ્પના નિર્ણયને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકારર્યો
- અમેરિકન કામદારો, ગ્રાહકો અને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો માટે ભારત પર 50 ટકા ટેરિફ હાનિકારક : ત્રણ સાંસદોની દલીલ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળતા જ મનસ્વી રીતે અનેક વિવાદાસ્પદ નિર્ણયો કર્યા, જેને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. આ શ્રેણીમાં હવે પ્રમુખ ટ્રમ્પે સપ્ટેમ્બરમાં એચ-૧બી વિઝાની ફીમાં જંગી વધારો કરીને વન-ટાઈમ ફી ૧ લાખ ડોલર કરી હતી. ટ્રમ્પના આ નિર્ણયને અમેરિકાના ૧૯ રાજ્યોએ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર્યો છે. આ સિવાય અમેરિકન કોંગ્રેસના ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પે ભારત પર લગાવેલા ૫૦ ટકા ટેરિફને સમાપ્ત કરવા ત્રણ સાંસદોએ કોંગ્રેસમાં એક ઠરાવ રજૂ કર્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે મહિના પહેલાં જ કુશળ ભારતીય કામદારો અમેરિકનોની નોકરી ખાઈ જતા હોવાનો આક્ષેપ કરતા એચ-૧બી વિઝા ફી વધારીને ૧ લાખ ડોલર કરી દીધી હતી. ટ્રમ્પ સરકારે આ નિર્ણયને લાખો અમેરિકનોની નોકરી બચાવવા માટેનો ગણાવ્યો હતો. જોકે, હવે બે મહિના પછી કેલિફોર્નિયા અને મેસેચ્યુસેટ્સના નેતૃત્વમાં અમેરિકાના ૧૯ રાજ્યોએ શુક્રવારે એચ-૧બી વિઝા ફી વધારવાના ટ્રમ્પ સરકારના નિર્ણયના વિરોધમાં મેસેચ્યુસેટ્સની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ કર્યો છે.
ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિઆ જેમ્સ અને અન્ય રાજ્યોના ૧૮ એટર્ની જનરલોએ જણાવ્યું હતું કે, એચ-૧બી વિઝા ફીમાં વધારાથી સ્વાસ્થ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી જેવા મહત્વના સેક્ટર્સમાં કુશળ કામદારોની સમસ્યા વધુ ખરાબ થશે. તેમણે દાવો કર્યો કે, એચ-૧બી વિઝામાં ટ્રમ્પ સરકારે જાહેર કરેલી ૧ લાખ ડોલરની ફી માત્ર અતિ મનસ્વી જ નથી પરંતુ તે ગેરકાયદે પણ છે. તેમણે ઉમેર્યું કે, આ ફી વધારાથી સ્વાસ્થ્ય સેવાઓ સુધી સામાન્ય લોકોની પહોંચ મુશ્કેલ બનાવશે, બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થશે અને આપણા અર્થતંત્રને પણ ભારે નુકસાન થશે.
કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોટાએ કહ્યું કે, ટ્રમ્પ સરકાર પાસે આટલી જંગી વધારાની ફી વસૂલવાનો અધિકાર નથી. કોંગ્રેસે ક્યારેય પણ કોઈપણ પ્રમુખને આ પ્રકારે છ આંકડાની ફી લાગુ કરવાનો અધિકાર આપ્યો નથી. આ ફી સંપૂર્ણ પ્રોગ્રામને ખતમ કરવા સમાન છે.
એચ-૧બી મુદ્દે ટ્રમ્પ સામે ત્રીજો મોટો કેસ
એચ-૧બી વિઝા ફીમાં વધારા વિરુદ્ધ ૧૯ રાજ્યોનો કેસ અત્યાર સુધીનો ત્રીજો મોટો કેસ છે. આ પહેલાં ઑક્ટોબરમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, યુનિયનો અને એક વૈશ્વિક નર્સિંગ એજન્સીએ પણ ટ્રમ્પના આ નિર્ણય વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા, જે હજુ કોર્ટમાં ચાલુ છે. જોકે, વ્હાઈટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે ફીમાં વધારાનો બચાવ કરતા કહ્યું કે, આ પગલું એચ-૧બી પ્રોગ્રામમાં સુધારાની દિશામાં પહેલું પગલું છે. આ પગલાંથી અમેરિકન કર્મચારીઓને પ્રાથમિક્તા અપાશે, સિસ્ટમના દુરુપયોગને રોકાશે અને અમેરિકન પગાર પ્રતિસ્પર્ધા જાળવી રાખશે. બીજીબાજુ વિદેશી કુશળ કર્મચારીઓની ભરતીની સુવિધા ચાલુ રહેશે.
દરમિયાન રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ પ્રમુખ ટ્રમ્પે ભારત પર દંડ સ્વરૂપે વધારાના ૨૫ ટકા ટેરિફ સાથે કુલ ૫૦ ટકા ટેરિફ નાંખ્યો છે ત્યારે હવે અમેરિકન કોંગ્રેસના ત્રણ સભ્યોએ ભારતમાંથી થતી આયાત પરનો ૫૦ ટકા ટેરિફ સમાપ્ત કરવા માટે શુક્રવારે કોંગ્રેસમાં એક ઠરાવ રજૂ કર્યો છે. સાંસદોએ ટ્રમ્પના ૫૦ ટકા ટેરિફને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકન કામદારો, ગ્રાહકો અને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો માટે આ ટેરિફ હાનિકારક છે. આ ઠરાવ પ્રતિનિધિ ડેબોરા રોસ, માર્ક વેસી અને રાજા કૃષ્ણમૂર્તિ લાવ્યા હતા. આ બિલનો આશય આયાતી સામાનો પર ટેરિફ નાંખવા માટે પ્રમુખના ઈમર્જન્સી પાવરના ઉપયોગને મર્યાદિત કરવાનો છે.
કોંગ્રેસ વુમન ડેબોરા રોસે કહ્યું કે, ઉત્તરી કેરોલિનાનું અર્થતંત્ર વેપાર, રોકાણ અને જીવંત ભારતીય-અમેરિકન સમુદાયના માધ્યમથી ભારત સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ભારતીય કંપનીઓએ રાજ્યમાં એક અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જેનાથી જીવન વિજ્ઞાાન અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં હજારો નોકરીઓ પેદા થઈ છે જ્યારે ઉત્તરિ કેરોલિનાના ઉત્પાદકો વાર્ષિક લાખો ડોલરનો સામાન ભારતમાંથી આયાત કરે છે.

